ગુજરાતીઓ સ્વાદમાં વિવિધતા લાવવા ભોજનમાં ભજીયા જેવા ફરસાણથી લઈને હેલ્ધી નાસ્તો કહેવાતા સોજીની વાનગીઓને પસંદ કરે છે. અનેક ઘરોમાં રાત્રિના ડીનરમાં થેપલાં અને ખીચડીની વાનગી સાથે અથાણું જરૂર હોય છે. અથાણું બનાવવા મોટાભાગના લોકો સરસિયાના તેલનો ઉપયોગ કરે છે. એવું કહેવાય છે કે સરસિયા તેલમાં બનાવેલું અથાણું લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો અને તેનો સ્વાદ પણ લાજવાબ હોય છે. ત્યારે અથાણાને સ્વાદિષ્ટ બનાવતું સરસિયાનું તેલ વાળમાં લગાવું કે તેને લઈને આજની યુવતીઓ મૂંઝવણ અનુભવે છે.
સરસિયાનું તેલ લાભકારક
આરોગ્ય નિષ્ણાત ડો. દેસાઈએ યુવતીઓની આ મૂંઝવણ દૂર કરતા કહ્યું કે સરસિયાનું તેલ વાળ તો શું સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ગુણકારી છે. વધુમાં તેમણે કહ્યુ કે સરસિયાના તેલમાં બીટા કેરોટીન, આયર્ન, ફેટી એસિડ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો રહેલા છે. આ ઉપરાંત તેમાં ઓલિક એસિડ, લિનોલિક એસિડ અને ફેટી એસિડ રહેલું છે વાળ માટે વધુ લાભદાયક છે. જો કે આજકાલ બજારમાં મોટાભાગના લોકો વાળ માટે સરસિયાના તેલનો નહીં પરંતુ નારિયેળ તેલ અને બદામના તેલનો વધુ ઉપયોગ કરે છે.
વાળમાં લગાવવાથી થશે ફાયદો
જો કે ભારતમાં સદીઓથી વાળમાં સરસિયાનું તેલ લગાવવાની પ્રાચીન પદ્ધતિ છે. સરસિયાનું તેલની માથામાં માલિશ કરવાથી વાળના મૂળ મજબૂત થાય છે અને ગ્રોથ પણ વધે છે. તેલમાં રહેલા વિટામિન અને ખનિજના કારણે વાળને સારું પોષણ મળે છે અને વાળ વધુ સિલ્કી થાય છે. આ તેલ યોગ્ય રીતે વાળમાં લગાવવામાં તો જ લાભ થશે. પહેલાના સમયમાં લોકો ન્હાયા બાદ વાળમાં આ તેલની માલિશ કરતા હતા. પરંતુ હાલમાં મહિલાઓ અને યુવતીઓમાં કોરા અને ખુલ્લા વાળની ફેશન છે.
તેલનો કયારે કરવો ઉપયોગ
ખરતા વાળ અથવા ગ્રોથ વધારવા તમે આ રીતે સરસિયાનો તેલનો ઉપયોગ કરો. તેલ લગાવવાનો શ્રેષ્ઠ સમય રાત્રે છે. તમે સૂતા પહેલાનો હાથે વાળમાં આ તેલની માલિશ કરો અને પછી સવારે હળવા શેમ્પૂથી ધોઈ લો. સારો લાભ લેવા અઠવાડિયામાં 1-2 વાર તેનો ઉપયોગ કરવો જોઈએ. સરસિયાના તેલની તાસીર ગરમ હોવાથી કેટલાક લોકો માટે તે હાનિકારક પણ હોઈ શકે છે. જે લોકોની ત્વચા વધુ સંવેદનશીલ હોય તેમને ફોલ્લીઓ અથવા બળતરા થવાની શકયતા રહે છે. સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોએ ડોક્ટરની સલાહ મુજબ તેનો ઉપયોગ કરવો.


