- વડોદરા પોલીસે બહાર પાડ્યું જાહેરનામું
- વિજય સરઘસ કાઢવા પર મૂકાયો પ્રતિબંધ
- કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્ત
ક્રિકેટની સૌથી મોટી રાઈવલરી એવી ભારત પાકિસ્તાનની મેચ અમદાવાદમાં રમાવા જઈ રહી છે, જેને લઈને વડોદરા પોલીસ CP દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વિજય સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ બાબતનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે રમાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપની મેચને લઈને વડોદરા પોલીસ કમિશનરે એક મોટો નિર્ણય લીધો છે. વડોદરા શહેર CP અનુપમસિંહ ગેહલોતે શહેરમાં વિજય સરઘસો કાઢવા પર બેન મૂક્યો છે. આ સાથે જ ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન વડોદરા શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલસીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાનો નિર્ણય પણ લેવાયોછે.
પેટ્રોલિંગ અને નાકાબંધી કરાશે
આ મેચને લઈ વડોદરા શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારોની પોલીસ દ્વારા ઓળખાણ કરવામાં આવી છે. આ વિસ્તારોમાં સઘન પોલીસ બંદોબસ્તની સાથે જ પેટ્રોલિંગ પણ વધારવામાં આવશે. શહેરના ચાર દરવાજા વિસ્તારમાં અર્ધ લશ્કરી દળોનો જાપ્તો રહેશે જ્યારે કે શહેરના મુખ્ય રાજમાર્ગો પર પોલીસ દ્વારા બેરીકેડિંગ કરી નાકાબંધી કરવામાં આવશે. આ દરમિયાન વડોદરા શહેરમાં સ્ટેટ રિઝર્વ પોલીસ અને ક્વિક રિસ્પોન્સ ટીમને પણ તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેમેરાથી દરેક ખૂણે નજર
મહત્વનું છે કે આ મેચને ધ્યાને લઈ પોલીસ તંત્ર દ્વારા કેટલીક ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 5 પોલીસ સ્ટેશનની હદમાં ધાબા પોઈન્ટનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત અટલ બ્રિજ, અકોટા દાંડિયા બજાર બ્રિજ અને ફતેગંજમાં સઘન બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવશે. સંપૂર્ણ શહેરમાં સીસીટીવી કેમેરાથી સતત મોનિટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત વડોદરા પોલીસ કમિશનરે ભારત-પાકિસ્તાની મેચ પૂર્ણ થયા બાદ વિજય સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેથી કોઈ અનહોની ન સર્જાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે.
નવરાત્રીને લઈને એક્શન પ્લાન
વડોદરા CP એ નવરાત્રીને લઈને એક ખાસ પ્લાન તૈયાર કર્યો છે. જે રીતે ગણેશ ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો એવી જ રીતે નવરાત્રીનો તહેવાર પણ શાંતિપૂર્ણ માહોલ સાથે પૂર્ણ થાય તે માટે વડોદરા પોલીસ કમિશનર દ્વારા પોલીસ પેટ્રોલિંગને વધુ ચુસ્ત કરવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે આ તહેવારની ઉજવણી દરમિયાન અધિકારીઓ સાથે 5 હજાર પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત રહેશે. જેનાથી શહેરમાં કોઈ પણ દુર્ઘટનાને બનતી રોકી શકાશે અને ક્વિક રિસ્પોન્ડ કરી શકાશે. આ ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર પણ સાયબર ક્રાઇમની ટીમો દ્વારા સતત નજર રાખવામાં આવશે. આ સાથે ગ્રાઉન્ડમાં મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ સાદા કપડામાં તૈનાત રહેશે.