વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાની આર્મી ચીફ આસિફ મુનીર વચ્ચે થયેલી મુલાકાત પછી એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાને જાણે કોઈ મોટો જેકપોટ જ મારી દીધો હોય. આર્થિક રીતે ખૂબ જ નબળા પડેલા અને ગરીબીની કલ્પિત સીમા સુધી પહોંચેલા પાકિસ્તાનને ફરી એકવાર જીવનદાન મળ્યું છે, કારણ કે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એટલે કે IMFએ તેને આશરે US$1.2 બિલિયન (લગભગ ₹10,782 કરોડ) ની લોન મંજૂર કરી છે.
ભારતે વારંવાર આપી ચેતવણી
ભારત સતત વિશ્વને ચેતવણી આપતું આવ્યું છે કે પાકિસ્તાનને જતું નાણું ઘણીવાર આતંકવાદને મદદરૂપ થતું રહ્યું છે, છતાંય આ વખતે IMFએ લીલીઝંડી આપી દીધી. રાજદ્વારી નિષ્ણાતોનું માનવું છે કે આ આખી પ્રક્રિયા પાછળ ટ્રમ્પ સરકારનો પાકિસ્તાન પ્રત્યેનો નરમ વલણ અને ‘સોફ્ટ કોર્નર’ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.
થોડા સમય માટે રાહત
આસિફ મુનીર અને ટ્રમ્પ વચ્ચે થયેલી બેઠક બાદ લાગ્યું કે અમેરિકા પાકિસ્તાનને લોન મેળવવામાં ખાસ મદદ કરી રહ્યું છે. IMF સામાન્ય રીતે કડક માપદંડો બાદ જ લોન આપે છે,પણ દુનિયાને ખબર છે કે IMFના ઘણાં નિર્ણયો પર અમેરિકાનો મોટો પ્રભાવ રહે છે. ભારતની ચિંતા છતાં પાકિસ્તાનને મળેલી આ લોનથી તેને થોડા મહિના માટે તો આર્થિક રાહત મળવાની છે. પરંતુ આ આખી વાર્તાનો બીજો ચોંકાવનારો પાસો એ છે કે જે દેશ પોતે દેવામાં ડૂબેલો છે, તે જ બીજાં દેશોને લોન આપવાની પાછળ એટલો દબદબો જમાવી રહ્યું છે.
અમેરિકા પોતે જ દેવાના બોજ નીચે
અમેરિકા પોતે ભારે દેવાના બોજ નીચે છે. ટ્રમ્પે ચૂંટણી દરમિયાન અમેરિકા “ફરી મહાન બનાવવાનું” વચન આપ્યું હતું,પણ હકીકત એ છે કે દેશનું કુલ દેવું હવે ઐતિહાસિક સ્તરે એટલે કે $105.2 ટ્રિલિયન સુધી પહોંચી ગયું છે, જે તેના GDPના ત્રણથી સાડા ત્રણ ગણાં જેટલું છે. આ દેવું ફક્ત સરકારનું જ નહીં, સામાન્ય નાગરિકો પણ તેના ભારે બોજ હેઠળ છે. ફેડરલ સરકારનું દેવું $38.2 ટ્રિલિયન છે, જ્યારે લોકોના વ્યક્તિગત લોન, મોર્ટગેજ અને વિદ્યાર્થી લોન મળીને કરોડો લોકોને દેવામાં ધકેલી રહ્યાં છે. 1995માં અમેરિકાનું દેવું માત્ર $4.9 ટ્રિલિયન હતું, 2015માં તે $18.1 ટ્રિલિયન થયું, અને આજે તે 38 ટ્રિલિયનને વટાવી ચૂક્યું છે. જો આવી જ ગતિ ચાલતી રહેશે તો 2028 સુધી આ આંકડો $50 ટ્રિલિયનથી પાર થવાનો અંદાજ છે.
વ્યાજચુકવણી પર જ $3 બિલિયન જેટલો ખર્ચ
અમેરિકા આજની તારીખે દરરોજ માત્ર દેવાના વ્યાજચુકવણી પર જ $3 બિલિયન જેટલો ખર્ચ કરી રહ્યું છે, જે કોઈપણ દેશની આર્થિક નીતિઓ માટે ભયંકર ચેતવણી સમાન છે. વિકાસ, અવસર, કલ્યાણયોજનાઓ પર ખર્ચ કરતાં વધારે રકમ ફક્ત વ્યાજ ચૂકવવામાં વપરાઈ રહી છે. ટ્રમ્પ સરકાર કેટલાંય આર્થિક દાવા કરે, પરંતુ હકીકત એ છે કે અમેરિકા ઉપર દેવાની એક વિશાળ જાળ છવાઈ ચૂકી છે. જો ટૂંક સમયમાં મોટા અને મજબૂત આર્થિક સુધારા નહીં થાય, તો ભવિષ્યમાં સરકાર પાસે વિકાસપ્રવૃત્તિઓ માટે કોઈ ફાળવણી જ બચી નહીં રહે અને દેશની આવકનો મોટો ભાગ ફક્ત દેવા ચૂકવવામાં જ વપરાતો રહેશે.


