- 27મીથી કંટ્રોલરૂમ શરૂ કરાશે, શહેરમાં 403 સ્થળો પર સતત દેખરેખ
- પાણીના નિકાલ માટે અધિકારીને હાજર રહેવાના આદેશ પણ ભરાય ત્યારે કોઈ ફરકતું નથી
- વરસાદ માપવાના કુલ 27 અદ્યતન ઓટોમેટીક રેઇન ગેજ મુકાયા
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આગામી ચોમસાને ધ્યાનમાં રાખી તા. 27મી મેથી કંટ્રોલરુમ શરૂ કરાયો છે. ચોમાસા દરમિયાન સ્માર્ટસિટીના 2236 કેમેરા, 130 જંકશન અને 18 અન્ડર પાસ મળી કુલ 2385 સીસીટીવી કેમેરાથી 24 કલાક સતત મોનટરીંગ કરાશે. કંટ્રોલરુમમાં કેમેરાને વધુ પાણી ભરાતા સ્થળોને ઓરેન્જ, મિડીયમ ભરાતા સ્થળોને યલો અને ઓછુ ભરાતા સ્થળોને બ્લ્યુ કલરમાં ડાયવર્ટ કરાયા છે. કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સૂન એકશન પ્લાન રજૂ કરીને પાણી ભરાવાની સ્થિતિમાં ત્વરિત કામગીરીના દાવા રજૂ કરાયા હતાં. પરંતુ હકિકતમાં જનપ્રતિનિધીઓની સાથે અધિકારીઓ પણ પ્રિમોન્સૂન એકશન પ્લાન કાગળ પર બતાવે છે, પણ પાણી ભરાવાના સ્થળો જાહેર કરતા નથી. રસ્તા પર અધિકારીઓ હાજર રહેવાનો દાવો કરાયો છે. પરંતુ પાણી ભરાય ત્યારે કોઇ ફરકતું નથી અને ફોન પણ ઉપાડતું નથી.
મ્યુનિ.કોર્પોરેશનના મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની ઉપસ્થિતીમાં ડેપ્ટુટી કમિસશનરે માહિતી આપતા કહ્યું કે, મુખ્ય કંટ્રોલરુમ ખાતેથી જુદા જુદા ઝોનના 24 કંટ્રોલરુમ અને અન્ડરપાસોને વાયરલેસ સિસ્ટમ અને ઇન્ટરનેટ માધ્યમથી ડિજિટલી કનેકટ કરાયા છે. વરસાદ માપવાના કુલ 27 અદ્યતન ઓટોમેટીક રેઇન ગેજ મુકાયા છે. વરસાદનું 24 કલાક મોનિટરીંગ રહેશે. ઝાડ પડવાના, રસ્તા બેસી જવા, રોડ સેટલમેન્ટ, ભયજનક મકાન, હોર્ડીંગ્સ પડી જવાના, વરસાદી પાણી ભરાઇ જવાની આવતી ફરિયાદોનો ત્વરિત નિકાલ કરાશે.


