BCG ચૂંટણીમાં જે.જે. પટેલ અને એ.એ. અંસારી વિજેતા, હવે બગડાની ગણતરી પર સૌની નજર
છ દિવસ સુધી ચાલેલી મતગણતરી બાદ બે ઉમેદવારોની જીત જાહેર; રાજકોટના અમૃતા ભારદ્વાજ, દિલીપ પટેલ અને જામનગરના મનોજ અનડકટ મજબૂત સ્થિતિમાં
અગ્ર ગુજરાત, રાજકોટ
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં લાંબી અને ચર્ચાસ્પદ મતગણતરી બાદ બે ઉમેદવારોની સત્તાવાર જીત જાહેર કરવામાં આવી છે. જે.જે. પટેલ અને એ.એ. અંસારી જંગી મતોથી વિજેતા બનતા વકીલ વર્તુળોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. છ દિવસ સુધી ચાલેલી મતગણતરી બાદ એકડાની ગણતરી પૂર્ણ થતાં હવે બગડાની ગણતરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે બાકીના ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો આગામી તબક્કામાં થવાનો છે.
આ ચૂંટણી માટે 6 માર્ચે મતદાન યોજાયું હતું. મૂળ મતગણતરી 9 માર્ચથી શરૂ થવાની હતી, પરંતુ વિવાદ ઉભો થતા પ્રક્રિયા એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવી હતી. બાદમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ હસ્તક્ષેપ કરતાં 10 માર્ચથી મતગણતરી શરૂ થઈ હતી. શરૂઆતમાં માન્ય અને અમાન્ય બેલેટ અલગ પાડવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, ત્યારબાદ શનિવારથી મુખ્ય મતગણતરીનો પ્રારંભ થયો હતો. રવિવારે બપોર બાદ પ્રથમ પરિણામ જાહેર કરાયા હતા.
મતગણતરીના પરિણામોમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હાલના ચેરમેન અને પ્રદેશ ભાજપ લીગલ સેલના સંયોજક જે.જે. પટેલ વિજેતા જાહેર થયા હતા. તેમની સાથે વકીલોમાં લોકપ્રિયતા મેળવનારા એડવોકેટ એ.એ. અંસારી પણ જીતના શિખરે પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ, જે.જે. પટેલને 1,929 મત મળ્યા હતા, જ્યારે એ.એ. અંસારીને પ્રથમ પસંદગીમાં જ સૌથી વધુ 2,398 મત મળ્યા હતા.
રાજકોટમાં 4400થી વધુ મતદારો નોંધાયેલા હતા. જેમાંથી 2457 વકીલોએ મતદાન કર્યું હતું. તેમાંથી 2304 મત માન્ય ગણાયા હતા અને 154 મત અમાન્ય ઠર્યા હતા. પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે મુખ્ય ઉમેદવારો વચ્ચે સારો જંગ રહ્યો હતો. હાલ બગડાની ગણતરી શરૂ થતા રાજકોટના અમૃતા ભારદ્વાજ અને દિલીપ પટેલ તેમજ જામનગરના મનોજ અનડકટ જીતથી ખૂબ નજીક માનવામાં આવી રહ્યા છે. તે સિવાય અનિલ કેલ્લા, દિપેન દવે, કરણસિંહ વાઘેલા, ભરત ભગત, મુકેશ કામદાર, પ્રવીણ પટેલ, હિતેશ પટેલ, ભાવેશ રબારી અને પરેશ વાઘેલા પણ આગળ ચાલી રહ્યા હોવાનું જાણવા મળે છે.
વિજય બાદ જે.જે. પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 25 વર્ષથી વકીલ મંડળમાં કરેલી સતત સેવા પર સાથી વકીલોએ ફરી વિશ્વાસ મૂક્યો છે અને તે બદલ તેઓ આભારી છે. સાથે જ તેમણે વકીલાતના ગૌરવ અને વ્યવસાયની ગરિમા જળવાઈ રહે તે માટે સેવા યથાવત રાખવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો.
ચૂંટણીના બે પરિણામો જાહેર થયા બાદ હવે બાકીની બેઠકો માટે ચાલતી બગડાની ગણતરી ઉપર સૌની નજર ટકેલી છે.


