અમદાવાદમાં પોલીસ સ્ટેશનમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં જ પોલીસ સુરક્ષિત નહીં હોવાનો બનાવ બનતાં અનેક સવાલો ઉભા થયાં છે. કેટલીક મહિલાઓએ પોલીસ સ્ટેશનના પીએસઓ અને હાજર સ્ટાફ સાથે મારામારી કરી હતી. મહિલાઓએ પીએસઓ અને સ્ટાફને લાફા માર્યા હતાં. મહિલા લોકઅપમાં બંધ આરોપીને મળવા આવ્યા હતાં.
બંને મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યો
અમદાવાદમાં નિકોલ પોલીસ સ્ટેશનમાં બે મહિલાઓ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં બંધ આરોપીને મળવા આવેલી બે મહિલાઓએ પોલીસ સાથે મારામારી કરી હતી. પોલીસ સ્ટેશનમાં જ પીએસઓ અને હાજર સ્ટાફને લાફા માર્યા હતાં. પીએસઓને જાણ કર્યા વિના આરોપીને મળતી મહિલાઓને પોલીસે ટકોર કરી હતી. બંને મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યો હતો. આરોપીને મળવા આવેલી બંને મહિલાઓએ પોલીસ સ્ટેશન સળગાવી નાંખવાની ધમકી આપી હતી. પોલીસને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બંને મહિલાઓ સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટમાં પોલીસ લુખ્ખાઓથી બચવા સંતાઈ ગઈ
રાજકોટમાં પણ પોલીસ સ્ટેશનમાં જ પોલીસ સુરક્ષિત નહીં હોવાનો બનાવ સામે આવ્યો છે. લુખ્ખા તત્વોના આતંકનો ભોગ પોલીસ પણ બની રહી છે. લુખ્ખાઓથી બચવા પોલીસ દરવાજા બંધ કરી સંતાઈ ગઈ હતી. રાજકોટના પ્રદ્યુમ્ન નગર પોલીસ સ્ટેશનમાં લુખ્ખાઓએ ધમાલ મચાવી હતી. નશાની હાલતમાં આવેલા તત્વો પોલીસને અપશબ્દો બોલી રહ્યા હતાં. પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


