- આણંદના ઉમરેઠમાં રોગચાળાએ એકનો ભોગ લીધો
- મહિલાનું ઝાડા ઉલટીની સારવાર દરમિયાન મોત
- ઉમરેઠ વિસ્તારને હાલ કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે
આણંદના ઉમરેઠમાં રોગચાળા વકર્યો છે અને શહેરમાં રોગચાળાએ એક વ્યક્તિનો ભોગ લીધો છે. ઉમેરઠની 35 વર્ષીય મહિલાનું ઝાટા ઉલટી થતાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. ભગવાનવગા વિસ્તારમાં રહેતી મહિલાનું સારવાર દરમિયાન મોત થયુ છે.
35 વર્ષીય મહિલાનું ઝાડા ઉલટીની સારવાર દરમિયાન મોત
શહેરના ભગવાનવગા વિસ્તારમાં રહેતી 35 વર્ષીય મહિલાને ઝાડા ઉલ્ટી થયા હતા અને તે આણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી, તે દરમિયાન મહિલાનું મોત થયુ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ઉમરેઠ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે ઝાડા ઉલ્ટીના કારણે મહિલા મોતને ભેટી છે.
4 દિવસ પહેલા જ ઉમરેઠમાં કોલેરાના બે પોઝિટીવ કેસ નોંધાયા હતા
તમને જણાવી દઈએ કે 4 દિવસ પહેલા જ આણંદના ઉમેરઠને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યુ હતું, કારણ કે ઉમરેઠમાં કોલેરાના બે પોઝિટિવ કેસ મળી આવ્યા હતા અને આસપાસના 5 કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. ઉમરેઠ શહેરના ખાટકી વાડ, કાઝીવાડ સહિત 5 કિલોમીટરનો સમગ્ર વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો.
25થી વધુ ટીમો દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો
4 દિવસ પહેલા જ 2 કેસ સામે આવ્યા બાદ ઉમરેઠના મામલતદારની રોગ નિયંત્રણ અધિકારી તરીકે તાત્કાલિક નિમણુંક કરવામાં આવી હતી અને આરોગ્ય વિભાગ દ્વારા 25 કરતા વધુ ટીમો દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને જિલ્લા મેજિસ્ટ્રેટે ઉમરેઠને કોલેરાગ્રસ્ત જાહેર કરતું જાહેરનામું પણ બહાર પાડ્યુ હતું. ઉલ્લેખનીય છે કે ઝાડા, ઉલટીના કારણે શરીરમાં પાણીની કમી સર્જાય છે અને શરીરમાં અચાનક પ્રવાહી ઘટી જાય છે, ત્યારે જો યોગ્ય સારવાર ના મળે તો દર્દીનું મોત પણ થઈ શકે છે.