- અમદાવાદનો યુવાન ઢળી પડ્યો
- ગરબા રમતા રમતા કાળ ભરખી ગયો
- વટવાના યુવાનનું થયું મોત
હાલના દિવસોમાં ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. ખેલૈયાઓ મન મૂકીને સંગીતના તાલે ઝૂમીને આ તહેવારને માણી રહ્યા છે. પરંતુ ઘણીવાર અચાનક જ આ તહેવારનો માહોલ શોકમય બની જતો હોય છે. કેમ કે છાનાપગલે ક્યાંકથી મોત અચાનક આવીને જિંદગીને સમાપ્ત કરી દે છે. આવો જ કિસ્સો અમદાવાદના એક યુવાન સાથે બન્યો છે.
અમદાવાદના વટવાનો રવિ પંચાલ નામનો યુવાન ગરબા રમતા રમતા અચાનક ઢળી પડ્યો અને આ યુવાનનું મોત થયું હતું. પ્રાથમિક તારણ મુજબ આ યુવાનના મોત પાછળનું કારણ હાર્ટએટેક હોવાનું માનવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે હાલના દિવસોમાં ગુજરાતમાં આવા ઘણાં કિસ્સાઓ સામે આવ્યા છે. હજુ થોડા દિવસો પહેલા જ સુરત અને નવસારીમાં પણ આવા જ પ્રકારની ઘટના બની હતી જ્યાં યુવાનો ગરબા રમતા રમતા હાર્ટએટેક આવતા મોતને ભેટ્યા હતા.
28 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત
સુરતમાં ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવતા 28 વર્ષના રાજ મોદી નામના યુવકનું મૃત્યુ નિપજ્યું હતું. એકના એક પુત્રના અકાળે અવસાથી પરિવારમાં માતમ છવાયો હતો. મૃતકના મૃતદેહને PM અર્થે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ગયા અઠવાડિયે પણ જૂનાગઢ, જામનગર અને સુરતમાં ગરબા રમતાં-રમતાં યુવકના મોત થયાની ઘટના સામે આવી ચૂકી છે. મળતી માહિતી અનુસાર, સુરતનો 28 વર્ષીય રાજ ધર્મેશભાઈ મોદી નામનો યુવક એલપી સવાણી ખાતે આવેલા કોમ્યુનિટી હોલ ખાતે ગરબા રમવા માટે ગયો હતો. જ્યાં ગરબા રમ્યા બાદ તે એકાએક ઢળી પડ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.
મહેસાણામાં જ એક હોમગાર્ડ જવાનનું એટેક આવતા મૃત્યુ
છેલ્લા કેટલાક સમયથી હાર્ટ અટેકની જે ઘટનાઓ સામે આવે છે તે ચિંતાજનક છે. પહેલા હાઇ કોલેસ્ટ્રોલ, સ્થૂળતા અને વધારે વજનના કારણે લોકોને હાર્ટ એટેક હાર્ટ એટેક આવ્યાની વાત સામે આવતી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના બાળકો અને યુવાનોને પણ હાર્ટ એટેક આવે અને તેનું મોત થઈ જાય તેવી ઘટનાઓમાં વધારો થવા લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે મહેસાણામાં જ એક હોમગાર્ડ જવાનનું એટેક આવતા મૃત્યુ થયું તે જવાન મોઢેરા પોલીસ મથકમાં ફરજ બજાવતો હતો.
1 થી 4 ઓકટોબર સુધીમાં હાર્ટ એટેકના 63 બનાવો સામે આવ્યા
તાજા રિપોર્ટ પ્રમાણે, રાજકોટમાં ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં એટલે કે 1 થી 4 ઓકટોબર સુધીમાં હાર્ટ એટેકના 63 બનાવો સામે આવ્યા છે, જે ચિંતાનો વિષય બન્યો છે. ચાલુ વર્ષમાં સૌથી વધુ હાર્ટ એટેકના કેસો સપ્ટેમ્બર માસમાં 451 જેટલા નોંધાયા હતા, અને સૌથી ઓછા કેસો જૂન માસમાં 324 હાર્ટ એટેક કેસો નોંધાયા હતા. હાર્ટ એટેકના કેસોની વાર્ષિક વાત કરીએ તો વર્ષ 2021માં 2087 કેસો, 2022માં 3458 કેસો નોંધાયા હતા, જ્યારે ચાલુ વર્ષે 4 ઓકટોબર સુધીમાં 3512 નોંધાયા નોંધાઇ ચૂક્યા છે. ચાલુ વર્ષે આ આંકડો 4500ને પાર પહોંચે તેવી પુરેપુરી શક્યતા છે.
નવરાત્રી દરમિયાન આ બાબતોનું રાખો ધ્યાન
સતત 3-4 કલાક ગરબા રમવા છે તો પહેલા હેલ્થ ચેકઅપ કરાવો. બ્લડપ્રેશર, સુગર, ડાયાબિટીસ મપાવી લેવું. તેમજ ઘરનો સ્વચ્છ ખોરાક લેવો. સતત જંકફૂટ-પેકેટેડ ફૂડ ન ખાવું અને નવરાત્રિના તહેવારમાં ઉજાગરા કરવાનું ટાળો. પૂરતી ઉંઘ ન થાય તો પણ ધબકારા અને પ્રેશર વધે છે. તમાકુ, સિગારેટ, આલ્કોહોલ જેવા માદક દ્રવ્યોથી દૂર રહો. જે દિવસે માંદગી હોય તે દિવસે ગરબા રમવાનું ટાળો.
ગરબા રમતી વખતે શું ધ્યાન રાખશો?
ગરબા રમવાના દોઢ કલાક પહેલા ભોજન લો. ગરબા રમતા સમયે ચક્કર આવે તો તરત જ એકબાજુ બેસી જાઓ. ચક્કર આવે કે ગભરામણ થાય તો તરત જ ઉંડા શ્વાસ લો. આસપાસ જે વ્યક્તિ હોય તેને તમારી તકલીફ જણાવો. ગરબા દરમિયાન ચક્કર આવે કે ગભરામણ થાય તો કાર્ડિયાક અરેસ્ટ હોય શકે છે. ગરબા રમ્યા બાદ ફળ કે ડ્રાયફ્રૂટ લઈ શકો છો.
હૃદયને તણાવમુક્ત કેમ રાખવું?
- ખાનપાનની આદત બદલવી
- લીલા શાકભાજી, ફળ, ડ્રાયફ્રૂટ્સ વધારે ખાવા
- જંકફૂડ, એસિડિક ફૂડ ઓછું ખાવુ
- શારીરિક શ્રમ કરવો જેથી હૃદય અને મગજ બંનેને ફાયદો થાય
- પ્રકૃતિ મુજબ બાયોલોજિકલ ક્લોક રહે તો આરોગ્ય સારુ રહે
- મનને પણ શાંત બનાવવું
- ધ્યાન ધરવું, વાંચન કરવું, મનને એકાગ્ર કરવું