- માતાને મારથી બચાવવા વચ્ચે પડેલી પુત્રીને પિતાએ ઢોર માર મારતા મોત નિપજ્યું
- જનેતા દીકરીને પિતાના મારથી બચાવવાના બદલે ભાગી નીકળી
- પત્ની દક્ષાબેન સાથે ઝઘડો થતા પત્નીને માર મારી રહયો હતો
લીંબડી તાલુકાના પરાલી ગામે પતિ-પત્નીના ઝઘડા સમયે પત્નીને મારથી બચાવવા માટે પુત્રી વચ્ચે પડતા સમયે પિતાએ પુત્રીને પણ બેરહેમીથી ઢોર માર મારતા ગંભીર ઇજા થતા પુત્રીના મોતના જવાબદાર પિતા સામે હત્યાનો પાણશીણા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે.
ચકચારી બનાવની વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર લીંબડી તાલુકાના પરાલી ગામે રહેતા ઉગા ચેહુભાઇ ઉગરેજા મજૂરી કામ કરતો હતો. કોઇ અગમ્ય કારણોસર એનો એની પત્ની દક્ષાબેન સાથે ઝઘડો થતા પત્નીને માર મારી રહયો હતો. માતાને મારતા જોઇ પંદર વર્ષીય દીકરી માતાને બચાવવા માટે વચ્ચે પડી હતી. પુત્રી વચ્ચે પડતા નિર્દોષ દીકરીને પણ પિતાએ આડેધડ ધોકા વડે માર મારતા પુત્રીના હાથ-પગ ભાંગી નાખી માથે પણ ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ગંભીર બાબતની પુત્રએ બાજુમાં રહેતા દાદાને જાણ કરતાની સાથે જ પરિવાર સાથે દોડી આવતા હત્યારો પિતા અને નિર્દયી માતા ત્યાંથી ભાગી છુટયા હતા. ઘરમાં 15 વર્ષીય દીકરી સંગીતા લોહી લુહાણ હાલતમાં ડચકા ખાતી પડેલી જોઇ તાત્કાલિક ગામના સરપંચને જાણ કરતા 108 બોલાવી હતી. જાણ થતાની સાથે જ 108ની ટીમે આવી તપાસ કરતા દીકરી મૃત જાહેર કરી હતી. ત્યારબાદ ત્યાંથી સંગીતાને લીંબડી સરકારી દવાખાને લઇ જતા ત્યાં હાજર ડોકટરે પણ મૃત જાહેર કરી હતી. આ ગંભીર ઘટનાની પાણશીણા પોલીસને જાણ કરતાની સાથે જ પોલીસે હત્યારા પિતા સામે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી આગળની તપાસ હાથ ધરી છે.
પિતાએ ધોકાથી મારીને હાથ-પગ ભાંગી નાખ્યા
પિતા પોતાની માતાને માર મારી રહ્યો હતો. એ જોઇ નહીં શકતા માતાને બચાવવા માટે 15 વર્ષીય દીકરી વચ્ચે પડતા નિર્દયી પિતાએ પુત્રીને પણ ના છોડી અને આડેધડ ધોકાના ફટકા મારી હાથ-પગ ભાંગી નાંખી માથામાં પણ ગંભીર ઇજા પહોંચાડી ત્યાંથી નાસી છુટયો હતો. પરંતુ જીવણમરણ સામે ઝોલા ખાતી પુત્રીને બચાવવા માટે કે હોસ્પિટલ લઇ જવા માટે માતાને દયા ના આવી.
દારૂડિયો પિતા અવારનવાર કંકાસ કરતો હતો
હત્યારા ઉગા ઉઘરેજા બધી રીતે પુરો હોવાનું દારૂ પીને અવારનવાર ઘરમાં ઝઘડા કરી પોતાની પત્નીને માર મારતો હોવાનું હત્યારાના કુંટુંબીજનોએ વધુમાં જણાવ્યુ હતુ.


