બાપુ ઉતાવળ કરી . હજુ તો ઘણી અડધી ચા પીવાની બાકી હતી . સાથે ગાંઠીયા ખાવાના હતા. ચાય પે કેટલીય ચર્ચા કરવી બાકી હતી. અને આપણે તો સાથે એક યુટ્યુબ ચેનલ પણ શરૂ કરવાનો વિચાર કર્યો હતો , એને અમલ સુધી લઇ જવાનું બાકી હતું. બાપુ ઉતાવળ કરી ગયા ...
દિલીપ ગોહિલને અમે મિત્રો બાપુ કહેતા. બાપુ નામ કઈ રીતે પડ્યું એ યાદ નથી. અમે સાથે જર્નાલીઝમ કર્યું , સાથે કામ કર્યું નથી. સાથે ચા બહુ પીધી છે. ગાંઠીયા બહુ ખાધા છે. ભાવનગરમાં એણે અભાનવસ્થામાં છેલ્લા શ્વાસ લીધા અને એના ખબર ૨૭ જાન્યુઆરીની વહેલી સવારે સમાચાર આવ્યા અને અમે મિત્રો સુનિલ , રાજુ રાજુલા જવા નીકળ્યા , રસ્તામાં આટકોટમાં ક્રિશ્ના ગાંઠીયાએ ચા ગાંઠીયા ખાવા ઉભા રહ્યા. ગાંઠીયા આવ્યા અને એ પહેલા ચા આવી ગઈ . ચાનો પહેલો ઘૂંટ લીધો ત્યાં રાજુની આંખ ભીની થઈ ગઈ . ચાની ચૂસકીઓ બાપુને યાદ કરતી જાણે આંખોમાં ધસી આવી . રાજુલા ગયા અને ગામડે મોઢે થવા જઈએ ત્યારે ચા પીવાનો રીવાજ છે, મેં ના પાડી પણ રાવત કાકાએ કહ્યું , થોડી લો ને…લીધી. ત્યારે ફરી બાપુ યાદ આવી ગયા. કાકાએ કહ્યું , ભાઈ કોઈ કારી ફાવી નહિ ….મારા મોમાંથી શબ્દો નીકળી ગયા , બાપુ , આપણી સાથે દગો કરી ગયા. રાજુલાથી પાછા વળ્યા અને રસ્તામાં ફરી ચા પીધી તો ફરી બાપુ યાદ આવ્યા.
રાજુ કામદાર અને બાપુ વચ્ચે ચા પીવાનો વ્યવહાર ઝાઝો . એ બંને એક સાથે બે ચાર વાર ચા પી શકે. અરે ! એ બંને જ્યાં ચા પીવા જાય એ પંચનાથ ચાવાળાએ બાપુની વિદાયના સમાચારની પ્લેટ સોશિયલ મીડિયામાં જોઈ તો રાજુને મેસેજ કર્યો કે, આ તો તમારી સાથે ચા પીવા આવતા હતા એ જ ને….અમદાવાદ હું જાઉં અને પાછો વળતો હોઉં ત્યારે ફોન કરું એટલે દિવ્ય ભાસ્કર સામે ચાની કીટલીએ મળીએ …એમ કહે અને ત્યાં પત્રકાર મિત્રો એકઠા થઇ , સુવાણ કરીએ.
બાપુ , રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં પત્રકારત્વનો અભ્યાસ કરવા આવ્યા ત્યારથી સંબંધ. અમે બધા એક બેચના. એ રાજકોટમાં સીટી ગેસ્ટ હાઉસમાં જનરલ રૂમમાં રહેતો. આર્થિક હાલત સારી નહોતી. પણ રોજ સાંજે અમે મળીએ અને ચા પીવાનો સબંધ ત્યારથી બંધાયો હતો. જુવાન હતા અને કવિતા લખવાનો ધખારો હતો. હું કૈક સંભળાવું. તો રાજી થાય અને કહે મને તારી રચાન ગમે છે. એ લખતો તો હતો પણ સંભળાવે નહિ. પાછળથી એણે છંદ – મીટરમાં લખવાનું શરૂ કરેલું અને કેટલાક કવિ સંમેલનમાં ભાગ લીધો પણ પછી કવિતા લખવાનું બંધ કરી નાખ્યું. એણે ફેસબુક પર સ્ટેટ્સ પણ મુકેલું . શા માટે બંધ કરી એ એણે કહ્યું નહોતું.
