- પ્રાથમિક શાળાના શિક્ષકનો વીડિયો વાયરલ
- કતપર ગામની પ્રાથમિક શાળાના શિક્ષકનો વીડિયો
- સંદેશ આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કતપર ગામનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ગામની પ્રાથમિક શાળાનો શિક્ષક નશાની હાલતમાં લથડિયાં ખાતો ખાતો આવ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે.
શિક્ષણ એ એક પવિત્ર પ્રોફેશન કહેવાય છે. ચાણક્ય શિક્ષક વિશે એવું કહી ગયા છે કે શિક્ષક ક્યારેય પણ સાધારણ નથી હોતો, પ્રલય અને નિર્માણ તેના ખોળામાં રમે છે. પરંતુ લાગે છે કે આજકાલના શિક્ષકો આ ગરિમાને ભૂલી ગયા છે અને એનાથી પણ એક કદમ આગળ તેઓ પોતાના કાર્યો અને ખરાબ ચરિત્રથી આ વ્યવસાયની પવિત્રતાને લાંછન લગાડી રહ્યા છે. શિક્ષકોના વ્યવસાયને કલંકિત કરતી આવી વધુ એક ઘટના બનવા પામી છે, જેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
ભાવનગર જિલ્લાના મહુવાના કતપર ગામનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ગામની પ્રાથમિક શાળાનો એક શિક્ષક લથડિયા ખાતો જોવા મળી રહ્યો છે, આ ઘટનાની જાણકારી મળતાં જ ગ્રામજનોએ શાળામાં આવી હોબાળો મચાવી દીધો હતો અને આ શિક્ષકની તપાસ કરી હતી. શિક્ષક નશાની હાલતમાં હતો પરંતુ તેણે દારૂ પીધો હોવાનો ઈનકાર કર્યો હતો. જો કે લોકોએ તેને સૂંઘીને તેની તપાસ કરી હતી. જો કે આ વીડિયો ક્યારનો છે અને ક્યારે આ બનાવ બન્યો છે તેની જાણકારી સામે આવી શકી નથી, અને સંદેશ ન્યુઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
વાયરલ વીડિયોના સંદર્ભે એક વસ્તુ તો જો કે ચોક્કસ સ્પષ્ટ થાય તેમ છે કે આજકાલ અમુક ગુરુજનો તેમના જ વ્યવસાયને લાંછન લગાડી રહ્યા છે એવી અનેક ઘટનાઓ સામે આવી છે. હાલમાં મહીસાગરમાં એક નરાધમે તેની જ પૂર્વ વિદ્યાર્થિનીને પોતાના ઘરે લઈ જઈને તેની લાજ લૂંટી હતી અને વિદ્યાર્થિનીને ગામની સીમમાં ફેંકીને જતો રહ્યો હતો. તે વિદ્યાર્થિની હજુ પણ સારવાર હેઠળ ગંભીર હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આજના સમયમાં માતાપિતાએ તેમના બાળકોની સુરક્ષિતતમા માટે વધુ સતર્ક અને સાવચેત બનવું જરૂરી બની ગયું છે.