- બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે આખરે હિંસક તાંડવ દરમ્યાન ઝુકાવવું પડયું
- બાંગ્લાદેશમાં કર્ફયૂ અને દેખો ત્યાં ઠારના આદેશ અપાયા
- છેલ્લા ઘણા સમયથી અનામતને લઈ દેશમાં ઠેર-ઠેર હિંસક વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા હતા
પાડોશી દેશ બાંગ્લાદેશમાં છેલ્લા એક અઠવાડિયા કરતાં વધુ સમયથી જે અનામત પ્રથા વિરોધી હિંસક તાંડવ થઈ રહ્યું છે. તેને લઈ સુપ્રીમ કોર્ટે આજે મહત્ત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે સરકારી નોકરીના અરજદારો માટે વિવાદાસ્પદ ક્વોટા સિસ્ટમમાં કાપ મૂકી દીધો છે. આ ક્વોટાને લીધે દેશભરમાં અશાંતિ ફેલાઈ હતી. પોલીસ અને વિરોધ પ્રદર્શનકારીઓ વચ્ચે ઠેર-ઠેર હિંસક ઝડપો સર્જાઈ હતી. જેમાં કુલ 133 લોકોનાં મોત થઈ ચુક્યા હતા. જેથી સરકારે કર્ફયૂ લાદીને દેખો ત્યાં ઠારના આદેશ આપી દીધા હતા.
30 ટકા ક્વોટાનો નિર્ણય પાછો ફર્યો
સુપ્રીમ કોર્ટે તેના નિર્ણયમાં 93 ટકા સરકારી નોકરીઓ મેરિટ આધારિત સિસ્ટમના આધારે ફાળવવાનો આદેશ આપ્યો હતો, જ્યારે બાકીની 7 ટકા નોકરીઓ અન્ય કેટેગરીઓ અને બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં લડનારા લડવૈયાઓના સંબંધીઓ માટે છોડી દેવામાં આવી હતી. 1971માં અગાઉ, સિસ્ટમે આવી 30 ટકા નોકરીઓ યુદ્ધ નિવૃત્ત સૈનિકોના સંબંધીઓ માટે અનામત કરી હતી.


