આમ તો આપણે ફટકડીનો ઉપયોગ પાણીને સ્વચ્છ કરવા માટે કરતાં હોઇએ છીએ, ઘણાં ઘરોમાં વડીલો મોઢામાં ચાંદાં પડ્યાં હોય તો ફટકડીનું પાણી કરીને તેના કોગળા કરવાનો ઉપાય અજમાવતાં હોય છે, તો ઘણાં લોકો દાંતના દુખાવામાં તેના પાણીના કોગળા કરે છે, જોકે ફટકડીનો ઉપાય સુંદરતા જાળવવા અને વાળને વધારે સુંદર બનાવવામાં પણ થાય છે. એ સિવાય પરસેવાની દુર્ગંધ દૂર કરવામાં પણ તે ઉપયોગી બને છે. તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે વિશે થોડું જાણી લઇએ.
- એન્ટિ એજિંગથી બચવા માટે મોંઘી કોસ્મેટિક પ્રોડક્ટસનો ઉપયોગ કરવાની જરૂર નથી. તમે ફટકડીનો ઉપયોગ કરીને ચહેરા પરની કરચલીઓથી પણ છુટકારો મેળવી શકો છો. આ માટે ફટકડીને પાણીમાં ભીની કરો. ત્યારપછી તેને હળવા હાથે ચહેરા પર સર્ક્યુલેશન મોશનમાં ઘસો અને તેને સારી રીતે સૂકવી લો. ચહેરા પર ફટકડી લગાવ્યા પછી તેને તરત લૂછો નહીં, જ્યારે તે સારી રીતે સુકાઈ જાય, પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો.
- ધૂળ, પોલ્યુશન અને વધુ પડતી બ્યુટી પ્રોડક્ટ્સના ઉપયોગના કારણે ચહેરાના પોર્સ બંધ થઈ જાય છે, જેના કારણે સ્કિન ડ્રાય થવા લાગે છે અને સમય પહેલાં કરચલીઓની સમસ્યા સતાવવા લાગે છે. ત્વચાનો ભેજ જાળવી રાખવા માટે છિદ્રો ખુલ્લાં હોવાં ખૂબ જ જરૂરી છે. તો આ માટે એક ચમચી ફટકડીના પાઉડરમાં ઓલિવ ઓઈલ મિક્સ કરીને ચહેરા પર હળવા હાથે મસાજ કરો. ચહેરાના બંધ પોર્સ થોડા દિવસોમાં આપોઆપ ખૂલી જશે.
- ઉનાળામાં પરસેવાના કારણે તમારા શરીરમાંથી દુર્ગંધ આવતી હોય તો તેના માટે પણ ફટકડી એક શ્રેષ્ઠ ઉપાય છે. આ માટે તમારે એક ડોલ પાણીમાં બે ચમચી ફટકડીનો પાઉડર મિક્સ કરીને તે પાણીથી સ્નાન કરવું. જો તમે અઠવાડિયામાં એક કે બે વાર ફટકડીના પાણીથી સ્નાન કરશો તો તમારા શરીરમાંથી આવતી દુર્ગંધ દૂર થઈ જશે.
- ફટકડીના પાણીથી વાળ ધોવાથી મૂળમાંથી ગંદકી અને મેલ સરળતાથી દૂર થાય છે. તેથી ગંદા વાળ ધોવા માટે, ફટકડીને પાણીમાં મૂકી દો અને પછી આ પાણીથી વાળ ધોઈ લો.
આ સાવધાની રાખો
- ફટકડીનો ઉપયોગ મર્યાદિત માત્રામાં જ કરો. નહીંતર ચહેરા પર ફોલ્લીઓનું જોખમ થઈ શકે છે.
- ફટકડી સૂંઘવાથી ગળામાં દુખાવો અને બળતરા થઈ શકે છે.
- સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ ફટકડીનો ઉપયોગ ન કરવો જોઈએ.