- રિયલ એસ્ટેટની પ્રમુખ સંસ્થા છે ક્રેડાઈ
- નવા હોદ્દેદારોની આજે કરવામાં આવી વરણી
- સીએમ ભૂપેન્દ્ર પટેલ રહ્યા હાજર
આગામી વર્ષ 2023 થી 2025ની ટર્મ માટે એટલે કે 2 વર્ષ માટે પ્રમુખ, સેક્રેટરી અને ચેરમેનના હોદ્દાઓ પર આજે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. મહત્વનું છે કે આ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા.
ગુજરાતમાં રિયલ એસ્ટેટ ઉદ્યોગના હિતોનું પ્રતિનિધિત્વ કરતી ક્રેડાઇ અમદાવાદ ગાહેડમાં હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. આગામી વર્ષ 2023 થી 2025ની ટર્મ માટે એટલે કે 2 વર્ષ માટે પ્રમુખ, સેક્રેટરી અને ચેરમેન જેવા હોદ્દાઓ પર નવા હોદ્દેદારોની આજે વરણી કરવામાં આવી છે. આ પ્રસંગે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા અને તેમણે પ્રસંગને અનુરૂપ સંબોધન પણ કર્યું હતું.
ધ્રુવ પટેલની પ્રમુખપદે નિમણૂંક
જેમાં ધ્રુવ પટેલની નવા પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે તો સાથે જ નવા સેક્રેટરી તરીકે નિલય પટેલ અને નવા ચેરમેન તરીકે ચિત્રાક શાહની પસંદગી કરવામાં આવી છે. ગુજરાતમાં રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં જાણીતા એવા ઉપરોક્ત તમામ ચહેરાઓ ક્રેડાઇ અમદાવાદ ગાહેડના હોદ્દેદારો તરીકે પસંદ પામ્યા છે. 2 વર્ષના સમયગાળામાં આ માળખું અમદાવાદ સહિત ગુજરાતમાં નવી ઉચાઈઓ સર કરશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ક્રેડાઇ અમદાવાદ ગાહેડનું આ માળખું એક મજબૂત અવાજ છે જે આગામી સમયમાં ડેવલપર્સ/બિલ્ડરોની સાથે જ સામાન્ય ઈન્વેસ્ટરો અને ગ્રાહકોના હિતોની જાળવણી માટે પણ વધુ મજબૂતાઈથી કામ કરશે.
ગુજરાત ક્રેડાઇ વિશે જાણી લો
કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ ક્રેડાઇનું પૂરું નામ છે ગુજરાતમાં 2003થી ક્રેડાઇ કાર્યરત છે. વિવિધ રીતે ડેવલપર્સ/બિલ્ડરોના હિતની જાળવણી કરે છે અને સાથે લોકોને પણ બાંધકામમાં કોઈ તકલીફ ન પડે તેનું ધ્યાન રાખે છે. ક્રેડાઇ ગુજરાત એ ગુજરાતમાં ખાનગી રિયલ એસ્ટેટ ડેવલપર્સ માટે સર્વોચ્ચ સંસ્થા છે. ક્રેડાઇ ગુજરાતના 11000 થી વધુ સભ્યો તેમજ ગુજરાતના વિવિધ શહેરોમાં 26 સભ્ય-સંગઠનો છે. ક્રેડાઇ ગુજરાત એક મજબૂત અવાજ છે જે ગુજરાતમાં રિયલ એસ્ટેટ ઉદ્યોગના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે સાથે જ રોકાણકારો અને ગ્રાહકોના હિતોની જાળવણી પણ કરે છે. ક્રેડાઇ ગુજરાત ગુણવત્તાયુક્ત બાંધકામ અને સમયસર પૂર્ણ કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે, અને માળખાકીય જરૂરિયાતો અને શ્રમ કલ્યાણની પણ કાળજી લે છે. ડેવલપર્સ/બિલ્ડરો વતી, ક્રેડાઇ ગુજરાત રચનાત્મક કાર્યો માટે સરકારનો સહયોગ કરે છે.
નવા હોદ્દદારોએ શું કહ્યું
આ પ્રસંગે નવા હોદ્દેદારોએ કહ્યું હતું કે સીએમ ભૂપેન્દ્ર પટેલ આપણી લાઈનના છે એ સારી વાત છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના રિયલ એસ્ટેટના અનુભવના કારણે અમદાવાદ ખૂબ સારું ડેવલોપ થયું છે. ઘણી સમસ્યાઓનું નિવારણ આવ્યું છે. બુલેટ ટ્રેનની કામગીરી પણ સારી છે જે 2026માં પૂર્ણ થશે. આ પ્રસંગે બુલેટ ટ્રેનની કામગીરી અને ઓલિમ્પિકના આયોજનને લઈને પણ વાત કરવામાં આવી હતી. જેમાં કહેવાયું હતું કે અમદાવાદની ઈન્ટરનેશનલ ઓળખ બને તે માટે આપણે પ્રયાસ કરવાનો છે, આ ઉપરાંત ક્રેડાઈએ અમદાવાદમાં 100 થી વધુ શાળાઓના નવીનીકરણનો સંકલ્પ કર્યો હતો.
સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિવેદન
સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે પીએમ નરેન્દ્રભાઈએ પ્રાથમિક સુવિધાઓને મહત્વ આપ્યું છે, આજે દરેક હોસ્પિટલ અને હેલ્થ સેન્ટરમાં ડોકટર મળતાં થયા છે, કારણ કે મેડિકલ સીટો વધારવામાં આવે છે, નરેન્દ્રભાઈના નેતૃત્વના કારણે દરેક ભારતીયની વિશ્વમાં નવી ઓળખ ઊભી થઈ છે, હવે આપણે બધાએ કવોલિટી તરફ ધ્યાન આપવું છે, કવોલિટીમાં કોઈ બાંધછોડ ના હોવો જોઈએ. ઉપરાંત તેમણે કહ્યુ હતું કે આગામી 5 વર્ષમાં 5 લાખ કરોડ રૂપિયા ગુજરાત સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચશે.