- એજન્સીએ ખીણ અને આસપાસના વિસ્તારોમાં ચોકસાઈ અને દેખરેખ વધારી
- ભાજપની રેલીઓ અને કેટલાક રાજકીય નેતાઓ આતંકવાદીઓના નિશાના પર : સૂત્રો
- પાકિસ્તાન સાથે સંકળાયેલાં આતંકવાદી સંગઠનોએ કાવતરાં ઘડવાનું શરૂ કરી દીધું
ચૂંટણીઓ પહેલાં કાશ્મીરમાં એક મોટી આતંકવાદી ઘટનાને સફળ બનાવવા માટે પાકિસ્તાન સાથે સંકળાયેલાં આતંકવાદી સંગઠનોએ કાવતરાં ઘડવાનું શરૂ કરી દીધું છે. આ શ્રોણીમાં બે દિવસ પહેલાં લશ્કર-એ-તોયબાના આતંકવાદીઓએ કાશ્મીરના આંતરિક વિસ્તારોમાં હાજરી નોંધાવી એટલું જ નહીં આગામી ચૂંટણીમાં મોટી રાજકીય રેલીઓમાં આતંકવાદી હુમલા કરવા માટેની મીટિંગો પણ કરી હતી. જાસૂસી એજન્સીઓનાં સૂત્રો અનુસાર, લશ્કરના આતંકીઓએ પાકિસ્તાનના ઇશારે આ પ્રકારનાં ષડ્યંત્રોને પાર પાડવાની તૈયારીઓ કરી છે. આતંકવાદીઓએ પહેલી બેઠક કુલગામના એક બગીચામાં યોજી હતી. કેન્દ્રીય જાસૂસી સંસ્થાને ઇનપુટ્સ મળ્યા હતા કે અહીં લશ્કરના આતંકવાદી જુનૈદ અહમદ બટના આતંકવાદીઓ કાવતરાં પર કામ કરી રહ્યા હતા. લશ્કર-એ-તોયબાના આતંકવાદી જુનૈદ અહમદ બટ થોડા સમય પહેલાં કુલગામમાં જોવા મળ્યો હતો.
ખાસ કરીને ભાજપની રેલીઓ નિશાના પર જાસૂસી એજન્સીઓ દ્વારા મળેલા ઇનપુટ્સના આધારે ચોંકાવનારી માહિતી મળી છે કે આતંકવાદી જુનૈદ ખાસ કરીને ભાજપની રેલીઓને નિશાન બનાવવાનો છે. જાસૂસી સંસ્થાઓએ આ માહિતી કેન્દ્રીય ગૃહમંત્રાલયની સાથે સુરક્ષા એજન્સીઓને પણ આપી છે. આ રિપોર્ટ બાદ કુલગામ અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા એલર્ટ જારી કરી દેવાયું છે. સૂત્રો અનુસાર આગામી દિવસોમાં કુલગામ અને આસપાસના વિસ્તારોમાં થનારી ચૂંટણી રેલીઓ અને અન્ય તૈયારીઓ પર સુરક્ષા વ્યવસ્થા બાબતે ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. સૂત્રોનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ઘણા નેતાઓને પણ ટાર્ગેટ પર રાખ્યા છે.