આ માણસ બહારથી બહુ સખ્ત લાગે. લખે ત્યારે એકદમ સ્વસ્થ હોય, બરાબર તોલીને લખે. ક્યારેય એની કલમ આડાઅવળે રસ્તે ના જાય. મુદાસર લખે. બોલે ઓછું , લખે વધુ. ટીવી પર રાજકીય સમીક્ષક તરીકે આવે ત્યારે પણ લાંબુ નહિ મુદાસર જ બોલે. પણ બહારથી સખ્ત લાગતો માણસ અંદરથી બહુ ઋજુ હોય છે એવું લાગ્યું , નીલેશ રૂપાપરાની વિદાય પછી. એ પછી એણે સ્વ મિત્ર કથાનાં સાત એપિસોડ ફેસબુક પર લખ્યા ત્યારે થયું કે , આ માણસ અંદરથી બહુ તૂટી ગયો છે. નિલેશની વિદાય એ પચાવી શક્યો નહોતો. રાવત કાકા જ નહિ પણ છેલ્લે રાજુલાના ડોક્ટર વાઘમશીભાઈએ એની સારવાર કરેલી એણે ય કહ્યું કે, આ લખાણમાં સાવ જુદો જ દિલીપ જોવા મળતો હતો. એને એકલું રહેવું ગમતું. પણ એકલતા માણસને અંદરથી કોરી ખાતી હોય છે. બાપુના કિસ્સામાં પણ એ સાચી વાત ખોટી હતી એમ તો ના કહી શકું.
એના જીવનમાં પડકારો ઘણા આવ્યા, અંગત જીવનથી માંડી આર્થિક સંકળામણ સુધી. આર્થિક બાતે એણે કદી કોઈ પાસે હાથ લંબાવ્યો હોય એવું બન્યું નથી. પત્રકારત્વ પણ એણે એટલી જ ખુમારીથી કર્યું. પછી એ અખબાર હોય , સામાયિક, ટીવી હોય કે પછી ડીજીટલ મીડિયા. રાજકોટ હોય , અમદાવાદ હોય , સુરત હોય , મુંબઈ – હૈદરાબાદ હોય કે પછી દિલ્હી. આ માણસે રીપોર્ટીંગપણ કર્યું છે , વિવિધ વિષયો પર લખ્યું છે. પણ એ સંપાદનનો માણસ અને એમાં બહુ ચુસ્ત. હમણાં સુનિલ જોશી સાથે અગ્ર ગુજરાત માટે એણે રામ મંદિર માટે ખાસ અંક તૈયાર કર્યો એ જોવા જેવો છે. ગુજરાતી પત્રકારત્વમાં એવો અંક કોઈએ તૈયાર કર્યો નથી. એ પત્રકારત્વના વર્તમાન ટ્રેન્ડ કરતા આગળ રહેતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર ઘણા વર્ષો પહેલા બાપુ , સુનિલ અને મેં , ત્રણેયે સાથે મળી ‘રાજમત’ નામે નાની પુસ્તિકા બનાવી હતી એમાં ય એની સૂઝ ઉડીને આંખે વળગે. ત્યારે ફોન કોલ પર લોકમત કર્યો હતો. ગુજરાતી પત્રકારત્વમાં આવું લહેલીવાર બનેલું. ગોધરા કાંડ પછીના જુવાળ અંગે પણ એક પુસ્તિકા બનાવી હતી અને એ ય નોંધપાત્ર .
ટેકનોલોજીનું એને જે જ્ઞાન હતું એ કદાચિત જ કોઈ પત્રકારમાં જોવા મળે છે. રિડિફ ડોટ કોમના વખતથી એ ટેકનોલોજી સાથે કામ પાર પડતો થયો હતો. એ ધારે તો આખું છાપું એકલા હાથે કાઢી શકે. ગઈ ચાર જાન્યુઆરીએ કરુણા ટોક્સમાં એનો ઈન્ટરવ્યું કરેલો [ એ કદાચ છેલ્લો રહ્યો] એમાં એણે પોતા ઉપર હસતા હસતા કહેલું કે, એક માત્ર રેડિયોમાં મેં કામ કર્યું નથી. અને એમાં ય જો સરકાર ન્યુઝની છૂટ પુરતી આપે તો એ ય કરીશું ….
