આકરા ઉનાળાની શરૂઆત પહેલા જ ધંધાર્થીઓ પર કોર્પોરેશને બોલાવેલી ધોંસ
દિવા તળે અંધારૂ! મિનરલ વોટર-બરફના એકમો સીલ કરનાર મનપાના પાણીના 3૭ નમૂના ફેઇલ
ત્રણેય ઝોનમાં આરોગ્યના નિયમોનો ઉલાળ્યો કરનાર પ3 યુનિટોને નોટીસ-સીલ કરાયા : મનપાના નમૂના ફેઇલ થતા પાણીમાં કલોરીનેશનની માત્રા જાળવવા તંત્ર ઊંધા માથે : ઉનાળામાં પાણીને ઉકાળીને પીવા લોકોને અપીલ
કાળઝાળ ગરમીમાં ઠંડા પાણી અને બરફની માંગ વધારે રહેવાની શકયતા વચ્ચે સિઝનમાં સતત ઝુંબેશ શરૂ રાખવા તંત્ર એકશનમાં
અગ્ર ગુજરાત, રાજકોટ
આ વર્ષનો ઉનાળો આકરો રહેવાનો છે તેવી આગાહી નિષ્ણાંતો દ્વારા કરાઇ છે. ઉનાળો આકરો રહેવાનો હોવાથી ઠંડા પાણીની માંગ પણ વધારે રહેવાની છે તે પૂર્વે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સઘન ઝુંબેશનો પ્રારંભ કરતા શહેરના ત્રણેય ઝોનમાં મિનરલ વોટર અને બરફના કારખાનામાં દરોડા પાડવામાં આવ્યા હતા અને પ3 જેટલા યુનિટોને નોટીસ ફટકારી સીલ મારવામાં આવ્યાં હતા. પરંતુ દિવા તળે જ અંધારૂ હોય તેવો ઘાટ પણ સર્જાયો છે. મનપા દ્વારા વિતરણ કરવામાં આવતા પાણીના 3૭ જેટલા નમૂના ફેલ થયા હતાં.
રાજકોટના વેસ્ટ, સેન્ટ્રલ અને ઈસ્ટ ઝોનમાં ફેલાયેલા વિવિધ પાણીના પ્લાન્ટ અને બરફની ફેક્ટરીઓમાં તપાસ દરમિયાન અનેક અનિયમિતતાઓ સામે આવી હતી. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ઘણા એકમોમાં પાણીની શુદ્ધતા માટેના જરૂરી માપદંડો જાળવવામાં આવતા નહોતા. ઉનાળામાં પાણી અને બરફની માંગમાં તોતિંગ વધારો થતો હોય છે, જેનો લાભ ઉઠાવી કેટલાક વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું છે. ચેકિંગ દરમિયાન એકમોમાં સ્વચ્છતાનો અભાવ અને શુદ્ધિકરણની પ્રક્રિયામાં ખામી જોવા મળતા 53 સ્થળોને સીલ કરી દેવાયા છે.
એક તરફ તંત્ર ખાનગી એજન્સીઓ સામે પગલાં લઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા પૂરા પાડવામાં આવતા પાણીની ગુણવત્તા સામે પણ સવાલો ઉભા થયા છે. છેલ્લા એક મહિનામાં લેવામાં આવેલા નમૂનાઓના પરીક્ષણમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. અને 37 જેટલા પાણીના નમુના ફેઈલ જાહેર થયા છે. જેને લઈ આરોગ્ય વિભાગે વોટરવર્ક્સ વિભાગ સાથે મળી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. અને પાણીમાં ક્લોરીનેશનની માત્રા જાળવવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વેસ્ટ ઝોન: ક્લોરીનના 147 નમૂનામાંથી 8 અને બેક્ટેરિયોલોજીકલ 142 નમૂનામાંથી 8 નમૂના ફેઈલ થયા છે. સેન્ટ્રલ ઝોન: ક્લોરીનના 1150 નમૂનામાંથી 10 અને બેક્ટેરિયોલોજીકલ 55 નમૂનામાંથી 1 નમૂનો ફેઈલ થયો છે. ઈસ્ટ ઝોન: બેક્ટેરિયોલોજીકલ 42 નમૂનામાંથી 10 નમૂના ફેઈલ જાહેર થયા છે.
ઉલ્લેખનીય છે કે, મનપાના પાણી વિતરણ વ્યવસ્થાના 37 નમૂનાઓ પીવા માટે અયોગ્ય સાબિત થયા છે. જોકે, તમામ ઝોનમાં કેમિકલ પેરામીટરના નમૂનાઓ પાસ થયા છે તે એક રાહતના સમાચાર છે. છતાં આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે ઉનાળા દરમિયાન પાણી ઉકાળીને પીવું અને શંકાસ્પદ જગ્યાએથી બરફ કે પાણીનો ઉપયોગ ટાળવો જોઈએ. આ ઝુંબેશ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનાવવામાં આવશે જેથી પાણીજન્ય રોગચાળાને પ્રસરતો અટકાવી શકાય.
સીલ કરવામાં આવેલા મુખ્ય એકમોની યાદી
જીંજલ સેલ્સ (શાસ્ત્રીનગર), દ્વારકેશ ડ્રિંકિંગ વોટર (રૈયાધાર), વિરાજ ડ્રિંકિંગ વોટર, ક્રિશ ડ્રિંકિંગ વોટર (શિતલપાર્ક), દેવરાજ ડ્રિંકિંગ વોટર, ઓમ ચિલ્ડ વોટર (એનિમલ હોસ્ટેલ પાસે), આદિત્ય મિનરલ વોટર, ઝરણાં વોટર સપ્લાયર્સ (શ્યામનગર), રામ આર.ઓ. વોટર, બંસી આર.ઓ. વોટર (રૈયાગામ), શિવ ડ્રિંકિંગ વોટર અને કિસ્મત ડ્રિંકિંગ વોટર, લીઓ ફ્રેશ વોટર (ગીતાનગર), જીવનદિપ એન્ટરપ્રાઈઝ, આશાપુરા વોટર (લક્ષ્મીવાડી), સૈફા ડ્રિંકિંગ વોટર (પોપટપરા), જય દ્વારકાધિશ વોટર (કેવડાવાડી), જય ચામુંડા મિનરલ વોટર (સોલવન્ટ), ભગવતી વોટર સપ્લાયર (ગુલાબનગર), ઉમેશ મિનરલ વોટર અને ક્રિષ્ના આઈસ ફેક્ટરી (ખોખડદડ નદી પાસે) જેવા એકમોનો સમાવેશ થાય છે. ઉપરાંત સહજાનંદ ઇન્ડસ્ટ્રીઝ અને પરમધામ ઇન્ડસ્ટ્રીઝમાં ચાલતા અનેક વોટર પ્લાન્ટ્સ પણ નિયમોના ભંગ બદલ સીલ કરવામાં આવ્યા છે.


