ગીર સોમનાથ જિલ્લામાં આજે વન્યજીવનનો એક અદભુત અને રોમાંચક નજારો જોવા મળ્યો હતો. ઊના હાઇવે પર એકસાથે 10 સિંહના મોટા પરિવારે રોડ પર લટાર મારી હતી, જેના કારણે હાઇવે બ્લોક થઈ ગયો હતો. આ દ્રશ્યએ વાહન ચાલકોમાં ગભરાટની જગ્યાએ કુતૂહલ અને આનંદ ફેલાવ્યો હતો.
વાહન વ્યવહાર થંભ્યો
એકસાથે આટલા મોટા સિંહ પરિવારને રોડ પર ફરતા જોઈને તમામ વાહનોના પૈડા થંભી ગયા હતા. વાહન ચાલકોએ પોતાનું વાહન રોડની કિનારે ઊભું રાખીને સિંહ પરિવારને શાંતિથી રોડ ક્રોસ કરવા દીધો હતો. ગીરના જંગલોમાંથી નીકળીને આ સિંહ પરિવારે જાણે હાઇવે પર પોતાનું વર્ચસ્વ દર્શાવ્યું હતું. એકસાથે 10 સિંહની રોડ પરની એન્ટ્રી ગુજરાતમાં એશિયાટિક સિંહોની વધતી વસ્તી અને તેમના સફળ સંરક્ષણનો સ્પષ્ટ સંકેત આપે છે. વન વિભાગને જાણ થતા સિંહ પરિવારને તેમના કુદરતી રહેઠાણ તરફ વાળવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા.


