- અમદાવાદ મનપાની મોટી કાર્યવાહી
- પ્લાસ્ટિકના ઉપયોગના પગલે 6 એકમો સીલ
- લાંભા અને વટવા વિસ્તારમાં મનપાની કાર્યવાહી
અમદાવાદમાં પ્લાસ્ટિકના વધતા જતા ઉપયોગના પગલે મનપા તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. લાંભા અને વટવામાં કુલ 6 એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે.
મહત્વનું છે કે દેશમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ છે ઉપરાંત અમદાવાદ મનપા દ્વારા પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર બેન લગાવાયો છે. આવા પ્લાસ્ટિકના ઉપયોગના પગલે પર્યાવરણનું પ્રદૂષણ થાય છે અને ઘણાં પર્યાવરણીય પ્રદૂષણો વધે છે. જેને લઈને અમદાવાદ મનપા દ્વારા આવા પ્રકારના પ્લાસ્ટિકના ઉપયોગ પર બેન જાહેર કરાયો છે. તેમ છતાં અમુક એકમો દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરીને આ આદેશોનો ભંગ કરાય છે. જેને લઈને આજે મનપા દ્વારા આ એકમોની વિરૂદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર આ કાર્યવાહી લાંભા અને વટવા વિસ્તારોમાં કરવામાં આવી છે. જેમાં વટવા અને લાંભાની અંદર 5 અને 1 એમ કુલ 6 એકમોની વિરુદ્ધમાં આકરી કાર્યવાહી કરવામાં આવી છે. આ 6 એકમોને મનપા તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે આ મામલે મનપાની ખાસ સ્કવોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ મામલે વધુ જાણકારી અનુસાર મનપાએ 1 લાખથી વધુ રૂપિયાનો દંડ પણ વસૂલ્યો હોવાનું જાણવા મળ્યું છે. આમ પ્લાસ્ટિકના ઉપયોગના પગલે મનપાની ટીમો હવે સતર્ક બની છે. શહેરમાં પ્લાસ્ટિકના પ્રદૂષણને ડામવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે આવા પગલાઓ દ્વારા શહેરને પ્લાસ્ટિક ફ્રી બનાવવા માટેની મનપાની ઝુંબેશ આગળ કેટલી સફળ થાય છે તે તો આવનારો સમય જ કહી શકશે.