`અન્નપૂર્ણે સદા પૂર્ણે, શંકર પ્રાણવલ્લભે’ મા અન્નપૂર્ણાનું ઔદાર્ય ત્રણેય લોકમાં અનેરું, અનોખું અને અજોડ છે. વિશ્વનું ભરણપોષણ કરનાર, અન્ન-આહાર આપનારાં દેવી એટલે અન્નપૂર્ણા. તે વિશ્વનાં સર્વ જીવ-પ્રાણીમાત્રનું ભરણપોષણ કરનારી ભુવનેશ્વરી શક્તિ છે. દુનિયાને અન્ન-જળ આપી જિવાડનાર દેવી અન્નપૂર્ણા છે
પાર્વતીજી એ જ ઉમા, શિવા, શક્તિ, ભવાની, ભુવેનશ્વરી તથા અન્નપૂર્ણા કહેવાય છે. એ જ કીડીને કણ અને હાથીને હારો આપનારી પૂર્ણ પોષણ આપનારી દેવી છે. દેવી અન્નપૂર્ણાની આરાધના કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે અને ઘરમાં રિદ્ધિ-સિદ્ધિ આવે છે. દેવીની આ ઉપાસના કે વ્રતસ્તવન નિયમપૂર્વક અને નિષ્ઠાથી કરવામાં આવે તો જાતે ફળદાયી બને છે. જ્યારે જ્યારે દુષ્કાળ પડે છે ત્યારે ત્યારે અન્નપૂર્ણા દેવી વહારે આવે છે. સદાશિવ ભિક્ષા માગી જીવન વ્યતીત કરી રહ્યા હતા. તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાઈને ઉમાદેવી અન્નપૂર્ણા બન્યાં. તે સમયથી શિવજીએ ભિક્ષા માગવાનું બંધ કરી દીધું.
ભારતીય સંસ્કૃતિમાં વ્રત અને ઉપવાસનું અનેરું મહત્ત્વ છે. આ વ્રતોમાં એક અત્યંત લોકપ્રિય અને ફળદાયી વ્રત છે મા અન્નપૂર્ણાનું વ્રત. મા અન્નપૂર્ણા એ જગતનું ભરણપોષણ કરનારાં, સ્વયં જગતજનની પાર્વતીજીનું જ એક સ્વરૂપ છે. જેમનું નામ જ `અન્ન’ (અનાજ) અને `પૂર્ણા’ (સંપૂર્ણ)થી બન્યું છે, જેનો અર્થ થાય છે `અન્નની દેવી, જે સદૈવ ભંડાર ભરેલા રાખે છે’. આ વ્રત દ્વારા ભક્તો તેમના ઘરમાં ક્યારેય અન્ન, ધન કે સુખની કમી ન થાય તેવી પ્રાર્થના કરે છે. આ વ્રત ખાસ કરીને ગુજરાતમાં અને અન્ય વિસ્તારોમાં ખૂબ જ આસ્થાપૂર્વક કરવામાં આવે છે.
પૌરાણિક કથા
અન્નપૂર્ણા માતાની કથા ભગવાન શિવ અને માતા પાર્વતી સાથે જોડાયેલી છે.
એક સમય હતો જ્યારે ભગવાન શિવને સંસારની માયા અને ભૌતિક વસ્તુઓનું મહત્ત્વ સમજાવવા માટે માતા પાર્વતીએ એક લીલા રચી. તેમણે પૃથ્વી પરથી અન્નનો પ્રભાવ સમાપ્ત કરી દીધો, જેના કારણે ધરતી પર ભયંકર દુષ્કાળ પડ્યો. અન્નના અભાવે મનુષ્યોમાં હાહાકાર મચી ગયો અને દેવતાઓ પણ ચિંતામાં મુકાયા.
