- અમદાવાદ મનપાની ટીમોની કાર્યવાહી
- હાઈકોર્ટની ફટકાર બાદ મનપાની લાલઆંખ
- રસ્તે રખડતા ઢોર પૂરવા મનપાની ટીમો કામે લાગી
રખડતા ઢોરના પ્રશ્નોના મુદ્દે ગુજરાત હાઈકોર્ટની આકરી ફટકાર ખાધા પછી જાણે કે અમદાવાદ મનપા જાણે કે રાતોરાત ફુલ એક્શનમાં આવી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. આજે એક જ દિવસમાં એ થયું છે જે છેલ્લા કેટલાય દિવસોથી નહોતું થઈ રહ્યું. આજે એક જ દિવસની અંદર મનપાની ટીમોએ કુલ 217 જેટલા ઢોરને ડબ્બે પૂર્યા છે.
ગુજરાત હાઈકોર્ટની એક આકરી ફટકાર પછી અમદાવાદ મનપાએ હવે રખડતા ઢોર અને તેમના ઢોર માલિકોની વિરુદ્ધમાં પોતાની કાર્યવાહી તેજ કરી દીધી છે. આજે એક જ દિવસની અંદર શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 217 ઢોરને પાંજરે પૂરવામાં આવ્યા હતા. માહિતી પ્રમાણે દક્ષિણ પૂર્વ ઝોનમાંથી સૌથી વધુ ઢોરને પકડવામાં આવ્યા છે. દક્ષિણમાંથી કુલ 50, પૂર્વમાંથી 55 ઢોર ડબ્બે પૂરાયા છે. આ સિવાય મનપાની ટીમોએ કુલ 27,870 કિલો ઘાસચારો પણ કબજે કર્યો છે.
મનપાની આ આકરી કાર્યવાહીથી અમુક જગ્યાએ ઢોરમાલિકોમાં રોષનો માહોલ પણ દેખાઈ રહ્યો છે. અમુક જગ્યાએ CNCDની ટીમને ધમકીઓ પણ મળવાની ઘટનાઓ સામે આવી છે તો અમુક વિસ્તારોમાં મનપાની ટીમોને ઢોર લઈ જતાં અટકાવાયા હતા. જો કે આ બધી અડચણો છતાં અમદાવાદ મનપાની ટીમો હવે ફુલફોર્સમાં દેખાઈ રહી છે અને શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ઢોર પકડવાની કામગીરી થઈ રહી છે.
આવી જ રીતે અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં પણ મનપાની ઢોર પકડ પાર્ટી ટીમોની કાર્યવાહી ચાલુ રહી હતી. મોટી સંખ્યામાં રખડતા ઢોરોને ડબ્બે પૂરવામાં આવ્યા હતા. ખાસ કરીને 10-15 જેટલા ઢોર આજે પાંજરે પૂરાયા હતા. આ મામલે પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી હતી. વહેલી સવારથી ચાલેલી આ કાર્યવાહીના લીધે રાહદારીઓને પણ હવે ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળતા રાહત દેખાઈ રહી છે.