તુલસીદાસજીનો જન્મ વિક્રમ સંવત 1532 માં શ્રાવણ સુદ સાતમના દિવસે ઉત્તરપ્રદેશના રાજાપુર ગામમાં થયો હતો. તુલસીદાસના પિતાનું નામ આત્મારામ અને માતાનું નામ હુલસીદેવી હતું. તુલસીદાસ વિશે કહેવાય છે કે તેઓ જન્મ બાદ રામનામ બોલ્યા હતા. આવા નવજાત શિશુના મુખે રામનામ સાંભળીને બધા જ વિસ્મય પામી ગયા હતા. આ ઘટના પરથી બાળપણમાં તુલસીદાસનું નામ રામબોલા પાડવામાં આવ્યું હતું.
તુલસીદાસનો જીવનસંઘર્ષ તેમના જન્મથી શરૂ થઈ ગયો હતો. તેમના જન્મના બે દિવસ બાદ તેમની માતાનું મૃત્યુ થયું. આ ઘટના બાદ તુલસીદાસજીના પિતા તેમને અપશુકનિયાળ માનવા લાગ્યા અને તેમણે તુલસીદાસને એક ચુનિયા નામની દાસીને ઉછેર કરવા સોંપી દીધા, પણ કુદરતને જાણે એ પણ મંજૂર ન હોય એમ તુલસીદાસ પાંચ વર્ષના થયા કે ચુનિયા નામની દાસી પણ મૃત્યુ પામી. પછી તો આ રામબોલા બાળકના રખેવાળ રામ જ હતા.
રામમંદિરમાં સેવા-પૂજા કરતા અને પોતાની જાતને સંભાળતા રખડતા, ભટકતા તેમણે કિશોરાવસ્થા સુધીની સફર ખેડી. આવા કપરા સમયમાં પણ તુલસીદાસની રામ પ્રત્યેની શ્રદ્ધા ઓછી નહોતી થઈ. તેઓ સતત શ્રીરામના સ્મરણમાં મગ્ન રહેતા. બાળપણથી યુવાની સુધી પહાડો જેવાં દુ:ખો પડ્યાં, પણ તેઓ ભક્તિના માર્ગેથી વિચલિત નહોતા થયા. તેમની રામભક્તિની ચર્ચા આસપાસના વિસ્તારમાં પણ ફેલાઈ હતી. બસ આ જ ઘટનાએ તેમની જિંદગીની દિશા બદલી નાખી. શ્રીરામશૈલમાં રહેનાર અનંતાનંદજીના પરમ શિષ્ય નરહરિબાબાજીએ પણ રામબોલા વિશે બહુ સાંભળ્યું હતું. તે આ ઓજસ્વી કિશોરથી પ્રભાવિત થઈ ગયા અને તેમણે વિધિવત્ શિક્ષા, દીક્ષા આપી અને રામબોલાને તુલસીદાસ નામ આપ્યું, જે સાહિત્ય અને આધ્યાત્મિક ક્ષેત્રે અમર થઈ ગયું.
નરહરિબાબાના સાંનિધ્યમાં આવ્યા બાદ તેમની આધ્યાત્મિક અને સાંસારિક એમ બંને ક્ષેત્રે પ્રગતિ થઈ. તુલસીદાસની વય વિવાહયોગ્ય થતાં તેમના વિવાહ યમુના નદી પારના ગામમાં રહેતી ભારદ્વાજ ગોત્રની સુંદર કન્યા રત્નાવલી સાથે થયા. બાળપણથી સ્વજનોના પ્રેમથી વંચિત રહેલ તુલસીદાસને રત્નાવલીનો પ્રેમ મળતાં તુલસીદાસ રત્નાવલીમાં આસક્ત બની ગયા હતા. વિવાહ બાદ ગૌના નહોતા થયા. એટલે તુલસીદાસજી કાશીમાં જઈને વેદ વેદાંગના અભ્યાસમાં લાગી ગયાં, પણ એક દિવસ તેમને રત્નાવલીની ખૂબ જ યાદ આવવા લાગી અને તેઓ ગુરુજીની આજ્ઞા લઈને યમુના નદીના કાંઠે પહોંચી ગયા, પણ વરસાદ ખૂબ હોવાથી યમુના નદી બંને કાંઠે ભરપૂર વહેતી હતી. રત્નાવલી પ્રત્યેની આસક્તિએ તુલસીદાસને નદી પાર કરવા મજબૂર કરી દીધા. તેઓ રત્નાવલીના ઘર સુધી તો પહોંચી ગયા, પણ રાત હોવાથી લોકલજ્જાને ધ્યાનમાં રાખીને તેઓ ચોરીછૂપી દોરડાની મદદથી રત્નાવલી પાસે પહોંચ્યા. રત્નાવલીએ જોયું કે પોતાના પતિ જેને દોરડું માનીને તેમના કક્ષમાં ઊતર્યા તે દોરડું નહીં પણ સાપ હતો. આ વાતનું ભાન કરાવતા રત્નાવલી પોતાના પતિને એક દુહો કહે છે. બસ, આ દુહાની તુલસીદાસ પર એવી અસર થઈ કે તે દુહાએ તુલસીદાસને મહાન કવિ અને સંત બનાવી દીધા.
અસ્થિ ચર્મ મયી દેહ યહ, તો સો ઐસી પ્રીતિ।
નેકુ જો હોતી રામ સે, તો કાહે ભવ પ્રીતિ?॥
અર્થાત્ જેટલો પ્રેમ મારા હાડમાંસના બનેલા શરીરને કરો છો એટલો સ્નેહ જો પ્રભુ રામને કર્યો હોત તો તમને ભવ ભવના ફેરામાંથી મુક્તિ મળી જાત.
બસ, રત્નાવલીનું આ વાક્ય સાંભળતાં જ જાણે તુલસીદાસની સૂતેલી ચેતના જાગી ઊઠી. બસ આ જ ક્ષણથી તે પ્રભુ રામની ભક્તિમાં લીન થઈ ગયા. વેદ-વેદાંગનો અભ્યાસ કરી તુલસીદાસ જ્યારે તેમના ગામ રાજાપુર પહોંચે છે ત્યારે તેમના પિતાનું પણ અવસાન થઈ ગયું હોય છે. પિતાજીના શ્રાદ્ધની વિધિ કરીને તેમણે રાજાપુરમાં જ લોકોને કથા સંભળાવવાનું કાર્ય શરૂ કર્યું. થોડો સમય રાજાપુરમાં રહ્યા બાદ તેઓ ફરી કાશી જતા રહ્યા અને ત્યાં પણ કથાકાર તરીકે જ કાર્ય કર્યું. અહીં કથા દરમિયાન જ તેમની અલૌકિક વ્યક્તિ સાથે મુલાકાત થઈ, જેને લીધે તેમને સાક્ષાત્ રામનાં દર્શન થયાં. ત્યારબાદ તેમણે હિન્દી સાહિત્યને તેમની કવિત્વ શક્તિથી સમૃદ્ધ બનાવ્યું. વિક્રમ સંવત 16ર3માં શ્રાવણ વદ તૃતીયા શનિવારના દિવસે રામનામ સાથે તેમણે અંતિમ શ્વાસ લીધા. દેવનાગરી લિપિને તેમના સાહિત્ય સર્જને જ સમૃદ્ધ બનાવી છે, એવું કહીએ તો જરાય અતિશયોક્તિભર્યું નથી.