- આ પ્રકારના વિવાદોની નિર્ણીત કરવાનું ન્યાયિક ક્ષેત્ર લેબર કોર્ટનું છે
- વાંકાનેર પંચાયતના ગૃહપતિને પગારનો વિવાદ ઈન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યૂટ એક્ટનો મુદ્દો
- આ પ્રકારના કેસોની પ્રોસીડીંગ્સ કાયદાકીય જોગવાઇ મુજબ, લેબર કોર્ટ સમક્ષ દાખલ કરવી પડે
ટ્રાયલ કોર્ટ(સિવિલ કોર્ટ) એ એમ્પ્લોઇ અને એમ્પ્લોયર વચ્ચેની તકરારના વિવાદને નિર્ણિત કરવાનું ન્યાયિક ક્ષેત્ર ધરાવતી ન હોવાનું ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદા મારફતે ઠરાવ્યુ છે.
વાંકાનેર તાલુકા પંચાયત તરફ્થી કરાયેલી સેકન્ડ અપીલમાં હાઈકોર્ટે ઠરાવ્યુ હતુ કે, એમ્પ્લોઇ અને એમ્પ્લોયર વચ્ચેની તકરારના કેસો ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એકટ હેઠળ આવે છે અને તેથી કર્મચારીએ આ પ્રકારના કેસોની પ્રોસીડીંગ્સ કાયદાકીય જોગવાઇ મુજબ, લેબર કોર્ટ સમક્ષ દાખલ કરવી પડે. સિવિલ કોર્ટ હોવાના નાતે ટ્રાયલ કોર્ટને આ માટેની કોઇ સત્તા નથી. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, જો કર્મચારીને આવા કેસોમાં કોઇ રાહત મેળવવી હોય તો પણ તે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એકટની જોગવાઇઓ હેઠળ જ મેળવી શકે અને તે જ યોગ્ય ફોરમ છે. વાંકાનેર પંચાયતના ગૃહપતિને નોકરીમાં ચાલુ ગણવાના અને તેને પગાર ચૂકવી આપવા અંગેના ટ્રાયલ કોર્ટ(સિવિલ કોર્ટ)ના હુકમને પડકારતી પંચાયતની સેકન્ડ અપીલ મંજૂર રાખતા જસ્ટિસ જે.સી.દોશીએ આ ચુકાદો આપ્યો હતો.
હાઇકોર્ટ સમક્ષ એવો કાયદાકીય મુદ્દો ઉપસ્થિત કરાયો હતો કે, શું એમ્પ્લોઇ અને એમ્પ્લોયર વચ્ચેની તકરારના કેસો સિવિલ પ્રોસીજર કોડની કલમ-9 હેઠળ શું ટ્રાયલ કોર્ટ(સિવિલ કોર્ટ) નિર્ણિત કરી શકે, જેનો જવાબ હાઇકોર્ટે સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદા અને પ્રસ્થાપિત સિધ્ધાંતોને ટાંકીને સાફ્ નકારમાં આપ્યો હતો. હાઇકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે, એમ્પ્લોઇ અને એમ્પ્લોયર વચ્ચેની તકરારના કેસો નિર્ણિત કરવા માટે ટ્રાયલ કોર્ટ અથવા સિવિલ કોર્ટને કોઇ ન્યાયિક ક્ષેત્ર જ નથી. વાંકાનેર તાલુકા પંચાયત તરફ્થી કરાયેલી સેકન્ડ અપીલમાં એ મતલબની રજૂઆત કરાઈ હતી કે, અરજદાર પંચાયત સંચાલિત કુમાર છાત્રાલયના ગૃહપતિ તરીકે પ્રતિવાદી કર્મચારીની ગત તા.2-9-1989ના રોજ ફ્ક્સિ પગારથી કરાર આધારિત રીતે કરવામાં આવી હતી. દરમ્યાન કથિત ગેરરીતિઓ સહિતના કારણોસર પ્રતિવાદી કર્મચારીને તા.6-5-1991ના હુકમથી નોકરીમાંથી દૂર કરાયા હતા. જે નિર્ણયથી નારાજ કર્મીએ સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો. જે દાવો નામંજૂર થતાં તેણે સ્થાનિક ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં અપીલ કરી હતી.


