અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં ફરી એકવાર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. શાહપુરના કુરેશી હોલ નજીક 2023માં થયેલા હત્યા કેસના આરોપીના પરિવારે જ ફરિયાદી પરિવાર પર પથ્થરમારો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, આ સમગ્ર મામલો લાંબા સમયથી ચાલી રહેલા દબાણ દૂર કરવા બાબતના પારિવારિક ઝઘડા સાથે પણ જોડાયેલો છે. આ માથાકૂટમાં જ 2023માં એક વ્યક્તિની હત્યા થઈ હતી. આ હત્યા કેસનો મુખ્ય આરોપી મોહસીન હાલમાં પેરોલ પર જેલમાંથી પોતાના ઘરે આવ્યો છે.
માહોલ ફરી ઉગ્ર બન્યો
આરોપી મોહસીન પેરોલ પર બહાર આવતાની સાથે જ બંને પરિવારો વચ્ચેનો માહોલ ફરી ઉગ્ર બન્યો હતો. આરોપી મોહસીન અને તેના પરિવારે ફરિયાદી પરિવાર પર પથ્થરો ફેંકીને ફરી ધમાલ મચાવી હતી. આ પથ્થરમારામાં ફરિયાદી પરિવારના એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો
હત્યાના આરોપી દ્વારા પેરોલ પર મુક્ત થયા બાદ ફરીથી ફરિયાદીના પરિવાર પર હુમલો કરવામાં આવતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ શાહપુર પોલીસની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. પોલીસે હાલમાં મામલાને થાળે પાડીને બંને પક્ષોને શાંત પાડ્યા છે અને આરોપી મોહસીન તથા તેના પરિવાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હત્યાના આરોપી દ્વારા પેરોલના નિયમોનો ભંગ કરીને ફરી ગુનાહિત કૃત્ય આચરવામાં આવતા, પોલીસ દ્વારા તેના પેરોલ રદ્દ કરાવવા સુધીના પગલાં લેવાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો – Kalol News: જમિયતપુરા રેલવે ટ્રેક નજીક હાઇટ બેરિયર જોખમી બન્યું, ગંભીર અકસ્માતનો ભય


