બાવળા નગરપાલિકાની સામાન્ય સભા બુધવારે સવારે નગર સેવા સદનના સભાખંડમાં મળી હતી. જેમાં શાસક પાંખ દ્વારા એજન્ડા પરના 14 વિકાસકામોને મંજૂર કરાયા હતા.
અમદાવાદ જિલ્લામાં બાવળા નગરપાલિકાની વર્ષ 2025માં જ યોજાયેલી પાલિકાની સામાન્ય ચૂંટણીમાં નગરજનોએ પરિણામમાં ફિફ્ટી ફ્ફ્ટિીના મેન્ડેટ આપ્યા હતા. એથી ભાજપ દ્વારા બસપાના ઉમેદવારને સાથે રાખી પાલિકામાં શાસનધુરા સંભાળી હતી. શહેરમાં કોંગ્રેસના ઉગ્ર વિરોધ વચ્ચે ભાજપ દ્વારા નવા ચહેરાઓને મુખ્ય હોદ્દાઓના ભાર સોંપ્યા હતા. જેને લઈ શહેરના ખાઇબદેલા ભાજપના જૂના રાજકારણીઓ શહેરના વિકાસના કામોમાં રોડા નાંખતા હોવાની ફરિયાદો વચ્ચે પાલિકા ભાજપ બે જુથમાં વહેચાઈ ગયું હતું. ત્યારે બુધવારે સવારના 11 વાગે બાવળા નગરપાલિકાની જનરલ સભા યોજવામાં આવી હતી. ત્યારે મુખ્ય વાત એ હતી કે ભાજપની સત્તા હોવા છતાં પાલિકા ભાજપના ઉપપ્રમુખ સહિત પાંચ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. તેમ છતાં શહેરી વિકાસના અટકી ગયેલા કામોને ગતિ આપવા માટે સભામાં સત્તાપક્ષ દ્વારા વિવિધ કામો એજન્ડામાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં પાલિકાના ખર્ચાઓ સિવાય ઘણા મુદ્દાઓ પર કોંગ્રેસ સભ્યોનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમ છતાં છેલ્લે પાલિકા સભામાં 14 શહેરી વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત બાવળા પાલિકાની સાધારણ સભાની સફ્ળતા માટે અમદાવાદ જિલ્લા ભાજપ દ્રારા આગળના દિવસે વ્હીપ બજાવવા છતાંય પાંચ સભ્યો હાજર રહ્યા ન હતા. જેમાં રેખાબેન કેતનભાઈ પટેલ, દીપકભાઈ ભટ્ટ , રાકેશભાઈ ઠાકોર, મંજૂલાબેન રમણભાઈ ઠાકોર (ઉપપ્રમુખ) તેમજ જાગૃતિબેન સુરેશભાઈ ઠાકોરનો સમાવેશ થાય છે.
https://sandesh.com/maru-saher-maru-gaam
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


