- પોલીસે દારૂ, મોબાઈલ, બાઈક સહિત રૂ.83,925ના મુદ્દામાલ સાથે બેને ઝડપ્યા હતા
- બન્નેની તપાસ દરમિયાન ફરાર આરોપીનું નામ ખૂલ્યું હતું
- આરોપીને આગોતરા જામીન અપાય તો તે ફરીથી આવો ગુનો આચરશે
જોરાવરનગર પોલીસે ગત તા. 9 જાન્યુઆરીના રોજ સવારેના સમયે એકટીવા પર દારૂની હેરાફેરી કરતા ર શખ્સોને દારૂ, મોબાઈલ અને એકટીવા સહિત રૂપીયા 83,925ના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા. આ કેસમાં બાદમાં એક શખ્સનું નામ ખૂલ્યુ હતુ. આ ફરાર શખ્સે આગોતરા જામીન પર મુકત થવા કરેલી અરજી કોર્ટે નામંજુર કરી છે.જોરાવરનગર પોલીસની ટીમને તા. 9 જાન્યુઆરીના રોજ વહેલી સવારે રતનપરની કેશવરાય ચોકડી પાસે ખુલ્લા ખરાબામાં નીલેશ બહાદુરભાઈ કણઝરીયા અને મયુર શંકરભાઈ કુરીયા દારૂ રાખે છે અને એકટીવા મારફત દારૂની હેરાફેરી કરતા હોવાની બાતમી મળી હતી. આથી અશોકસીંહ પરમાર, મીતભાઈ સહિતનાઓએ દરોડો કર્યો હતો. જેમાં નીલેશ કણઝરીયા અને મયુર શંકરભાઈ કુરીયા દારૂની 65 બોટલો સાથે ઝડપાયા હતા. આ બન્ને શખ્સોને પોલીસે રૂપીયા 28,925નો દારૂ, રૂપીયા 30 હજારનું એકટીવા અને રૂપીયા રપ હજારના ર મોબાઈલ ફોન મળી કુલ રૂપીયા 83,925ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી પ્રોહીબીશન મુજબનો ગુનો નોંધ્યો હતો. પોલીસની પ્રાથમીક તપાસમાં આ દારૂ સુરેન્દ્રનગરના જયરાજસીંહ રણજીતસીંહ ઝાલા પાસેથી આવ્યો હોવાનું ખૂલ્યુ હતુ. ત્યારથી પોલીસ ધરપકડ ટાળવા તે નાસતો ફરે છે. આ દરમિયાન ફરાર આરોપીએ સુરેન્દ્રનગર બીજા એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં આગોતરા જામીન પર મુકત થવા અરજી કરી હતી. આ અરજીની સુનવણી થતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણીએ દલીલો કરતા જણાવ્યુ કે, અરજદાર આરોપી સામે સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકે જુગારના 10 ગુના નોંધાયા છે. જો આરોપીને આગોતરા જામીન મળે તો તે ફરીથી આ પ્રકારનો ગુનો આચરે તેવી શકયતા રહેલી છે. આથી સુરેન્દ્રનગર બીજા એડીશનલ સેશન્સ જજ એ.આર.દેસાઈએ અરજદાર આરોપી જયરાજસીંહ રણજીતસીંહ ઝાલાની આગોતરા જામીન પર મુકત થવાની અરજી નામંજુર કરી છે.


