- સોલા હાઈકોર્ટ પોલીસે 2 લોકો સામે કરી ફરિયાદ
- બનાવટી હુકમના આધારે પાવર ઓફ એટર્ની કરી
- છારોડીમાં આવેલી જમીન અંગે હાઈકોર્ટમાં થઈ હતી પીટીશન
અત્યાર સુધી રાજ્યમાં અનેક ઘટનાઓ સામે આવી છે કે ઘણા લોકોએ બોગસ ડોક્યુમેન્ટો તૈયાર કરીને ઘણા કૌભાંડો કર્યા છે અને ઘણા ગેરલાભો ઉઠાવ્યા છે. ત્યારે આજે અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટનો બોગસ હુકમ બનાવવા બદલ બે લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
બનાવટી હુકમના આધારે પાવર ઓફ એટર્ની કરી
હાઈકોર્ટનો બોગસ હુકમ બનાવવાને લઈ સોલા હાઈકોર્ટ પોલીસે 2 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. હાઈકોર્ટમાં પિટિશન પેન્ડિંગ હોવા છતાં ડીસમીસ થઈ હોવાનું બોગસ હુકમમાં દર્શાવાયું છે અને આ બનાવટી હુકમના આધારે પાવર ઓફ એટર્ની પરથી દસ્તાવેજ કરવામાં આવ્યો છે. છારોડીમાં આવેલી જમીનને લઈને હાઈકોર્ટમાં પીટીશન થઈ હતી.
સોલા હાઈકોર્ટ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી
ત્યારે રેવન્યુ રેકર્ડમાં પણ કેસ ડિસ્પોઝ થયો હોવાનું દર્શાવ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે સોલા હાઈકોર્ટ પોલીસે મનસુખ સાદરીયા અને મહેશ પરમાર નામના વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને સોલા હાઈકોર્ટ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરામાં પણ બોગસ સર્ટિફિકેટ બનાવનારો ઝડપાયો
વડોદરામાં SOGને આજે મોટી સફળતા મળી છે, SOGએ વિદેશ જવા માટે અલગ અલગ કંપનીઓના ખોટા સર્ટિફિકેટ બનાવનાર વ્યક્તિની ધરપકડ કરી છે, આ ઈસમ અનુભવના બોગસ સર્ટિફિકેટ બનાવતો હતો. પોલીસે બાતમીના આધારે ગોરવા GIDCમાં ડમી ગ્રાહક મોકલીને સમગ્ર કૌભાંડ પકડી પાડ્યું અને આરોપી નયન ભટ્ટ ઘણા સર્ટિફિકેટની પ્રિન્ટ કાઢી સિક્કા ઉપર જાતે જ સહી કરી દેતો હતો, આરોપી છેલ્લા બે વર્ષથી લોકોને વિવિધ કંપનીઓના ખોટા અનુભવના સર્ટિફિકેટ બનાવી આપતો હતો. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી અલગ અલગ કંપનીઓના નામ અને લોગો વાળા કોરા લેટરપેડ જપ્ત કરી લીધા છે.