- બીજી અને ત્રીજી માર્ચે એમ બે દિવસીય પક્ષી મોજણી થઈ
- 5,800 સ્થાનિક અને 8,000 વિદેશી મળી કુલ 13,800 પક્ષીઓની નોંધણી થઈ
- રાજ હંસ, સિંગપરન જેવા પક્ષીઓ જોવા મળ્યા
દર વર્ષે શિયાળાની ઋતુમાં સાઈબેરીયા અને યુરોપથી હજારો કિલોમીટરનો આકાશમાં પ્રવાસ ખેડી વિદેશી પક્ષીઓ ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમ ખાતે મહેમાનગતી માણતા હોય છે. આ વર્ષે બે દિવસીય પક્ષી મોજણીમાં સ્થાનિક અને વિદેશી મળી 13,800 જેટલા પક્ષીઓની નોંધણી કરવામાં આવી હતી.
પક્ષીઓની અલગ જ દુનિયા છે. વિશ્વભરમાં વિવિધ પ્રજાતિના અગણિત પક્ષીઓ અસ્તિત્વ ધરાવે છે. કેટલાય પક્ષીઓની પ્રજાતિ એવી છે જેને આપણે ક્યારેય જોઈ નથી. પરંતુ આકાશમાં દિશા નક્કી કરી હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડતા દૂર્લભ અને જવલ્લે જ જોવા મળતા પક્ષીઓ વિશે અભ્યાસ થતા હોય છે. સાઈબેરીયા અને યુરોપથી શિયાળાની ઋતુમાં યાયાવર પક્ષીઓ આકાશમાં લાંબો પ્રવાસ ખેડી ગુજરાત પરથી પસાર થાય છે. તેમનો પાછા ફરવાનો સમય રિટર્ન માઈગ્રેશન કહેવાય છે. હાલમાં તેમના વતન ભણી પરત ફરવાના સમયે ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમ ખાતે પોરો ખાવા રોકાયા તે સમયે પક્ષી વિદો દ્વારા તેમની મોજણી કરવામાં આવી હતી. આ અંગે સાબરકાંઠાના ઓનરરી વાઈલ્ડ લાઈફ વોર્ડન મયુર રાઠોડના જણાવ્યા પ્રમાણે લબ્ધી વિક્રમ જનસેવા ટ્રસ્ટના સહયોગી બર્ડ કન્ઝર્વેશન સોસાયટી – ગુજરાત (બી.સી.એસ.જી.) અને એડમ્સ નેચર રીટ્રીટ દ્વારા ધરોઈ ડેમના પક્ષીઓના ત્રીજા વખતના સર્વે (મોજણી)નું બીજી અને ત્રીજી માર્ચ 2024ના રોજ બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિવૃત સીસીએફ ઉદય વોરા, જાણીતા સરીસૃપશાસ્ત્રી ડૉ. રાજુવ્યાસ, નિવૃત્ત પોલીસ વડા નિત્યાનંદ વગેરે હાજર રહ્યા હતા. ઋતુ પ્રવાસી પક્ષીઓ અને વિશેષ રૂપે તેમના સંવનન, ઋતુ સમયના રંગીન પીછાંધારી શણગાર નિહાળવાનો વર્ષે એક વખત મોકો મળતો હોય છે. આ વર્ષે કુલ 160 પ્રજાતિના પક્ષીઓની નોંધણી ગુજરાતભરમાંથી આવેલા 27 જેટલા પક્ષી નિરીક્ષકોએ કરી હતી. અંદાજે 19 હજાર જેટલા પક્ષીઓ પૈકી કુલ 13,800 પાણીના પક્ષીઓ નોંધાયા હતા. જેમાં 5,800 જેટલા સ્થાનિક અને 8,000 જેટલા યાયાવર ઋતુ પ્રવાસી પક્ષીઓ નોંધાયા હતા.
રાજ હંસ, સિંગપરન જેવા પક્ષીઓ જોવા મળ્યા
કેમેરામાં કેદ થયેલા મુખ્યતઃ રાજહંસ, ગાજહંસ, પીયાસણ, સિંગપરન અને ગયણા જેવી વિવિધ બતકની પ્રજાતી ઉપરાંત કાંઠલાવાળી ઢોંગીલી, તુતવારી જેવા વિવિધ વેડર (કિચડિયા) જાતિના પક્ષીઓ જોવા મળ્યા હતા. તદ્દઉપરાંત રેડ ક્રેસ્ટેડ પોચાર્ડ, વોટર પીપીટ, ફેરૂજીનીયસ બતક અને શ્વેતપૂંછ ટીટોડી જેવી ભાગ્યે જ જોવા મળતી પ્રજાતિના પક્ષીઓનો પણ સમાવેશ થાય છે.
મોજણી દરમિયાન ડેમને 12 ઝોનમાં વિભાજિત કરાયો
મોજણીના ભાગ રૂપે ધરોઈ ડેમની આસપાસના દેલવાડાકંપા, વિજલાસણ, ગઢડા શામળાજી મંદિર, લોંક, લંકેશ્વરી, બાબસર ડાઈક, લક્ષ્મણપુરા, કુબાધરોલ અને ઘંટોડી જેવા કુલ 12 ઝોનમાં વિભાજીત કરી મોજણી કરવામાં આવી હતી. પક્ષી વિદોએ દુરબીન, કેમેરા, સ્પોટિંગ સ્કોપ જેવા વિવિધ ગેજેટ્સ થકી ચોકસાઈપૂર્વક પક્ષી નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.


