- એલિસબ્રિજ જિમખાના પાસે બે શખ્સોએ રિક્ષાને રોકીને બે કર્મીની આંખમાં મરચું નાંખ્યું
- લૂંટારુઓએ એરગનથી બે રાઉન્ડ ફાયર કર્યુ,25 લાખનો થેલો બચી ગયો
- આરોપીઓને પકડવા સીસીટીવી ફૂટેજના આધારે શહેરમાં નાકાબંધી કરી દેવામાં આવી
સીજી રોડ પર આવેલ આર.કાંતિલાલ આંગડીયા પેઢીના બે કર્મચારીઓ જમાલપુર ખાતે કલેક્શન કરીને રિક્ષામાં બેસીને સમી સાંજે પરત ઓફિસે આવતા હતા ત્યારે એલિસબ્રિજ જીમખાના નજીક ટુ વ્હીલર પર આવેલા બે શખ્સોએ ચાલક અને આંગડિયા પેઢીના બન્ને કર્મીઓની આંખમાં મરચુ નાંખીને 40 લાખ રૂપિયા ભરેલો થેલો લૂંટયો હતો.
આ દરમ્યાન બન્ને કર્મીએ પ્રતિકાર કરતા એક શખ્સે બે રાઉન્ડ એરગનથી ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા હતા. આ લૂંટને પગલે એલિસબ્રિજ પોલીસ, ડીસીપી, ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચીને સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
સીજી રોડ પર આર.કાંતિલાલ આંગડીયા પેઢીમાં બાબુભાઇ પ્રજાપતિ અને મનોજભાઇ પટેલ બન્ને નોકરી કરે છે. તેઓ રોજ અલગ અલગ વિસ્તારમાં ક્લેકશન કરીને સાંજે ઓફિસે આવીને પેમેન્ટ જમા કરાવી દેતા હોય છે. બુધવારે બન્ને કર્મીઓ જમાલપુરથી કલેક્શન કરીને રિક્ષામાં બેસીને ઓફિસે બપોરે 3.05 કલાકે જતા હતા. આ દરમ્યાન 3.20 કલાકે એલિસબ્રિજ જીમખાના પાસેથી અચાનક જ ટુવ્હીલર પર બે શખ્સો આવીને રિક્ષાને આંતરી હતી. બાદમાં બન્ને પૈકી એક શખ્સે રિક્ષામાં બેઠેલા ચાલક અને બે કર્મીઓ પર મરચાની ભૂકી નાંખીને રૂપિયા ભરેલ થેલો લૂંટી લીદ્યો હતો. જો કે, બન્ને કર્મીઓએ પ્રતિકાર કરતા એક શખ્સે એરગનથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. જેમાં મનોજ પટેલને છરો વાગતા ઇજાઓ પહોંચી હતી. આંગડિયા કર્મચારીએ લૂંટની રકમ બચાવવા માટે લૂંટારુઓનું બહાદુરીથી સામનો કર્યો હતો. જેમાં બન્ને કર્મચારીઓને ઈજા પહોંચતા એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
65 લાખ રૂપિયામાંથી 25 લાખ બચી ગયા
એલિસબ્રિજ પીઆઇએ જણાવ્યુ કે, 65 લાખ રૂપિયા હતા પરંતુ 40 લાખ રૂપિયાની લૂંટ થઇ છે. 25 લાખ રૂપિયા ભરેલ એક થેલો બચી ગયો છે. આરોપીઓને પકડવા સીસીટીવી ફૂટેજના આધારે શહેરમાં નાકાબંધી કરી દેવામાં આવી છે.


