- રશિયન વિપક્ષી નેતા એલેક્સી નવલનીનું રશિયાની જેલમાં મોત
- એલેક્સી નવલનીના મોતનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું
- પહેલા પણ અનેકવાર ફેલાઈ ચૂકી છે નવલનીના મોતની અફવા
જેલમાં બંધ રશિયન વિપક્ષી નેતા એલેક્સી નવલનીનું મોત થઈ ગયું છે. યમાલો-નેનેટ્સ વિસ્તારની જેલ સેવાનો હવાલો આપતા એક આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીએ આ વાતની પુષ્ટિ કરી છે. નવલની હાલના રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કટ્ટર વિરોધી માનવામાં આવતા હતા.
મોતનું કારણ હજુ અકબંધ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે નવલની જ્યારે જેલમાં લટાર મારી રહ્યા હતા ત્યારે તેમનું સ્વાસ્થ્ય સારું ન હોવાનું જણાયું હતું. આ માહિતી જાણકારી તેમણે અધિકારીઓને આપી અને અચાનક તેઓ બેભાન થઈ ગયા. તુરંત, મેડિકલ સ્ટાફને બોલાવવામાં આવ્યો. પરંતુ તેઓ ફરી ભાનમાં ન આવી શક્યા. નવલનીની મોત કયા કારણે થઈ તેની હજુ સુધી તો કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.
2020માં તેમને ઝેર આપીને મારી નખાયાની ફેલાઈ હતી અફવા
આ પહેલા નવલનીને લઈને અફવા ફેલાઈ હતી કે 2020માં તેમને સાઇબેરિયામાં ઝેર આપીને મારી નાખવામાં આવ્યા છે. જોકે, આ વાતને રશિયન સરકારે અફવા ગણાવી હતી. સરકાર તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે એવા કોઈ પુરાવા નથી મળ્યા કે તેમને નર્વ એજન્ટથી ઝેર આપવામાં આવ્યું છે. એટલું જ નહિ તેમના જેલમાંથી ગાયબ થઈ જવાની અફવા પણ સામે આવી હતી.
અનેક કેસોમાં નવલની હતા આરોપી
ગત વર્ષે નવલનીની સજા 19 વર્ષ સુધી વધારી દેવામાં આવી હતી. જે બાદ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, હું નહીં, તમે ડરી ગયા છો અને વિરોધ કરવાની ઇચ્છા ગુમાવી રહ્યા છો. વિરોધ કરવાની તમારી ઈચ્છાશક્તિ ન ગુમાવો. એક વિશેષ શાસન કોલોનીમાં 19 વર્ષ. આ આંકડાનો કોઈ અર્થ નથી. હું સારી રીતે સમજું છું કે ઘણા રાજકીય કેદીઓની જેમ મારી સજા આજીવન છે. નવલની પેરોલ ઉલ્લંઘન, છેતરપિંડી અને કોર્ટની અવમાનને લગતા ઘણા કેસોમાં આરોપી હોવાનું જાણવા મળ્યું હતું.
પુતિનના કટ્ટર વિરોધી હતા નવલની
નવલનીને રશિયાના વર્તમાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કટ્ટર વિરોધી માનવામાં આવતા હતા. જેના કારણે તેમણે ઘણી વખત જેલની સજા ભોગવવી પડી હતી. 2011માં તેમણે પુતિન પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો અને તપાસની માંગ કરી હતી. ત્યારબાદ, તેમણે 15 દિવસ જેલમાં રાખવામાં આવ્યા હતા. 2013માં તેમની સામે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા. જેના કારણે તેમણે જેલની સજા પણ ભોગવવી પડી હતી. જોકે, દરેક વખતે તેમણે પોતાને નિર્દોષ ગણાવ્યા હતા.