આ સંકટમાંથી મુક્ત થવા માટે બ્રહ્મા અને વિષ્ણુ સહિત દેવતાઓએ શિવજીને પ્રાર્થના કરી. શિવજી યોગનિદ્રામાંથી જાગીને આ સમસ્યાનું નિવારણ કરવા માટે તૈયાર થયા. તેમણે જાણ્યું કે અન્નનો અભાવ તો તેમની પત્ની પાર્વતીજીની લીલા છે.
ત્યારે માતા પાર્વતીએ મા અન્નપૂર્ણાનું સ્વરૂપ ધારણ કર્યું. તેઓ કાશી ક્ષેત્રમાં બિરાજમાન થયાં અને તેમના હાથમાં અન્નથી ભરેલું પાત્ર (વાટકો) અને કળછો ધારણ કર્યો. ભગવાન શિવ ભિક્ષુકનું સ્વરૂપ ધારણ કરીને માતા અન્નપૂર્ણા પાસે આવ્યા અને `ભિક્ષામ્ દેહિ’ કહીને અન્નની ભિક્ષા માંગી.
માતા અન્નપૂર્ણાએ પ્રેમથી શિવજીને અન્નનું દાન કર્યું અને શિવજી તે અન્ન પૃથ્વીના પીડિત મનુષ્યોમાં વહેંચીને દુષ્કાળનો અંત લાવ્યા. આ દિવસને અન્નપૂર્ણા જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કથા અન્નદાન અને અન્નના સન્માનનું મહત્ત્વ સમજાવે છે.
વ્રતનો સમય અને અવધિ
મા અન્નપૂર્ણાનું વ્રત દર વર્ષે ગુજરાતી પંચાંગ અનુસાર માગશર સુદ છઠ્ઠના દિવસથી શરૂ થાય છે અને માગશર વદ અગિયારસ અથવા બારસ સુધી ચાલે છે.
અવધિ : પરંપરાગત રીતે આ વ્રત સામાન્ય રીતે 21 દિવસ સુધી કરવામાં આવે છે. જો કોઈ સ્ત્રી 21 દિવસ સુધી આ વ્રત ન કરી શકે તો 11 દિવસ અથવા ઓછામાં ઓછું 1 દિવસ માટે પણ આ વ્રત કરી શકે છે.
વ્રતનો મહિમા અને મહત્ત્વ
મા અન્નપૂર્ણાની કૃપાથી સંસારમાં અન્નની ઉત્પત્તિ થાય છે અને જીવમાત્રનું પોષણ થાય છે. આ વ્રતનું મુખ્ય મહત્ત્વ નીચે મુજબ છે.
અખૂટ ધન-ધાન્ય : આ વ્રત કરનારના ઘરમાં ક્યારેય અન્નનો અભાવ થતો નથી. માતાની કૃપાથી અન્નના ભંડાર હંમેશાં ભરેલા રહે છે.
રિદ્ધિ-સિદ્ધિ અને સુખ-શાંતિ : આ વ્રત કરવાથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, રિદ્ધિ અને સિદ્ધિનો વાસ થાય છે.
અન્નનો આદર : આ વ્રત મનુષ્યને અન્નનું મહત્ત્વ સમજાવે છે અને અન્નના ખોટા અનાદરથી બચાવે છે, જેથી અન્ન પ્રત્યે આદરભાવ જાગૃત થાય છે.
મોક્ષની પ્રાપ્તિ : મા અન્નપૂર્ણાની આરાધનાથી ધન-ધાન્ય સાથે જ્ઞાન અને વૈરાગ્યની પણ પ્રાપ્તિ થાય છે, જે આખરે મોક્ષ તરફ દોરી જાય છે.
પશુ, પુત્ર અને યશની પ્રાપ્તિ : વ્રતના સંકલ્પમાં અન્ન, પશુ, પુત્ર, યશ અને સુખ-શાંતિની માંગણી કરવામાં આવે છે.
