- મોદી-શાહની હાજરીમાં PM હાઉસમાં અઢી કલાક બેઠક ચાલી
- PM મોદી સમક્ષ CM, પાટિલ, રત્નાકર અને કૈલાસનાથનની સમિક્ષા બેઠક
- વિતેલા 40 દિવસમાં ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદીને બે વખત મળ્યા
ગુજરાત સરકારના સામાજિક ક્ષેત્રના અને વિવિધ જ્ઞાતિ સમૂહોના ઉત્કર્ષ માટે કાર્યરત બોર્ડ- નિગમ, આયોગ, મંડળોમાં હવે ગમે ત્યારે ભાજપમાંથી યોગ્ય આગેવાનોની નિયુક્તિ થશે. માત્ર પદોની આ લ્હાણી જ નહી પરંતુ, પ્રદેશ ભાજપ સંગઠનમાં ખાલી પડેલા મહામંત્રી- ઉપાધ્યક્ષ સહિત હોદ્દેદારની નિમણૂંકો સાથે લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ફેરફાર પણ થશે. શુક્રવારે દિલ્હીમાં PM હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની હાજરીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર અને CMના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથનની બેઠક બાદ આ પ્રકારના સંકેતો વહેતા થયા છે.
વડાપ્રધાને શુક્રવારે મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, મહામંત્રી સહિતને દિલ્હી બોલાવ્યા હતા. સાંજે PM હાઉસમાં અઢી કલાક મળેલી આ બેઠક પહેલા ગુજરાતના મોવડીઓ ભાજપ મુખ્યાલયે નડ્ડાને મળ્યા હતા. PM હાઉસમાં મળેલી બેઠકમાં ગુજરાત સરકાર, પ્રદેશ સંગઠન અને આગામી ચૂંટણીને ધ્યાને લઈને સુચવાયેલા આયોજનોના રોડમેપ સાથે બે વર્ષથી ખાલી પડેલા બોર્ડ- નિગમમાં બિન સરકારી પ્રતિનિધિઓની નિયુક્તિ અંગે વિસ્તારથી ચર્ચા થયાનું કહેવાય છે. જેના આધારે નવરાત્રિથી લઈને દિવાળી વચ્ચે નિયુક્તિઓ થશે. ઉલ્લેખનીય છે કે, વિતેલા 40 દિવસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં વડાપ્રધાન મોદીને બે વખત મળ્યા છે. જ્યારે વડાપ્રધાન પણ ગુજરાતમાં બે દિવસ રહ્યા છે. તો બીજી તરફ પ્રદેશ અધ્યક્ષ પાટીલ બે દિવસ પહેલા સોમવારે દિલ્હીમાં હતા. શુક્રવારે તેડુ આવ્યુ ત્યારે તેઓ સવારથી દિલ્હી પહોંચી ગયા હતા !
લોકસભા ચૂંટણી માટે સરકાર અને સંગઠન કામે લાગેઃ મોદી
લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે વડાપ્રધાન મોદીએ સરકારી યોજના, નિર્ણયો અને તેના થકી નાગરીક સમાજમાં આવેલા બદલાવ સાથે મતદારો વચ્ચે કામના હિસાબ સાથે પ્રચારની રફ્તાર વધારવા સરકાર અને સંગઠનને કામે લાગી જવા સુચવ્યાનું કહેવાય છે.