- દેશમાં પાછલા 10 વર્ષમાં નશાખોરોમાં વધારો
- શિક્ષણ કરતાં નશા પાછળ વધારે ખર્ચ
- આ બાબતની સ્પષ્ટતા એક સરકાર સરવેમાં થઇ છે
પાછલા 10 વર્ષમાં પાન, તમાકુ અને અન્ય નશીલા પદાર્થોના વપરાશમાં વધારો થયો છે અને લોકો પોતાની આવકનો મોટો હિસ્સો એવા ઉત્પાદનો પર ખર્ચ કરે છે. આ બાબતની સ્પષ્ટતા એક સરકાર સરવેમાં થઇ છે. પાછલા સપ્તાહે બહાર પાડવામાં આવેલા હાઉસહોલ્ડ કન્ઝયુમ્પશન એક્સપેન્ડિચર સરવે 2022-23થી જાણકારી મળે છે કે ગ્રામીણ અને શહેરી ક્ષેત્રોમાં કુલ ઘરેલું ખર્ચના એક હિસ્સાના રૂપમાં પાન, તમાકુ અને નશીલા પદાર્થો પરનો ખર્ચ વધી ગયો છે. આંકડાઓથી જાણકારી મળે છે કે ગ્રામીણ વિસ્તારોમાં આ આઈટમો પર ખર્ચ 2011-12ના 3.21 ટકાથી વધીને 2022-23માં 3.79 ટકા થઇ ગયો છે. આ પ્રકારે શહેરી વિસ્તારમાં આ આઈટમો પાછળનો ખર્ચ 2011-12માં 1.61 ટકા હતો તે વધીને 2022-23માં 2.43 ટકા થઇ ગયો હતો. આૃર્યની બાબત એ છે કે આ ગાળા દરમિયાન શહેરી ક્ષેત્રોમાં શિક્ષણ પાછળના ખર્ચની ટકાવારીમાં ઘટાડો થયો હતો.
શહેરી-ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ પરનો ખર્ચ
સરકારી સરવે અનુસાર શહેરી વિસ્તારોમાં 2011-12માં શિક્ષણ પાછળનો ખર્ચ કુલ આવકના 6.90 ટકા હતો તે 2022-23માં ઘટીને 5.78 ટકા થઇ ગયો છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ તેની ટકાવારી 3.49 ટકાથી ઘટીને 3.30 ટકા થઇ છે.
પેય પદાર્થો અને પ્રોસેસ ફૂડ પાછળનો ખર્ચ પણ વધ્યો
શહેરી ક્ષેત્રોમાં પેય પદાર્થો અને પ્રોસેસ ફૂડ પાછળનો ખર્ચ 2022-23માં વધીને 10.64 ટકા થઇ ગયો હતો. જ્યોર ગ્રામીણ ક્ષેત્રો માટેની આ ટકાવારી 9.62 હતી. શહેરી ક્ષેત્રોમાં ટ્રાન્સપોર્ટેશન 2022-23માં વધીને 8.59 ટકા થયો છે.
પાછલા એક દાયકામાં MPCE બમણાથી પણ વધુ થઇ ગઇ
પાછલા એક દાયકામાં માસિક માથાદીઠ ગ્રાહક ખર્ચ(MPCE)પણ બે ગણા કરતાં વધી ગઇ હતી. એમપીસીઇ એ આંકડો છે કે જેના મારફત કોઇ પરિવારમાં વ્યક્તિ દીઠ દર મહિને થનારા ખર્ચને માપવામાં આવે છે. જેને આધારે પરિવારની આર્થિક સ્થિતિનું અનુમાન લગાવી શકાય છે.


