- સામાન્ય બોલાચાલીમાં જ હત્યા થઈ હોવાનું સામે આવ્યું
- આરોપી હત્યાના ગુનામાં રખડતુ ભટકતું જીવન જીવતો હતો
- હત્યાના ગુનામાં ઝોન 3 એલસીબીએ વિજયપાલ ઉર્ફે પીન્ટુ મેણાની ધરપકડ કરી
બે દિવસ પહેલા અમદાવાદના રાયખડમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. ઝોન 3 એલસીબીએ હત્યાના ગુનામાં આરોપીની ધરપકડ કરી છે. જેમાં સામાન્ય બોલાચાલીમાં જ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. આરોપી હત્યાના ગુનામાં રખડતુ ભટકતું જીવન જીવતો હતો. સાથે જ પહેલી વખત થયેલી બોલાચાલી બાદ ફરી વખત મૃતક અને આરોપી સામ સામે મળી જતા બોલાચાલી થઈ હતી અને તેમાં હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે.
રાયખડ ચાર રસ્તા પાસે બે દિવસ પહેલા હત્યા થઈ હતી
તમને જણાવી દઈએ કે અમદાવાદના રાયખડ ચાર રસ્તા પાસે બે દિવસ પહેલા આશરે 40 વર્ષના યુવકની હત્યા કરેલી લાશ મળી આવી હતી. યુવકને લેધરના પટ્ટાથી ગળું દબાવી હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતુ. જે હત્યાના ગુનામાં ઝોન 3 એલસીબીએ વિજયપાલ ઉર્ફે પીન્ટુ મેણાની ધરપકડ કરી છે. આરોપી અને મૃતક બંને રખડતુ ભટકતુ જીવન જીવે છે અને હત્યાના દિવસે સાંજે આરોપી મજુરી કરી જતો હતો. તે સમયે મૃતક અને આરોપી વચ્ચે ટક્કર થઈ હતી અને તે ટક્કર બાદ બોલાચાલી થયા પછી મૃતકની હત્યા નિપજાવી આરોપી કાલુપુર ભાગી ગયો હતો.
આરોપી કાલુપુર રેલ્વે સ્ટેશન પાસે ફુટપાથ પર જ રહેતો હતો
હત્યારાની ધરપકડ કરી વધુ પુછપરછ કરતા સામે આવ્યું કે હત્યાના એકાદ કલાક પહેલા બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જે બાદ બંને છુટા પડ્યા અને આરોપી વિજયપાલ પરત આવતા મૃતકને માથામાં ઈજા થઈ હતી અને 108ની ટીમ તેની સારવાર કરતી હતી. જે બાદ ફરી એક વખત બંને વચ્ચે તકરાર થતાં આરોપીને રસ્તામાં મળેલા બેલ્ટ વડે ગળુ દબાવી તેની હત્યા કરવામાં આવી હતી અને આરોપી બેલ્ટ પણ ત્યાં જ મુકી જતો રહ્યો હતો. આરોપી કાલુપુર રેલ્વે સ્ટેશન પાસે ફુટપાથ પર જ રહેતો હતો. જેના સીસીટીવીના આધારે પોલીસે ઓળખ કરી અને ધરપકડ કરી છે.
પોલીસે અલગ અલગ રાજ્યોમાં મૃતકની ઓળખ માટે કાર્યવાહી શરુ કરી
હત્યાના ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ તો કરી, પરંતુ મૃતક કોણ છે તેની હજી ઓળખ થઈ નથી. મૃતક લાલ દરવાજા પાસે ફુટપાથ પર રહેતો હતો. ત્યાં તપાસ કરતા તેણે લોકો પાંડે અને નેપાળી નામથી બોલાવતા હતા માટે પોલીસે નેપાળ બોર્ડર વિસ્તાર તથા ઉત્તરપ્રદેશ અને બિહારના અલગ અલગ રાજ્યોમાં મૃતકની ઓળખ માટે કાર્યવાહી શરુ કરી છે.