એને અનુવાદની કળા હાથવગી હતી. મેં એના જેટલી ઝડપથી અનુવાદ કરતા કોઈને જોયા નથી. અનુવાદ કઈ રીતે થાય એ એના પાસેથી શીખવા જેવું. સ્ટીવ જોબ્સનું પુસ્તક અંગ્રેજીમાં વાંચો અને એનો બાપુએ કરેલો અનુવાદ વાંચો એટલે બધી વાત સમજાઈ જાય. એણે ઈન્ટરવ્યુમાં કહેલું કે, લેખકના પુસ્તકમાં એક થીમ હોય છે , શૈલી હોય છે. અને અનુવાદ કરતી વેળા એ બધાનું ધ્યાન રાખવાનું હોય છે. અનુવાદકે ગુજરાતી ઓડીયન્સને પણ ધ્યાન રાખવાનું રહે. કેટલું લેવું , શું કાઢવું અને અર્થનો અનર્થ ના થાય એનું ધ્યાન રાખવું. એણે ઘણા બધા અનુવાદો કર્યા. હમણા જ રાજકોટમાં આર આર શેઠના પુસ્તક મેળામાં પ્રકાશક રવિરત્ન મળી ગયા. એમણે બાપુને યાદ કર્યા અનેપછી કહે કે, કોઈ સારા અનુવાદક હોય તો કહેજો ને….
ગુજરાતી પત્રકારત્વમાં એનું એક યોગદાન પણ યાદ રાખવું પડશે. કારણ કે, બાપુએ ઘણા પત્રકારોને તૈયાર કર્યા , ઘડ્યા. આજે ગુજરાતી પત્રકારત્વમાં સારા પત્રકારો શોધ્યા જડતા નથી ત્યારે બાપુનું આ પ્રદાન ઘણું બધું મહત્વ ધરાવે છે. પણ એનો કોઈ ભાર લઇ એ ફરતો નહોતો. અને હા, એનો અર્થ એ નહોતો કે, એણે બધું કરી નાખ્યુ હતું. ઘણું બધું કર્યું પણ ઘણું બધું બાકી હતું. એ કદાચ અંગ્રેજી પત્રકારત્વમાં ગયો હોત તો ઉચ્ચ કક્ષાએ પહોચ્યો હોત. અને ગુજરાતીમાં પણ એકાદ જગ્યાએ એ ઠરીઠામ થયો હોત તો કદાચ હતો એ કરતા ઘણી બધી ઊંચાઈએ પહોચ્યો હોત. કદાચ એ પોતાને કે અન્યો એને પુરતો ન્યાય ના આપી શક્યા.
આમ તો એ પોતાના સ્વાસ્થ્ય માટે બહુ જાગૃત રહેતો. એક સાથે દસ બાર કિલોમીટર સાયકલ ચલાવી શકતો. પણ શરદી – તાવ- ઉધરસ વાટે એક અજાણ્યો વાઈરસ એની જાણ બહાર ફેફસામા એવો ઘુસ્યો અને એવો વિકસ્યો …એ જેટલી ઝડપી લખતો કે, અનુવાદ કરતો કદાચ એના કરતાય વધુ ઝડપે…. બાપુ જીદ્દી હતો , બળવાખોર હતો …સાલો વાઇરસ પણ એવો જ નીકળ્યો . આપણને એમ થાય છે કે બાપુ દગો કરી ગયા પણ વાસ્તવમાં વાઇરસ દગો કરી ગયો કદાચ ….પણ બાપુ , તારી યાદ આવ્યા કરશે ચા પીતી વખતે , ગાંઠીયા ખાતી વખતે , પત્રકારત્વ કે રાજકીય મુદે કે કોઈ વિષયે ચર્ચા કરતી વખતે … ત્યારે તારા તરફથી મુકાતી વાતની જગ્યા ખાલી રહેશે.