- સ્કૂલ સીલ કર્યા બાદ સંચાલકોએ મંજૂરીના પુરાવા રજૂ કર્યાં
- હાઈકોર્ટના આદેશના નામે આડેધડ સીલ મારી દેતા હોવાનો સંચાલકો દ્વારા આક્ષેપ
- ભોંયરામાં કોઈ પણ જાતની ફાયર સેફ્ટી વગર 500થી વધારે બાળકોનાં જીવના જોખમે ક્લાસ ચલાવવાતો
હાઈકોર્ટના આદેશના નામે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વર્ષો જૂની શાળાઓને પણ બીયુ પરમિશન મુદ્દે સીલ મારી બાળકોને રઝળતા મૂકવાનું અભિયાન હાથ ધરાયું હોવાના સંચાલકો દ્વારા આક્ષેપો કરાઈ રહ્યાં છે.
બીજી તરફ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી જીવકોરબા સ્કૂલને બાળકોના જીવના જોખમે ભોંયરામાં વર્ગો ચલાવવાનો ખુદ AMC દ્વારા જ છુટો દોર આપવામાં આવ્યો હોવાનો ભાંડો ફૂટયો છે. ભોંયરામાં વર્ગો ચલાવવાની ફરિયાદ ઊઠતાં શહેર ડીઈઓ દ્વારા આજે સીલ મારવામાં આવ્યો હતો. ડીઈઓની કાર્યવાહી બાદ સંચાલકોએ જ મંજુરી અંગેના પુરાવા રજૂ કરતાં ડીઈઓ કચેરી જ ચોંકી ઉઠી હતી. જેથી શહેર ડીઈઓ દ્વારા તાત્કાલિક ફરી તપાસ માટે ફાયર અને એસ્ટેટ વિભાગને પત્ર પાઠવ્યો છે.
ડીઈઓ કચેરીમા થયેલી રજૂઆતમાં જીવકોરબા શાળાના પાંચમાં માળે પતરા નાખી કલાસ બનાવી ભણાવવામાં આવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ઉપરાંત ભોંયરામાં કોઈ પણ જાતની ફાયર સેફ્ટી વગર 500થી વધારે બાળકોને જીવના જોખમે ભણાવવામાં આવતા હોવાનું જણાવાયું હતું. ફરિયાદના ભાગરૂપે શહેર ડીઈઓ કચેરી કડક કાર્યવાહી કરે એ પહેલા જ સ્કૂલ સંચાલકોએ કોર્પોરેશન દ્વારા જ મંજુરી અપાઈ હોવાના પુરાવા રજૂ કરતાં ભારે ચકચાર મચવા પામી હતી.
DEO કચેરીનો તપાસ માટે ફાયર-એસ્ટેટ વિભાગને પત્ર
અમદાવાદ શહેર ડીઈઓએ દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગ અને ફાયર વિભાગને પાઠવેલા પત્રમાં જણાવ્યુ છે કે, મણિનગરમાં આવેલી જે.એલ.ઉચ્ચતર માધ્યમિક શાળા, ડાહીબેન ચીમનલાલ શાહ પ્રાથમિક શાળા, સુભારતી પ્રાથમિક સ્કૂલ અને પી.બી.ડી.જોશી શાળા માટે બેઝમેન્ટમાં વર્ગખંડો માટે ફાયર એનઓસીની પરમિશન તેમજ બી.યુ.પરમિશન આપેલ છે. પરંતુ બેઝમેન્ટમાં ચાલતા વર્ગો અત્રેની કચેરીને વિદ્યાર્થીઓ માટે જોખમી જણાય છે. આ અન્વયે સદર શાળામાં મકાન વપરાશ યોગ્ય છે કે કેમ? તે અન્વયે શાળાના બિલ્ડીંગી પુનઃ સ્થળ તપાસ કરી આપનો સ્વયં સ્પષ્ટ અભિપ્રાય આપવા વિનંતી છે જે અન્વયે બેઝમેન્ટમાં વર્ગો ચાલુ રાખવા કે કેમ ? તે અંગે કચેરી દ્વારા આગળની નિયમાનુસારની કાર્યવાહી કરી શકાય.


