અમદાવાદ શહેરની એલ.ડી. ઈજનેરી કોલેજની હોસ્ટેલમાં કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા બે કાશ્મીરી વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં મોંઢે રૂમાલ બાંધીને વિદ્યાર્થીઓનું ટોળું હોસ્ટેલના રૂમમાં ધસી આવે છે, પરંતુ તેને કોઈ અટકાવી શકતું નથી. મહત્ત્વની વાત એ છે કે, હોસ્ટેલના સંચાલનમાં શિક્ષણ વિભાગે નક્કી કરેલા નિયમોનું જ પાલન કરવામાં ન હોવાની ફરિયાદો ઊઠી છે.
રાજ્યની તમામ સરકારી ઈજનેરી અને પોલિટેક્નિક સંસ્થાઓની હોસ્ટેલનું સંચાલન નિવૃત્ત આર્મીમેનને સોંપવા અંગે વર્ષ-2022માં થયેલા ઠરાવનું જ ઉલ્લંઘન કરવામાં આવે છે. રાજ્યની મોટા ભાગની હોસ્ટેલોના સંચાલનમાં નિવૃત્ત આર્મીમેન મુકાતા ન હોવાનું સૂત્રો જણાવે છે.
રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા તા.5 નવેમ્બર-2022ના રોજ સરકારી ઈજનેરી અને પોલિટેક્નિક સંસ્થાઓ ખાતે અભ્યાસક્રમોના રીસ્ટ્રક્ચરિંગ માટેની સમિતિઓ રચવા અંગેનો ઠરાવ પ્રસિદ્ધ કર્યો હતો. વિવિધ વિષય અંગેની સમિતીઓ પણ ઘડવામાં આવી હતી. જોેકે તમામ સરકારી ટેક્નિકલ સંસ્થાઓમાં હોસ્ટેલ ઉપલબ્ધ હોય છે. આથી હોસ્ટેલનું સુંચારુ સંચાલન થઈ શકે અને વિદ્યાર્થીઓમાં ડિસિપ્લિન જળવાય એ માટે હોસ્ટેલ સંચાલનની પણ જોગવાઈ કરાઈ હતી. શિક્ષણ વિભાગના આ ઠરાવના મુદ્દા નં.4માં કરાયેલી જોગવાઈ મુજબ, ‘સરકારી સંસ્થાઓના આચાર્યોને આંશિક સ્વાયત્તા આપવા માટે અને એક્સ મિલિટરી ઓફિસર દ્વારા હોસ્ટેલનું સંચાલન તથા જમવાની વ્યવસ્થા કરવા માર્ગ અને મકાન વિભાગના વર્ષ-1974ના પરિપત્ર મુજબ, મેસ-કેન્ટીન ઉપલબ્ધ કરવા માટેની સમિતિ રચવામાં આવે છે’. આ સમિતિના ચેરમેન ડાયરેક્ટર ટેક્નિકલ એજ્યુકેશન અને વિવિધ કોલેજના પ્રિન્સિપાલ સહિત અન્ય અધિકારીઓ મળી કુલ 10 સભ્યોની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ સરકારી ઈજનેરી કોલેજોના આચાર્યો દ્વારા હોસ્ટેલનું સંચાલન નિવૃત્ત આર્મીમેનને સોંપવામાં ભારે ઉદાસીનતા દાખવતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જેના કારણે એલ.ડી ઈજનેરી કોલેજ જેવી ઘટનાઓ નિરંતર જોવા મળતી હોવાની ચર્ચાએ જોર પકડયું છે.


