- ઓસ્ટ્રેલિયાએ પહેલા દિવસની રમતના અંતે 3 વિકેટે 187 રનનો સ્કોર બનાવ્યો
- બીજી મેચ મંગળવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરૂ થઇ હતી
- વોર્નરે સ્ટીવ વો નો રેકોર્ડ તોડયો
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝની બીજી મેચ મંગળવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરૂ થઇ હતી. વરસાદના વિઘ્નથી પ્રભાવિત પહેલા દિવસની રમત પાકિસ્તાનના નામે રહી હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલા દિવસની રમતના અંતે 3 વિકેટ ગુમાવીને 187 રન નબાવી લીધા હતા. દિવસની રમતના અંતે માર્નસ લાબુશેન (44) અને ટ્રેવિસ હેડ (9) ક્રીઝ પર હતા. ઓસ્ટ્રેલિયાએ પહેલા દિવસ ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા અને સ્ટીવ સ્મિથની વિકેટ ગુમાવી હતી. બીજા દિવસે પાકિસ્તાનની નજર કાંગારુઓને જલદી સમેટવા પર રહેશે જ્યારે ઓસ્ટ્રેલિયા ઇચ્છશે કે તે ઓછામાં ઓછા 350ના સ્કોર સુધી પહોંચે. ટોસ ગુમાવીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમને વોર્નર અને ખ્વાજાએ સાવધતાપૂર્ણ શરૂઆત આપી હતી. બંને ખેલાડીઓએ અર્ધસદીની ભાગીદારી કરી હતી. કાંગારુઓને 90 રને પહેલો આંચકો આગા સલમાને વોર્નરને આઉટ કરીને આપ્યો હતો. વોર્નર બાદ બેટિંગમાં ઉતરેલા માર્નસ લાબુશેને ખ્વાજા સાથે મળીને સ્કોરને 31 ઓવરમાં 100ને પાર પહોંચાડયો હતો. પાકિસ્તાનને હસન અલીએ ઉસ્માન ખ્વાજાને આઉટ કરીને બીજી સફળતા અપાવી હતી. તે વખતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 108 હતો. બીજું સેશન વરસાદમાં ધોવાઇ ગયું હતું. ત્રીજા સેશનમાં ઓસ્ટ્રેલિયાએ સ્ટીવ સ્મિથના રૂપમાં ત્રીજી વિકેટ ગુમાવી હતી. પાકિસ્તાને પોતાની પ્લેઇંગ ઇલેવનમાં બદલાવ કર્યા હતા જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ પર્થની ઇલેવન સાથે જ મેદાનમાં ઉતરી હતી.
વોર્નરે સ્ટીવ નો રેકોર્ડ તોડયો
ડેવિડ વોર્નરે પોતાની 38 રનની ઇનિંગ દરમિયાન સ્ટીવ વોગનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે વોર્નર કરતા આગળ માત્ર રિકી પોન્ટિંગ જ છે. આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધારે રન બનાવવાનો છે.
વોર્નર આઉટ થયો તે પહેલા તેણે ઉસ્માન ખ્વાજા સાથે 90 રનની ભાગીદારી કરી હતી. પોતાની ઇનિંગ દરમિયાન વોર્નરે સ્ટીવ વો ના 18,496 આંતરરાષ્ટ્રીય રનના રેકોર્ડને પાછળ છોડયો હતો. વોર્નરના રનની સંખ્યા હવે 460 ઇનિંગમાં 18,502 થઇ ગઇ છે.


