પૂર્વના ઘણાં વિસ્તારોમાં રોડ-રસ્તા અને ગટર પાણીની સમસ્યા માટે અલગ અલગ પ્રકારની ફરિયાદો સામે આવી રહી છે.
જેમાં નિકોલ તથા ઠક્કરબાપાનગરને જોડતાં ગોપાલ ચોક વિસ્તાર બે વોર્ડમાં વહેંચાયેલો હોવાના કારણે તેમાં ઘણી પ્રાથમિક સુવિધાનો સતત અભવ જોવા મળી રહ્યો છે. ગોપાલ ચોકની આજુબાજુના તમામ રોડ જેમા ગોપાલ ચોક થી ભોજલરામ આશ્રામ સુધીનો રોડ, ગોપાલ ચોક થી ખારીકટ કેનાલ સુધી નો રોડ બંને વોર્ડની વચ્ચે થી પસાર થાય છે. જેના પરિણામે બંને વોર્ડના સ્થાનિક કાઉન્સિલરો રોડ બનાવવામાં ધ્યાન આપી રહ્યા નથી. આ ઉપરાંત ગોપાલ ચોક થી સનરાઈઝ પાર્ક થઈને જીવન ટવિન બંગ્લોઝ સુધીનો રોડ નિકોલ વોર્ડમાં આવે છે, આ રોડ ઉપર પણ રોડ લાઇનનો અમલ કર્યા બાદ દબાણ હટાવવાના પણ આજે છ મહિના થવા છતાં રોડ હજુ બનેલ નથી અને લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ અંગે ફરિયાદ કરતાં સ્થાનિકોએ જણાવ્યું કે, છેલ્લા ઘણાં સમયથી આ વિસ્તારોમાં કોઈને કોઈ પ્રકારની ફરિયાદ રહેલી છે. જેમાં લોકો પોતાના વેપાર માટે આવે છે પરંતુ તેમની પ્રાથમિક સુવિધા આપવામાં બંને વોર્ડના અધિકારીઓ અને કાઉન્સિલરો મગજમારી કરતાં હોય છે. તેમજ ગોપાલ ચોકનો તમામ વિસ્તાર ખેડા લોકસભા અને દશક્રોઇ વિધાનસભામાં આવે છે, આ બંને જનપ્રતિનિધિઓને નિકોલ વોર્ડની કોઈ ચિંતા નથી. તેઓ કયારેય પણ આ વિસ્તાર ની મુલાકાત લેતા નથી. જ્યારે ચોમાસા દરિમયાન ગોપાલ ચોકની આજુબાજુમાં બે ફૂટ જેટલા વરસાદી પાણી ભરાઇ જાય છે અને સાથે જ ગટરના ગંદા પાણી ઉભરાવાનો પ્રશ્ન કાયમી જોવા મળે છે. આ વિસ્તારમાં આશરે 25 જેટલી સોસાયટીઓ અને એપાર્ટમેન્ટસ આવેલા છે. અને અંદાજે 20 હજાર લોકો વસવાટ કરે છે અને શોપિંગ કોમ્પલેક્ષમાં નાની મોટી દુકાનો ધરાવતો વેપારી વર્ગ છે. તેમની પ્રાથમિક સુવિધાઓ બાબતે પણ બંને વોર્ડના કાઉન્સિલરો, સાસંદ અને ધારાસભ્ય ઉકેલવામાં નિષ્ફ્ળ અને નિષ્ક્રિય જોવા મળે છે,


