- બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં સામેલ ભારતીય મૂળના અમેરિકનની નામ
- ભારતીય મૂળના અમેરિકન બિઝનેસમેન નિકેશ અરોરા આવ્યા ચર્ચામાં
- 1.5 અરબ ડોલરથી વધુની નેટવર્થ ધરાવે છે નોન-ફાઉન્ડર નિકેશ અરોરા
ભારતીય મૂળના અમેરિકન બિઝનેસમેન નિકેશ અરોરા આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. કારણ કે તેમનું નામ બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં સામેલ થયું છે. એટલું જ નહીં, તેઓ એવા કેટલાક અબજોપતિઓમાંના એક છે જેઓ નોન-ફાઉન્ડર છે. એટલે કે અરોરાએ પોતે કોઈ કંપની શરૂ નથી કરી, છતાં તેઓ અબજોપતિ બની ગયા છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, નિકેશ અરોરાની નેટવર્થ 1.5 અરબ ડોલરથી વધુ છે. ભારતીય ચલણ અનુસાર તેમની સંપત્તિ 12,495 કરોડ રૂપિયા છે. નિકેશ અરોરા હાલમાં ટેક કંપની પાઉલો અલ્ટો નેટવર્કના સીઈઓ અને ચેરમેન છે. આ કંપનીનું માર્કેટ કેપ 91 અબજ ડોલરથી વધુ છે.
નિકેશ અરોરા લાંબા સમયથી અમેરિકન કંપનીઓ સાથે જોડાયેલા છે. તેમણે ગૂગલમાં પણ કામ કર્યું છે. તેઓ એક ઉદ્યોગપતિ, રોકાણકાર અને ઉદ્યોગસાહસિક તરીકે ઓળખાય છે.
તેમનો જન્મ 9 ફેબ્રુઆરી 1968ના રોજ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં થયો હતો. તેમણે એરફોર્સ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેમણે IIT BHUમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું. વધુ અભ્યાસ માટે તેઓ અમેરિકા ગયા. ત્યાં તેમણે નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીમાંથી MBA અને બોસ્ટન કોલેજમાંથી ફાયનાન્સમાં MSની ડિગ્રી મેળવી.
અરોરાએ 1992 માં ફિડેલિટી ઇન્વેસ્ટમેન્ટ્સ સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. અહીં તેમણે ટેક્નોલોજી મેનેજમેન્ટ અને ફાઇનાન્સ સંબંધિત હોદ્દા સંભાળ્યા છે. વર્ષ 2000 માં, તેઓ ફિડેલિટી ઇન્વેસ્ટમેન્ટ્સમાં ઉપપ્રમુખ તરીકે નિયુક્ત થયા.
તેમણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ અમેરિકા આવ્યા હતા ત્યારે તેમના પિતાએ તેમને 75 હજાર રૂપિયા આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેમણે પોતાનો ખર્ચો કાઢવા માટે ઘણી જગ્યાઓએ કામ કર્યું હતું. તેમણે ક્યારેક બર્ગરની દુકાનમાં સેલ્સમેન તરીકે તો ક્યારેક સિક્યુરિટી ગાર્ડ તરીકે પણ કામ કરતાં હતા.
પરંતુ અરોરાની સખત મહેનત જ તેમને આ પદ પર લાવી હતી. અરોરા જ્યારે ગૂગલમાં હતા ત્યારે તેઓ ત્યાં એકમાત્ર સૌથી વધુ પગાર ધરાવતા કર્મચારી હતા. અરોરા 2004માં ગૂગલમાં જોડાયા હતા. અને 2012માં તેને ગૂગલ તરફથી વાર્ષિક 5.1 અરબ ડોલરનો પગાર મળતો હતો. એવું કહેવાય છે કે જ્યારે અરોરા ગૂગલમાં હતા ત્યારે તેમણે 2009માં નેટફ્લિક્સ ખરીદવાનું સૂચન કર્યું હતું. તે સમયે, નેટફ્લિક્સનું માર્કેટ કેપ 3 અરબ ડોલર હતું, જે આજે 27 અરબ ડોલરથી વધુ થઈ ગયું છે. જોકે, ગૂગલે અરોરાનું સૂચન સ્વીકાર્યું ન હતું.
ગૂગલ છોડ્યા પછી, તેઓ સોફ્ટ બેંકના પ્રમુખ બન્યા. પ્રમુખ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, સોફ્ટ બેંકે 250 મિલિયન ડોલરની ડીલ કરી હતી. એટલું જ નહીં, સોફ્ટ બેંકે સ્નેપડીલ, ઓલા, ગ્રોફર્સ અને હાઉસિંગ ડોટ કોમ જેવા ભારતીય સ્ટાર્ટઅપ્સમાં પણ રોકાણ કર્યું હતું.
જૂન 2018માં નિકેશ અરોરા પાઉલો અલ્ટો નેટવર્કમાં જોડાયા હતા. ત્યારથી તે કંપનીના સીઈઓ અને ચેરમેન છે. કંપનીમાં જોડાયા બાદ, તેમને 12.5 કરોડ ડોલરના શેર આપવામાં આવ્યા. 5 વર્ષમાં કંપનીના શેરમાં અનેકગણો વધારો થયો, જેના કારણે તેની નેટવર્થ પણ 1.5 અબજ ડોલરને પાર કરી ગઈ.


