ટીમ ઈન્ડિયા હાલમાં દક્ષિણ આફ્રિકા સામે પાંચ મેચની T20I સીરિઝ રમી રહી છે. આ પહેલા બે ટેસ્ટ અને ત્રણ ODI પણ રમાઈ હતી.આ મેચો વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક મોટો નિર્ણય લીધો છે.BCCIએ ODI અને T20 ટીમોના ખેલાડીઓ માટે એક નવો આદેશ જારી કર્યો છે,જે હેઠળ તેમને એક મહત્વપૂર્ણ સ્થાનિક ટુર્નામેન્ટમાં ઓછામાં ઓછી બે મેચ રમવાની રહેશે. મહત્વપૂર્ણ વાત એ છે કે, દરેક ખેલાડીએ આ નિર્દેશનું પાલન કરવું પડશે.
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે નવો આદેશ
મીડિયા રિપોર્ટ અનુસાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક મોટો નિર્ણય લીધો છે, જેમાં ભારતીય ODI અને T20 ટીમોના તમામ ખેલાડીઓને વિજય હજારે ટ્રોફી 2025-26 માં ઓછામાં ઓછી બે મેચ રમવાનું કહેવામાં આવ્યું છે. આ આદેશ ખેલાડીઓની મેચ ફિટનેસ જાળવવા અને સ્થાનિક ક્રિકેટને મજબૂત બનાવવા માટે જારી કરવામાં આવ્યો છે.વિજય હજારે ટ્રોફી ભારતની મુખ્ય સ્થાનિક લિસ્ટ A ટુર્નામેન્ટ છે, જે 24 ડિસેમ્બરથી શરૂ થવાની છે.આ નિર્ણય ખાસ કરીને એવા સિનિયર ખેલાડીઓ પર અસર કરશે જેઓ તેમના આંતરરાષ્ટ્રીય સમયપત્રકને કારણે લાંબા સમય સુધી સ્થાનિક ક્રિકેટથી દૂર રહ્યા છે. BCCI નીતિ હેઠળ, કેન્દ્રીય કરાર ધરાવતા ખેલાડીઓને રાષ્ટ્રીય ફરજમાંથી મુક્ત હોય ત્યારે ઘરેલુ ટુર્નામેન્ટમાં ભાગ લેવો જરૂરી છે. આનાથી ખેલાડીઓને સતત મેચ પ્રેક્ટિસ મળશે જ,પરંતુ યુવા ખેલાડીઓને તેમના સિનિયર ખેલાડીઓ પાસેથી શીખવાની તક પણ મળશે. અગાઉ, રણજી ટ્રોફી દરમિયાન ઘણા સિનિયર ખેલાડીઓ પોતપોતાની ટીમો માટે રમ્યા હતા.
વિરાટ કોહલી ભાગ લેશે
વિરાટ કોહલી 24 ડિસેમ્બર 2025થી 18 જાન્યુઆરી 2026 સુધી ચાલનારી વિજય હજારે ટ્રોફી (લિસ્ટ A ટુર્નામેન્ટ)માં રમવા માટે પુષ્ટિ થયેલ છે.કોહલીએ દિલ્હી ક્રિકેટ એસોસિએશનને તેની ઉપલબ્ધતા વિશે પહેલાથી જ જાણ કરી દીધી છે.અને અહેવાલો સૂચવે છે કે તે કુલ બે મેચ રમશે.વિરાટ છેલ્લે 16 વર્ષ પહેલા 2010 માં વિજય હજારે ટ્રોફીમાં રમ્યો હતો.દરમિયાન રોહિત શર્મા પણ આ યાદીમાં સામેલ થઈ શકે છે. તેણે છેલ્લે 2018 ની વિજય હજારે ટ્રોફીમાં 17 ઓક્ટોબરે રમ્યો હતો.


