ચીન પાસેથી તેના બાળકોમાં દેખાયેલી રહસ્યમય ન્યૂમોનિયાની બીમારીની વધારે જાણકારી માગી છે, જે સમયસર ના મળે તો ચીનમાં પ્રવાસ પર કોરોનાની જેમ પ્રતિબંધ મૂકવાની માગણી અમેરિકાના સેનેટરોએ કરી
ચીનની હોસ્પિટલોમાં અનેક બાળકોને દાખલ કરવા પડ્યા છે, કેમ કે આ શિયાળે તેમને શરદી, સળેખમ અને ન્યૂમોનિયા થયા તેમાં સ્થિતિ વકરી છે. સામાન્ય રીતે શિયાળામાં આવી વ્યાધી આવે, પણ ઘરે સારવારથી સારું થઈ જાય. આ વખતે ઘણા બધા બાળકોને હોસ્પિટલ દાખલ કરવા પડ્યા છે અને તેના કારણે દુનિયાભરમાં ચિંતા ફેલાઈ છે. વધારે ચિંતા એટલા માટે છે કે ચીને હંમેશની જેમ માહિતી આપવામાં કંજૂસાઈ કરી છે. સામ્યવાદી અને આપખુદ ચીનમાંથી સાચી માહિતી મેળવવી મુશ્કેલ હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ રહસ્યમય લાગી રહેલી ન્યૂમોનિયાની બીમારીની સંપૂર્ણ માહિતી માગી છે, પણ તે ક્યારે મળે અને કેટલી ભરોસાપાત્ર તે સમજવામાં સમય લાગશે.
તે દરમિયાન તાકિદના પગલાં તરીકે ચીન પર ટ્રાવેલ બેન મૂકવાની માગણી અમેરિકાના સેનેટરોએ કરી છે. ચીન માહિતી આપે અને તેને સમજીએ ત્યાં સુધીમાં કોઈ નવો રહસ્યમય વાઇરલ મ્યૂટેટ થયેલો હશે તો તે ફેલાઈ ગયો હશે એવી ચિંતા સેનેટમાં વ્યક્ત થઈ છે. હવે માહિતી મળે તેની રાહ જોવાની જરૂર નથી અને ચીનમાં બાળકોને થઈ રહેલી ન્યૂમોનિયાની બીમારી સમજી લેવામાં ના આવે ત્યાં સુધી ચીન આવનજાવન પર, ચીનમાં પ્રવાસ પર અને ચીનથી આવનારા પ્રવાસીઓને અટકાવવા માટેની માગણી સેનેટર્સે કરી છે.
જોકે અમેરિકાનું વહિવટીતંત્ર એવું પગલું લેશે કે કેમ તે સ્પષ્ટ નથી. લોકડાઉન લગાવવાની બાબતમાં પણ અમેરિકાએ બહુ સાવધાની રાખી હતી. યુરોપમાં અને ભારતમાં આડેધડ, આયોજન વિનાના, સમજ્યા વિના પ્રજાને હેરાનહેરાન કરી નાખનારા લોકડાઉને અર્થતંત્રને મોટો ફટકો માર્યો હતો. બીમારી કરતાંય ભારતમાં શ્રમિક વર્ગ, ગરીબ વર્ગ લોકડાઉનને કારણે અસહાય થઈ ગયો હતો અને તેની સાથે અમાનવીય વર્તાવ થયો હતો. એક દિકરીએ પિતાના સાયકલ પર બેસાડીને આંધ્ર પ્રદેશથી બિહાર સુધીની 1500 કિમી ભાર વેંઢારવો પડે તેની નિર્દયતા દાખવવામાં આવી હતી.
લોકડાઉન પછીય ચેપ એટલો જ ફેલાયો હતો. બલ્કે બધાને ચેપ લાગ્યો જ હતો. અમેરિકાએ કર્યું તે પ્રમાણે તાકિદ રસી શોધવામાં, ઝડપથી રસી આપવામાં કરવાની હોય. તેના બદલે લોકોને ઘરમાં પૂરી રાખવાની પાશવી વૃત્તિથી નુકસાવ જ વધારે થયું હતું. તેથી જ કદાચ અમેરિકા તેવી ભૂલ ફરી કરવા માગતું નથી, કેમ કે એક વાર ચીન પર ટ્રાવેલ બેનની જાહેરાત થાય તે સાથે જ નાણાં બજારમાં કડાકો બોલે. આ પ્રકારની માહિતી માટે બજાર વધારે સેન્સિટિવ હોય છે. બીજું કે બાળકોને હોસ્પિટલ દાખલ કરવા પૂરતી હેરાનગતિ થઈ રહી છે, મરણાંક એવો દેખાયો નથી ત્યારે અમેરિકા ટ્રાવેલ બેન સુધી જશે કે કેમ તે સ્પષ્ટ નથી.
ભારતે આ વખતે વધારે કાળજી રાખવાની છે. આરોગ્ય તંત્રે અત્યારથી જ સાવધાની લીધી છે તે સારી વાત છે. ગુજરાત સહિતના છ રાજ્યોએ પોતાના આરોગ્ય તંત્રને પણ સજ્જ કર્યું છે ત્યારે બાકીના રાજ્યોએ પણ આરોગ્ય તંત્રને જાગતું કરી દેવાની એક્સરસાઇઝ કરી લેવાની જરૂર છે. પાંચ રાજ્યોના પરિણામો રવિવારે આવશે પછી ત્યાં સરકારની રચનામાં અઠવાડિયું વીતિ જશે.
અમેરિકાને સેનેટરોએ કહ્યું છે તે પ્રમાણે વિશ્વ આરોગ્ય સંસ્થા વાતો કરે છે એટલું કામ કરતી નથી. કોરોના વખતે ચીન પાસેથી સમયસર માહિતી કઢાવીને દુનિયાને આપી શક્યું નહોતું. અત્યારે પણ હજી ડબ્લ્યૂએચઓ પત્રવ્યવહાર કરવામાં જ વ્યસ્ત છે. ભારતે પણ વિશ્વ આરોગ્ય સંસ્થા કે સંયુક્ત રાષ્ટ્રસંઘ કે અમેરિકા શું કરે છે તેની રાહ જોવા વિના પોતાની પરિસ્થિતિ પ્રમાણે એક આયોજન વિચારી લેવું જોઈએ. જરૂર પડે તો શિયાળામાં આ વખતે વધારાનું વેકેશન જાહેર કરીને પણ બાળકોમાં ન્યૂમોનિયા દેખાય તો પણ ઓછો દેખાય અને શાંતિથી સારવાર થઈ શકે તેવી હૈયાધારણ વાલીઓને આપવી જોઈએ.