- મનમાન્યા આદેશ કરીને સરકારી અધિકારીઓને કોર્ટમાં બોલાવવાની બાબત બંધારણથી વિરુદ્ધ
- કોર્ટે તે સાથે જ ઉત્તરપ્રદેશના બે સચિવોની અટકાયત કરવાના આદેશને રદ કર્યો હતો.
- કે અદાલતોએ સરકારી કર્મચારીઓને મનમાની રીતે સમન કરવાથી બચવું જોઇએ
સુનાવણીઓ વખતે સરકારી અધિકારીઓને સમન કરવા થઇ રહેલા મનમાન્યા આદેશોને મુદ્દે સુપ્રીમ કોર્ટે એક ટિપ્પણી કરી છે. બુધવારે એક કેસમાં સુનાવણી હાથ ધરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અદાલતી કાર્યવાહી વખતે મનમાન્યો આદેશ કરીને સરકારી અધિકારીઓને સમન કરવા તે બાબત બંધારણથી વિરુદ્ધ છે. મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડની અધ્યક્ષતામાં બનેલી ત્રણ ન્યાયમૂર્તિની પીઠે અદાલતો માનક સંચાલન ક્રિયાઓ (એસઓપી) પર ભાર મૂક્યો હતો. કોર્ટે કહ્યું કે અદાલતોએ સરકારી કર્મચારીઓને મનમાની રીતે સમન કરવાથી બચવું જોઇએ. મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે અદાલતો અને સરકારી અધિકારીઓ વચ્ચેના દૃષ્ટિકોણ વચ્ચે તફાવત હોવાનો અર્થ એ નથી કે કોર્ટ સરકારી કર્મચારીને મનમાની રીતે સમન કરે. સુનાવણી વખતે સરકારી કર્મચારીને અપમાનિત કરતી ટિપ્પણી કરતાં પણ અદાલતોએ બચવું જોઇએ. કોર્ટે તે સાથે જ ઉત્તરપ્રદેશના બે સચિવોની અટકાયત કરવાના અલ્હાબાદ હાઇકોર્ટના આદેશને રદ કર્યો હતો.


