- લઘુમતીનાં મકાનો અને પૂજાસ્થાનોને તોડવાની ઘટના વધી રહી છે : અહેવાલ
- અમેરિકી વિદેશ વિભાગના રિપોર્ટમાં લઘુમતી સમુદાય વિરુદ્ધ થતી હિંસાનો ઉલ્લેખ
- વોશિંગ્ટને પોતે પોતાના અહેવાલમાં ભારતની ટીકા કરી
અમેરિકી વિદેશ વિભાગે બુધવારે વર્ષ 2023 માટેનો ધાર્મિક સ્વતંત્રતા અહેવાલ જારી કર્યો છે. અહેવાલમાં ભારતમાં લઘુમતી સમુદાય થતી હિંસાનો ઉલ્લેખ છે. અમેરિકી વિદેશ વિભાગે અહેવાલ જારી કરતાં કહ્યું છે કે ભારતમાં લઘુમતી વિરુદ્ધ નફરત ફેલાવતી ભાષાનો ઉપયોગ વધી રહ્યો છે.
લઘુમતીના મકાનો અને પૂજાસ્થાનોને તોડવાની ઘટના વધી રહી છે. પોતાના નજીકના સહયોગી દેશની ટીકા કરતાં અમેરિકાએ કહ્યું કે ભારતમાં લઘુમતી પ્રતિ પૂર્વગ્રહ વધી રહ્યો છે. ધાર્મિક સ્વતંત્રતા પર નજર રાખી રહેલા અમેરિકાના અનેક સંગઠન વીતેલા ઘણા વર્ષોથી સતત ભારતને આ યાદીમાં સામેલ કરવાની માગણી કરી રહ્યા છે. પરંતુ અમેરિકી વહીવટી તંત્ર આ માગણી ટાળતું રહ્યું છે. હવે વોશિંગ્ટને પોતે પોતાના અહેવાલમાં ભારતની ટીકા કરી છે. અહેવાલમાં લઘુમતી સમુદાયને નિશાન પર લેવામાં આવ્યો હોય તેવી સંખ્યાબંધ ઘટનાનો ઉલ્લેખ પણ છે. રેલવેના એક અધિકારીએ મુંબઇ નજીક ટ્રેનમાં ત્રણ નિર્દોષ મુસ્લિમ પ્રવાસીની ગોળી મારીને હત્યા કરી તે ઘટનાનો પણ અહેવાલમાં ઉલ્લેખ છે. આ કેસમાં હજી તપાસ ચાલી રહી છે. અહેવાલમાં મુસ્લિમ વિરોધી ભાષણો, મુસ્લિમ બહુમતી ધરાવતા કાશ્મીરને વિશેષ દરજ્જાની સમાપ્તિ, નવો નાગરિકતા કાયદો, ગેરકાયદે નિર્માણ દૂર કરવાને નામે મુસલમાનોની સંપત્તિ તોડી પાડવાની ઘટનાઓનો પણ ઉલ્લેખ છે.
શું કહ્યું અમેરિકી વિદેશ પ્રધાને ?
અમેરિકી અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વરિષ્ઠ અમેરિકી અધિકારીઓ ગયા વર્ષે પોતાના ભારતીય સમકક્ષો સમક્ષ ધાર્મિક સંવતંત્રતાને મુદ્દે ચિંતા જાહેર કરતા રહ્યા છે. વાર્ષિક અહેવાલ જારી કરતાં અમેરિકી વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કને કહ્યું કે,’ ભારતમાં અમે ધર્માંતરણ વિરોધી કાયદા, લઘુમતી વિરુદ્ધ નફરત ફેલાવતા ભાષણો, લઘુમતી ધાર્મિક સમુદાયના પૂજા સ્થાન અને ઘર તોડી પાડવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે.’ માનવ અધિકાર નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પક્ષ ભાજપના શાસનમાં લઘુમતી પરના હુમલાની સંખ્યામાં વધારો થયો છે.


