અરડોઈમાં શૂરાપુરા દાદાની જગ્યાએ યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
દર્શન કરવા ગયેલા રાજકોટના વતનીએ ઝાડ સાથે ફાંસો ખાધો : પરિવારમાં શોક
અગ્ર ગુજરાત, રાજકોટ
કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામમાં વઘાસિયા પરિવારના આસ્થાના કેન્દ્ર તરીકે ઓળખાતી શૂરાપુરા દાદાની જગ્યાએ રાજકોટના વતની એક યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતક દ્વારા આ અતિશય પગલું કેમ ભરાયું તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી અને પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
મળતી માહિતી મુજબ રાજકોટ શહેરના હરીધવા રોડ વિસ્તારમાં રહેતા અને મૂળ કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ગામના વતની પ્રકાશભાઈ બાબુભાઈ વઘાસિયા (ઉંમર આશરે 40 વર્ષ) પોતાના ગામે આવેલા શૂરાપુરા ગોપાલબાપાની જગ્યાએ દર્શન કરવા આવ્યા હતા. વઘાસિયા પરિવાર માટે આ સ્થળ ધાર્મિક આસ્થા સાથે જોડાયેલું હોવાથી તેઓ સમયાંતરે અહીં આવતા હોવાનું જાણવા મળે છે.
જોકે દર્શન કરવા આવેલા પ્રકાશભાઈએ અચાનક જ અહીં પવિત્ર જગ્યાની નજીક આવેલા ઉંબરાના ઝાડની ડાળીને દોરી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને પરિવારજનોમાં ચકચાર મચી ગઈ હતી.
આ ઘટનાની માહિતી મળતાં જ કોટડાસાંગાણી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી મૃતદેહને નીચે ઉતારી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. બાદમાં મૃતકની બોડી પોસ્ટમોર્ટમ માટે કોટડાસાંગાણી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
મૃતક પ્રકાશભાઈના પરિવાર પર આ ઘટનાથી ભારે આઘાત આવ્યો છે. તેઓ પાછળ 14 વર્ષની પુત્રી અને 8 વર્ષનો પુત્ર છોડી ગયા છે. પિતાના અચાનક નિધનથી બંને સંતાનો તેમજ પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હોવાનું પરિવારજનોમાં ચર્ચાઈ રહ્યું છે.
પ્રકાશભાઈએ કયા કારણોસર આવું આત્યંતિક પગલું ભર્યું તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી. પ્રાથમિક રીતે કોઈ અગમ્ય કારણસર આત્મહત્યા કર્યાનો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. જોકે પોલીસ સમગ્ર મામલે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ આગળ ધપાવી રહી છે.
કોટડાસાંગાણી પોલીસે જણાવ્યું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા પરિવારજનોના નિવેદન બાદ આ ઘટનાના સાચા કારણો અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


