- અંબાજીમાં આવશે પીએમ મોદી
- પીએમ મોદીના આગમન પૂર્વે માતાજીની મહાઆરતી
- 900 દીવાઓની સાથે માતાજીની દિવ્ય આરતી
અંબાજીમાં આજે માતાની અદ્ભુત આરતી કરવામાં આવી હતી. મહત્વનું છે કે આવતીકાલે એટલે કે 30 ઓક્ટોબરે પીએમ મોદી અંબાજી ખાતે આવવાના છે તેના પહેલા આજે 900 દીવાઓથી માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી.
પીએમ મોદીના ગુજરાત આગમન પૂર્વે અંબાજીમાં આજે માતાજીની મહાઆરતી યોજાઈ હતી. મહાઆરતીમાં ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકરભાઈ ચૌધરી હાજર રહ્યા હતા તો સાથે જ ગુજરાત સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે હજુ થોડા દિવસો પૂર્વે જ માતાજીની આરાધનાનું મહાપર્વ નવરાત્રી પૂર્ણ થયું છે. ત્યારે પણ ચાચર ચોકમાં ભવ્યતાથી ગરબા અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીની દિવ્ય આરતીથી માહોલ ભક્તિમય બની ગયો હતો.
ક્યારે આવશે પીએમ મોદી?
પીએમ મોદી 30 અને 31 ઓક્ટોબરના રોજ ગુજરાતના પ્રવાસે આવનાર છે. અહીં આવ્યા પછી તેઓ અંબાજીમાં માતાને શિશ નમાવી આશિષ લેશે અને પછી વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી વર્ષોથી અંબાજી માતામાં અસીમ શ્રદ્ધા રાખતા આવ્યા છે. નવરાત્રીમાં વડાપ્રધાન મોદી ઉપવાસ રાખે છે અને માત્ર ચા અને લીંબુ પાણીનું જ સેવન કરે છે. આ વખતે પણ પીએમ મોદીએ આ જ ક્રમ જાળવ્યો હતો અને હવે વડાપ્રધાન મા અંબાજીના ધામમાં માની સમ્મુખ માથું નમાવી દેશવાસીઓના સારા ભવિષ્યના આશિષ લેવા આવી રહ્યા છે.
આવતીકાલે 30 ઓક્ટોબર 2023ના રોજ પીએમ મોદી ગુજરાતમાં રૂ.5950 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેનાથી 7 જિલ્લાને લાભ થશે. મહેસાણા જિલ્લાના ડભોડા ખાતે આ કાર્યક્રમ યોજાશે. મહત્વનું છે કે આ તમામ વિકાસકાર્યોમાં ભારતીય રેલવે, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (GRIDE), જળ સંસાધન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગના પ્રોજેક્ટ્સ સામેલ છે.