સિંગરવામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ પૂર્ણ કરીને મજૂર દંપતી ઓરડીમાં ગયા હતા.
જ્યાં પત્ની ચા બનાવતી હતી ત્યારે પતિએ પાછળથી આવી અચાનક પાવડો અને ઈંટના ઘા પત્નીને માથામાં મારીને હત્યા કરી હતી. આ અંગે મૃતક મહિલાના ભાઈએ બનેવી સામે ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
સિંગરવામાં રહેતા નાથુભાઇ પારગી લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. જેમાં હાલમાં તેમને સિંગરવામાં નવી બનતી બાંધકામ સાઇટમાં લેબર કોન્ટ્રાક્ટ રાખ્યો છે. જેમાં તેમની નાની બહેન સીમાબેન અને તેનો પતિ પ્રભુ કટારા બાળકો સાથે સાઇટ પર કામ કરે છે અને ત્યાં જ રહે છે. ગત 11 ડિસેમ્બરે સાંજના સમયે કડિયાકામ કરીને પ્રભુ અને તેની પત્ની 30 વર્ષીય સીમાબેન ઓરડીમાં ગયા હતા. જે બાદ સીમાબેન ચા બનાવતા હતા. આ દરમ્યાન પ્રભુ ઓરડીમાં આંટાફેરા મારવા લાગ્યો હતો. બાદમાં કોઇ કારણોસર તેને પાવડો લઇને સીમાને માથામાં મારી દીધો હતો. બાદમાં ઈંટ લઇને માથામાં મારતા સીમાબેન લોહિલુહાણ હાલતમાં ઢળી પડયા હતા. આ દરમ્યાન અન્ય સંબંઘી મજૂરોએ તાત્કાલિક મૃતકના ભાઇ નાથુભાઇને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. બાદમાં સીમાબેનને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જતા ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે નાથુભાઇએ બનેવી પ્રભુ સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ કરતા આરોપીની પૂછપરછમાં આરોપી પ્રભુ થોડો માનસિક બિમાર હોવાનું પણ સામે આવ્યુ છે અને કોઇ કારણ વગર હત્યા કર્યુ હોવાનું રટણ કરી રહ્યો છે.


