- બપોર બાદ એસોસિએશનના હોદ્દેદારોને તેડુ
- પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે ફરી થશે ચર્ચા
- 300 કાર્ડની મર્યાદા દૂર કરવા બાબતે થઇ શકે છે સમાધાન
રાજ્યમાં રેશકાર્ડ દુકાનદારોની હડતાળથી ગરીબ જનતાને દિવાળીના તહેવાર પહેલાં જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે બીજી તરફ સરકાર દ્વારા કોઈ પણ સંજોગોમાં હડતાળ સમેટવામાં આવે તેના માટેના પ્રયત્ન ચાલી રહ્યો છે. સરકાર દ્વારા આજે રેશનકાર્ડ દુકાનદાર એસો.ના હોદ્દેદારોને ગાંધીનગરથી તેડુ આપવામાં આવ્યું છે.
ગાંધીનગરમાં આજે ફરી એસોસિએશનના હોદ્દેદારો સાથે સરકારની મહત્વની બેઠક મળી રહી છે. જેમાં પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે ફરી ચર્ચા કરવામાં આવશે. આ અગાઉ ગઈકાલે મંત્રી કુંવરજી બાવળિયાએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને જે પછી એસોસિએશન સાથે પણ ચર્ચા કરી હતી પરંતુ કોઈ પણ યોગ્ય નિરાકરણ આવી શક્યું ન હતું.
આ તરફ સરકાર તરફથી 300 કાર્ડની મર્યાદા દૂર કરવા બાબતે સમાધાન કરવા માટે વિચારણા થઇ શકે છે. આ ઉપરાંત જો સમાધાનકારી વલણ નહિ અપનાવાય તો સરકાર અન્ય વિકલ્પ પર વિચારણા કરશે. જેની સાથે જ મુખ્યમંત્રી અને પુરવઠા મંત્રી દ્વારા પણ સતત વિચારણા ચાલી રહી છે.
તેમજ જો આજની બેઠકમાં કોઈ પણ નક્કર પરિણામ ન આવતા હડતાળ ચાલુ છે. તેમજ 17 હજાર પૈકી 9 હજાર દુકાનદારોને 20 હજાર કરતા ઓછું કમિશન મળે છે. સપ્ટેમ્બર માસમાં માત્ર 2800 દુકાનદારોને જ કમિશન મળ્યુ છે. સરકાર અને દુકાનદારોની લડાઈ વચ્ચે જનતા પિસાય છે. દિવાળી ટાણે જ અનાજ ન મળતા પડતા પર પાટુ જેવી સ્થિતિ છે. સસ્તા અનાજની દુકાનદારોની હડતાલનો મુદ્દો હવે ચર્ચાનો વિષય બની ગયો છે. સરકાર વૈકલ્પિક વ્યવસ્થા શરુ કરે તેવી શક્યતા છે. NGO, સહકારી દૂધ મંડળી થકી અનાજ વિતરણ થાય તેવી સંભાવના છે.