- કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા દર્દીને ICUમાં રાખવાની ગાઈડલાઈન્સ જાહેર કરાઈ
- ઓછી પ્રાથમિકતા ધરાવતા દર્દીને ICUમાં રાખવો નહીં
- આઈસીયુમાંથી ક્યારે રજા આપી શકાય?
દર્દી દ્વારા કે તેનાં સગાં અને પરિવાર દ્વારા ઈનકાર કરવામાં આવે તો હોસ્પિટલો ગંભીર બીમારી ધરાવતા દર્દીને ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરી શકે નહીં. કેન્દ્રનાં આરોગ્ય મંત્રાલય દ્વારા દર્દીને ICUમાં દાખલ કરીને સારવાર કરવાનાં મામલે જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ગાઈડલાઈન્સ 24 નિષ્ણાતો દ્વારા ઘડવામાં આવી છે. જેમાં એવી ભલામણ કરાઈ છે કે કોઈ બીમારી કે અસાધ્ય બીમારીમાં દર્દી પર કોઈ સારવાર અસર ન કરતી હોય કે સારવાર ચાલુ હોય તેમ છતાં દર્દીને જીવિત રાખી શકાય તેવી અસર ન થતી હોય તો તેવા દર્દીને પણ આઈસીયુમાં રાખી શકાય નહીં. કોઈ વ્યક્તિ કે દર્દી જીવવાની આશા સાથે બીમાર સામે સંઘર્ષ કરી રહ્યો હોય અથવા આઈસીયુમાં સારવાર માટે ઈનકાર કરતો હોય તો તેવા દર્દીને પણ ICUમાં દાખલ કરી શકાય નહીં.
ઓછી પ્રાથમિકતા ધરાવતા દર્દીને ICUમાં રાખવો નહીં
જ્યારે કોઈ મહામારી ચાલી રહી હોય કે ઈમરજન્સીની સ્થિતિ હોય ત્યારે હોસ્પિટલોમાં જો સારવાર માટેનાં સાધનોની અછત હોય તો જે દર્દીની આઈસીયુમાં સારવાર આપવાની પ્રાથમિકતા કે જરૂરિયાત ઓછી હોય તેવા દર્દીને આઈસીયુમાં દાખલ કરીને સારવાર આપવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં. જે દર્દીનાં અંગો કામ કરતા ન હોય કે ઓછા કામ કરતા હોય અથવા તો શરીરનાં અંગો સારવાર કે દવા સામે રિસ્પોન્સ આપતા ન હોય અને તેને આઈસીયુનાં સપોર્ટની જરૂર હોય અથવા તો દર્દીની મેડિકલી સ્થિતિ કથળી રહી હોય તો તેવા દર્દીને આઈસીયુમાં દાખલ કરવા પ્રાથમિકતા આપવી જોઈએ.
જે દર્દી કે તેનાં નજીકનાં સગાં ICUમાં દાખલ થવા ઈનકાર કરતા હોય, કોઈ બીમારી કે જેમાં સારવારનો ઓછો અવકાશ હોય, જે દર્દી બીમારી સામે લડવાની આંતરિક શક્તિ કે મનોબળ ધરાવતો હોય અને આઈસીયુમાં સારવાર લેવા ઈનકાર કરતો હોય, તબીબી પરીક્ષણો દર્દીનાં જીવવાની ઓછી સંભાવના દર્શાવતા હોય અને મહામારી કે ઈમરજન્સીનાં કિસ્સામાં દર્દીને ICUમાં સારવાર આપવાની ઓછી પ્રાથમિકતા હોય અથવા તો બાહ્ય સારવાર આપવાનાં ટાંચા સાધનો હોય તો તેવા સંજોગોમાં દર્દીને આઈસીયુમાં રાખી શકાય નહીં.
આઈસીયુમાંથી ક્યારે રજા આપી શકાય?
દર્દીને આઈસીયુમાંથી એવા સમયે રજા આપી શકાય કે જ્યારે તેની શારીરિક સ્થિતિ સામાન્ય બને અથવા તો શારીરિક હલનચલન પાછું આવવાની સંભાવના હોય, સારવારનાં સાધનો સીમિત હોય અને આઈસીયુમાંથી ડિસ્ચાર્જ માટે દર્દી કે તેના સગાંની સંમતિ હોય તો તેવા સંજોગોમાં દર્દીને આઈસીયુમાંથી રજા આપી શકાય.
કેવા સંજોગોમાં આઈસીયુમાં સારવાર આપવી જોઈએ?
કોઈ દર્દીની જાગૃત અવસ્થામાં ફેરફાર થતો હોય કે હેમોડાયનેમિક અસ્થિરતા સર્જાઈ હોય કે શ્વસન તંત્ર ચાલુ રાખવા ICU સપોર્ટની જરૂર હોય કે ગંભીર બીમારી ધરાવતા દર્દીને સઘન મેડિકલ સપોર્ટ હેઠળ કે દેખરેખ હેઠળ રાખવાની જરૂર હોય કે અંગોને સચેત રાખવા સપોર્ટની જરૂર હોય કે કોઈપણ પ્રકારની સારવાર દરમિયાન દર્દીની હાલત બગડવાની સંભાવના હોય તો તેવા સંજોગોમાં દર્દીને ICUમાં દાખલ કરવા પ્રાધાન્ય આપવું જોઈએ. જે દર્દીનું હાર્ટ કે શ્વસન તંત્ર બગડયું હોય અથવા ઓપરેશન વખતે શરીરમાં સમસ્યાઓ સર્જાય તો તેવા સંજોગોમાં પણ દર્દીને આઈસીયુ સપોર્ટ પર રાખી શકાય.