વ્રત દરમિયાનના નિયમો
ભોજન : વ્રત કરનારે 21 દિવસ સુધી એકટાણું (દિવસમાં એકવાર જ ભોજન લેવું) કરવું જોઈએ અથવા નકોરડો ઉપવાસ પણ કરી શકાય છે.
અન્નદાન : માતાજીને થાળ ધરાવ્યા પછી ભોજન લેતા પહેલાં ગાય અને શ્વાન માટે એક ભાગ અલગ કાઢવો જોઈએ. આ અન્નદાનનો મહિમા છે.
સ્વચ્છતા : અન્નપૂર્ણા એ અન્નનાં દેવી છે, તેથી આ 21 દિવસ દરમિયાન રસોઈઘર અને અનાજના સ્થાનની વિશેષ સ્વચ્છતા જાળવવી અનિવાર્ય છે.
વ્રતનું ઉથાપન અને સમાપન
વ્રતના અંતિમ દિવસે ધાર્મિક વિધિ મુજબ વ્રતનું ઉથાપન કરવું: માતાજીની પૂજા, આરતી, સ્તુતિ અને પ્રદક્ષિણા કરવી. વ્રત સમાપ્તિના શુભ અવસરે નાની બાળાઓ (3 કે 5)ને બોલાવી જમાડવી. બાળાઓને ભોજન કરાવ્યા પછી તેમને દક્ષિણા અને સૌભાગ્યની વસ્તુઓ (કંકુ, ચૂડી, બિંદી, બંગડી વગેરે) ભેટ સ્વરૂપે આપવી. વ્રત દરમિયાન ધારણ કરેલા દોરાને માતાજીની મૂર્તિ પાસે પૂજાસ્થાનમાં મૂકવો અથવા તેને જળમાં પધરાવવો. ઘણા ભક્તો તેને આગામી માગશર માસ સુધી પૂજાસ્થાનમાં રાખીને બીજા વર્ષે નવો દોરો ધારણ કરે છે.
વ્રતવિધાન
વ્રતધારીએ સૂતરના 21 તારનો દોરો 21 ગાંઠવાળો બનાવી પોતાના જમણા હાથે બાંધવો અથવા ગળામાં ધારણ કરવો. દોરો ગાંઠો વાળીને તૈયાર કરતી વખતે `શ્રી અન્નપૂર્ણાય નમઃ’ મંત્રનું સતત ઉચ્ચારણ કરતા રહેવું.
વ્રતીએ વ્રતના દિવસો દરમિયાન પ્રાતઃકાળે સ્નાન કરવું અને શક્ય હોય તો 21 ઉપવાસ કરવા. તે શક્ય ન હોય તો એકટાણાં કરવાં. ભોજનમાં લસણ, ડુંગળી વગેરે વર્જ્ય ગણવાં. મા અન્નપૂર્ણાની પ્રતિમા કે મૂર્તિ સામે દીવો, અગરબત્તી, ધૂપ વગેરે કરી તેમની પૂજા કરવી. પૂજા કર્યા પછી મા અન્નપૂર્ણાની વ્રત-કથા ધ્યાનપૂર્વક વાંચવી અથવા સાંભળવી. જો વ્રતભંગ થાય તો બીજા દિવસે નકોરડો ઉપવાસ કરવો. 21 સેરનો, 21 ગાંઠવાળો દોરો જમણા હાથના કાંડે કે ગળામાં ધારણ કર્યા પહેલાં લાલ ચંદન અથવા કંકુથી રંગીને માતાની મૂર્તિનો સ્પર્શ કરાવી ધારણ કરવો.
વ્રત પરિપૂર્ણ થયા પછી 21 તારનો દોરો જળમાં પધરાવી દેવો અથવા વર્ષ સુધી પૂજાના સ્થાનમાં સાચવી રાખવો અને બીજા વર્ષે જ્યારે નવો દોરો ધારણ કરો ત્યારે તે પવિત્ર નદી કે તળાવના જળમાં પધરાવી દેવો. સાથોસાથ ચોખા, ઘઉં વગેરેનું સ્થાપન, નાળિયેર, કપડું વગેરે પણ જળમાં પધરાવી દેવાં.
મા અન્નપૂર્ણાની સ્તુતિ
વંદુ દેવી અન્નપૂર્ણા
જગતજનની મા કૃપાળી,
લાવો ભક્ત પર દયા
ભગવતી દ્યોને દુ:ખ ટાળી.
ઈચ્છા પૂર્ણ કરો, ધરો
કર શિરે, મા હે દયાળી,
વાચે તુજને ભાવ ધરી જે
તેની કરો રખવાળી.
અન્નપૂર્ણા માતાજી `ચિંતાપૂર્ણિમા’ તરીકે પણ ઓળખાય છે. પાર્વતી જગદંબા એ જ અન્નપૂર્ણા છે. મહાશક્તિ સૌની જનની જગદંબા છે, જે ઘણાં સ્થાનોમાં અન્નપૂર્ણા માતાજી તરીકે પૂજાય છે. વ્રત દરમિયાન અન્નપૂર્ણાની વાર્તાનું વાંચન કે શ્રદ્ધાપૂર્વક શિવાલયમાં જઈ અન્નપૂર્ણા દેવીનાં ગુણગાન ગાવાં. `અન્નપૂર્ણે સદા પૂર્ણે, શંકર પ્રાણવલ્લભે’ આ પંક્તિ કંઠસ્થ અને હૃદયસ્ય કરી દરરોજ ભોજન પહેલાં કે પછી સવાર-સાંજ બોલવી, જેથી અન્નપૂર્ણા દેવી અન્નના ભંડાર ભર્યા રાખે છે. મા અન્નપૂર્ણાનું વ્રત માત્ર અન્ન અને ધનની પ્રાપ્તિ માટેનું વ્રત નથી, પરંતુ જીવનમાં સંતોષ, શાંતિ અને અન્નના આદરનો ભાવ જાગૃત કરવાનું પર્વ છે. પૂરી આસ્થા અને શ્રદ્ધાથી આ વ્રત કરનારને મા અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત થાય છે ને તેના જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની ઊણપ રહેતી નથી. – પ્રશાંત પટેલ
વ્રતની પૂજનવિધિ
અન્નપૂર્ણા વ્રતની વિધિ સરળ, પણ શ્રદ્ધાથી ભરેલી હોય છે.
પ્રથમ દિવસની તૈયારી અને સંકલ્પ(માગશર સુદ છઠ્ઠ) શુદ્ધિ : વ્રત કરનારે સવારે વહેલા ઊઠી, નિત્ય કર્મથી પરવારી, સ્નાન કરીને સ્વચ્છ લાલ રંગનાં વસ્ત્રો ધારણ કરવાં. રસોઈઘરની અને પૂજાસ્થાનની સ્વચ્છતા કરવી અને ગંગાજળથી શુદ્ધ કરવું.
દોરાનું નિર્માણ : સફેદ કે લાલ સૂતરના 21 તાર લઈ તેને એકસાથે વીંટી લેવા. પછી તે તારમાં મા અન્નપૂર્ણાનું નામ બોલતાં જઈને 21 ગાંઠો મારવી. આ દોરો વ્રતનું પ્રતીક ગણાય છે.
સ્થાપના : પૂજાસ્થાનના ખૂણામાં એક બાજોઠ મૂકી તેના પર લાલ વસ્ત્ર પાથરવું. તેના પર મા અન્નપૂર્ણાની પ્રતિમા અથવા ફોટો મૂકવો.
કળશ સ્થાપના : બાજોઠની મધ્યમાં ઘઉંની ઢગલી કરવી અને તેના પર તાંબાનો કે માટીનો કળશ સ્થાપિત કરવો. કળશ ઉપર પાંચ આસોપાલવનાં પાન ગોઠવી શ્રીફળ મૂકવું.
