- ત્રણ સ્કૂલોમાં DEOની ઓચિંતી તપાસમાં અનેક ક્ષતિ સામે આવી
- નવકાર અને સંતકબીર સ્કૂલમાં પણ ફાયરના પૂરતા ઉપકરણો નથી
- ત્રણેય સ્કૂલોને 10 દિવસમાં સંપૂર્ણ સાધન-સામગ્રી અને ખામીઓ દુર કરવાની સૂચના આપવામાં આવી
શહેરની શાળાઓના આચાર્યોને ફાયર અંગેની તાલીમ આપ્યાનાં ત્રીજા દિવસે શહેર ડીઈઓ અને ફાયદ વિભાગની ટીમ દ્વારા થલતેજની ઉદ્ગમ સ્કૂલ, ગુલબાઈ ટેકરા ખાતે આવેલી નવકાર અને સંતકબીર સ્કૂલમાં ઓચિંતી તપાસ કરવામાં આવી હતી.
આ દરમિયાન 5 હજારથી વધુ સંખ્યા ધરાવતી અને સતત વિવાદમાં રહેતી ઉદ્ગમ સ્કૂલમાં ફાયર સેફ્ટીને લઈ સૌથી વધુ ખામીઓ સામે આવી હતી. એ સિવાય નવકાર અને સંતકબીર સ્કૂલમાં સ્ટાફ ટ્રેનિંગ વિનાનો તેમજ પૂરતા સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. આ ત્રણેય સ્કૂલોને 10 દિવસમાં સંપૂર્ણ સાધન-સામગ્રી અને ખામીઓ દુર કરવાની સૂચના આપવામાં આવી છે.
રાજકોટમાં થયેલ અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયરને લઈ ચકાસણી અભિયાન ચાલી રહ્યું છે. જે અન્વયે અમદાવાદ શહેરની શાળાઓમાં ફાયર NOC અંગેની તાજેતરમાં તપાસ પૂર્ણ થઈ હતી. એ પછી શહેરના જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને ફાયર વિભાગ દ્વારા ગત તા.5 જૂનના રોજ 700 જેટલી શાળાના આચાર્યોને ફાયર અંગેની તાલીમ આપવામાં આવી હતી. તાલીમ આપ્યાનાં ત્રણ દિવસ બાદ ડીઈઓ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરાઈ હતી. આ દરમિયાન ઉદ્ગમ સ્કૂલમાં શરૂઆતથી જ અનેક ખામીઓ જણાઈ હતી. જેમાં સ્કૂલની વહીવટી કચેરીમાં ફાયરના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. સ્કૂલમાં બિલ્ડિંગ મુજબ ફાયર લોડ ન હોવાનું સામે આવ્યું, જ્યાં ફાયરના ઈક્વિપમેન્ટ રબરની સીટોના ઢગલામાં ઢંકાયેલા હતા. આ સિવાય સ્મોક વેન્ટિલેશન નહોતુ, લેબોરેટરીમાં જવા માટે માત્ર એક રસ્તો હતો અને ફાયરની બોટલો બંધ હાલતમાં જોવા મળી હતી. આ સિવાય નવકાર સ્કૂલમાં બેઝમેન્ટમાં જૂનુ ભંગાર પડયુ હતુ તેમજ ફાયરના પૂરતી બોટલો નહોતી. આ સ્કૂલમાં શેડ લગાવેલો હતો જે તાત્કાલીક ઉતારવાની પણ સુચના અપાઈ છે. સંત કબીર સ્કૂલમાં પણ ફાયરના અપૂરતા ઈક્વિપમેન્ટ જોવા મળ્યાં હતા. મહત્વનું છે કે, આ ત્રણેય સ્કૂલ પાસે ફાયર NOC હતી. ઉલ્લેખનીય છે કે, ફાયરની બોટલ ચાલુ કરતાં એકપણ સ્કૂલના કર્મચારીને આવડતુ ન હોવાનું પણ સામે આવ્યું હતુ. જેથી સ્થળ પર જ ફાયર અધિકારી દ્વારા ડેમો આપવામાં આવ્યો હતો.


