- રાજકોટમાં હાર્ટ ડિસીઝનો વધારો
- હાર્ટ એટેકના મામલાઓમાં પણ વધારો
- કોરોના બાદ હૃદયરોગની શક્યતા વધી
કોરોના બાદ હાર્ટએટેકના કિસ્સાઓનો જાણે કે રાજ્યમાં રાફડો ફાટ્યો છે. બીજી બાજુ આંકડાકીય માહિતી પર નજર નાખીએ તો રાજકોટની સિવિલ હોસ્પિટલના ચોપડે હદય સંબંધિત બીમારીઓમાં પણ મોટો વધારો નોંધાઇ રહ્યો છે અને આ આંકડો ત્રણ વર્ષમાં 6 હજારને પાર થઈ ગયો છે.
છેલ્લા 10 માસમાં 2646 દર્દીઓએ લીધી સારવાર
છેલ્લા 3 વર્ષમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હ્રદયરોગના દર્દીઓની સંખ્યા વધી છે. વર્ષ 2021માં 1879 દર્દીઓ, વર્ષ 2022માં 2426 દર્દીઓ અને વર્ષ 2023ના 10 મહિનામાં જ 2646 દર્દીઓએ હ્રદયરોગ સંબંધિત બીમારીઓની સારવાર લીધી હતી. આવું હોસ્પિટલમાં સત્તાવાર રીતે આંકડાઓમાં સામે આવ્યું છે. કોરોનાકાળ બાદ સૌથી મોટી ઉપાધિ સમાન યુવાઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જેને લઈને ડોક્ટરો પણ ચિંતિત છે અને આ પાછળનું ચોક્કસ કારણ જાણવા રિસર્ચ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આજે ફરીથી હાર્ટ એટેકથી મોતના બનાવ સામે આવ્યા છે. જેમાંથી રાજકોટમાં યુવકનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે સુરતમાં કામદારનું હાર્ટ એટેકથી મોત થયું છે અને મહેસાણાના એક હોમગાર્ડ જવાનનું મોત થયું છે.
છેલ્લા કેટલાક સમયથી હાર્ટ અટેકની જે ઘટનાઓ સામે આવે છે તે ચિંતાજનક છે. પહેલા હાઇ કોલેસ્ટ્રોલ, સ્થૂળતા અને વધારે વજનના કારણે લોકોને હાર્ટ એટેક હાર્ટ એટેક આવ્યાની વાત સામે આવતી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના બાળકો અને યુવાનોને પણ હાર્ટ એટેક આવે અને તેનું મોત થઈ જાય તેવી ઘટનાઓમાં વધારો થવા લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે મહેસાણામાં જ એક હોમગાર્ડ જવાનનું હાલ એટેક આવતા મૃત્યુ થયું તે જવાન મોઢેરા પોલીસ મથકમાં ફરજ બજાવતો હતો.
ચાલુ વર્ષે આ કેસો 4500ને પાર થઇ જાય તો નવાઇ નહીં રહે
રાજ્યમાં હાર્ટ એટેકના કેસોમાં સતત અને ઝડપી વધારો નોંધાઇ રહ્યો છે, રાજકોટમાંથી સામે આવેલી વિગતો અનુસાર, તાજેતરમાં હ્રદય રોગના હુમલાના બનાવો 63ને પાર થઇ ગયો છે. આ આંકડો માત્ર ઓક્ટોબર મહિનાના પહેલા ચાર દિવસનો જ છે. ચાલુ વર્ષે આ કેસો 4500ને પાર થઇ જાય તો નવાઇ નહીં રહે.
1 થી 4 ઓકટોબર સુધીમાં હાર્ટ એટેકના 63 બનાવો સામે આવ્યા
તાજા રિપોર્ટ પ્રમાણે, રાજકોટમાં ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં એટલે કે 1 થી 4 ઓકટોબર સુધીમાં હાર્ટ એટેકના 63 બનાવો સામે આવ્યા છે, જે ચિંતાનો વિષય બન્યો છે. ચાલુ વર્ષમાં સૌથી વધુ હાર્ટ એટેકના કેસો સપ્ટેમ્બર માસમાં 451 જેટલા નોંધાયા હતા, અને સૌથી ઓછા કેસો જૂન માસમાં 324 હાર્ટ એટેક કેસો નોંધાયા હતા. હાર્ટ એટેકના કેસોની વાર્ષિક વાત કરીએ તો વર્ષ 2021માં 2087 કેસો, 2022માં 3458 કેસો નોંધાયા હતા, જ્યારે ચાલુ વર્ષે 4 ઓકટોબર સુધીમાં 3512 નોંધાયા નોંધાઇ ચૂક્યા છે. ચાલુ વર્ષે આ આંકડો 4500ને પાર પહોંચે તેવી પુરેપુરી શક્યતા છે.
રાજકોટમાં નવરાત્રી દરમિયાન ખાસ આ સેવા આપવામાં આવશે
નવરાત્રિમાં ગરબા દરમિયાન હાર્ટ અટેકના કેસ વધાવાની શક્યતાને લઇને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાત્રિના સમયે ખાસ હાર્ટ અટેક માટે વોર્ડ ઉભો કરાયો છે. નવરાત્રીના નવ દિવસ સિવિલ હોસ્પિટલમાં હાર્ટ એટેક માટે ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. રાજકોટમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે જેમને લઇ સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટે આ ખાસ નિર્ણય લીધો છે. નવરાત્રિમાં ગરબા દરમિયાન આ વોર્ડમાં રાત્રે ડોક્ટર્સની ટીમ હાજર રહેશે. દવા ,ઇજેકશન સહિતની તમામ સારવાર મળી રહે તેવી વોર્ડમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હાર્ટ અટેકના વધતા જતાં કેસને લઇને રાજકોટમાં નવરાત્રી દરમિયાન ખાસ આ સેવા આપવામાં આવશે.