દોરાની પૂજા અને ધારણ : માતાજીને કંકુ-ચંદનનું તિલક કરવું, ફૂલહાર અર્પણ કરવો. ત્યારબાદ 21 ગાંઠોવાળા દોરાને કંકુ-ચોખાથી વધાવી, અગરબત્તી અને દીપક પ્રગટાવી પૂજન કરવું. પૂજા બાદ પુરુષે જમણા હાથના બાવડે અને સ્ત્રીએ ડાબા હાથના બાવડે અથવા ગળામાં આ દોરો ધારણ કરવો.
સંકલ્પ અને મંત્ર : વ્રતનો સંકલ્પ કરવો. માતાજીને 21 આખા ચોખાના દાણા અર્પણ કરવા અને નીચેના મંત્રનું ઉચ્ચારણ કરવું –
અન્નપૂર્ણે સદા પૂર્ણે, શંકર પ્રાણવલ્લભે।
જ્ઞાન-વૈરાગ્ય સિદ્ધયર્થ, ભિક્ષાં દેહિ ચ પાર્વતી॥
કથા શ્રવણ : પ્રથમ દિવસે મા અન્નપૂર્ણાની કથા ભક્તિભાવપૂર્વક સાંભળવી કે વાંચવી.
દૈનિક વિધિ : દરરોજ સવારે સ્નાન વગેરેથી પરવારીને માતાજીની મૂર્તિ/ફોટાની પૂજા કરવી. 21 દિવસ સુધી દરરોજ કથા સાંભળવી અથવા વાંચવી.
અન્નપૂર્ણાની વ્રતકથા
કાશીનગરીમાં ધનંજય નામે એક પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ સુલક્ષણા હતું. આ વિપ્ર દંપતી ગરીબ હતું છતાં સંતોષી હતું. બાહ્મણ ભિક્ષાવૃત્તિ કરીને આજીવિકા ચલાવતો હતો. મોટાભાગે દરરોજ પતિ-પત્નીને અડધાં ભૂખ્યાં જ રહેવું પડતું. આ દરિદ્ર દંપતીએ અડધી જિંદગી દુઃખમાં વ્યતીત કરી નાખી. સુલક્ષણામાં નામ પ્રમાણે ગુણ હતા. ધનંજયને મન સંતોષ એ જ સાચું ધન હતું. `સંતોષી નર સદા સુખી’ એ સૂત્ર આ દંપતીએ હૃદયકમળમાં કોતરી રાખ્યું હતું.
એક દિવસ સુલક્ષણાએ કહ્યું, `નાથ, મને લાગે છે કે દેવીની કૃપા વગર આપણું દરિદ્ર ટળશે નહીં, માટે તમે કોઈ પ્રકાંડ પંડિતની સલાહ લઈ જુઓ.’
એક દિવસ બ્રાહ્મણને માર્ગમાં એક સંન્યાસીનો ભેટો થઈ ગયો. બાહ્મણે પોતાનું દુઃખ કહી સંભળાવ્યું ત્યારે સંન્યાસીએ તેને કહ્યું, `બ્રાહ્મણ દેવતા, તમારે અન્નપૂર્ણા દેવીનું વ્રત કરવું જોઈએ. જો તમારી ભક્તિ સાચી હશે તો જરૂર રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થશે. અન્નપૂર્ણા એ આદ્યશક્તિનો અવતાર છે.’
માતા અન્નપૂર્ણાનું વ્રત માગશર સુદ છઠના દિવસથી શરૂ કરાય છે અને એકવીસમા દિવસે આ વ્રતની પૂર્ણાહુતિ કરાય છે. આ વ્રત કરનાર પુરુષ કે સ્ત્રી રિદ્ધિ-સિદ્ધિને પામી મા જગદંબાના લોકની પ્રાપ્તિ કરે છે.


