- પશ્ચિમ બંગાળ બાદ પીએમ મોદી બિહારના પ્રવાસે
- 12800 કરોડના વિકાસના કાર્યોની આપી ભેટ
- બેતિયામાં પીએમ મોદી સંબોધિ રહ્યા છે સભા
લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે પ્રચાર પ્રસાર તેજ કર્યો છે. છેલ્લા પાંચ દિવસમાં પીએમ મોદી બીજી વાર બિહારના પ્રવાસે પહોંચ્યા છે. અગાઉ તેઓ બેગૂસરાય અને ઔરંગાબાદ ગયા હતા. આજે તેઓ બેતિયામાં જનસભા સંબોધી રહ્યા છે. પીએમ મોદીએ બિહારમાં 12,800 કરોડની વિકાસની પરિયોજનાઓની ભેટ આપી. આ ઉપરાંત એક્સપ્રેસ ટ્રેનોને પણ લીલીઝંડી બતાવી હતી.
જંગલરાજ લાવનારો પરિવાર યુવાનોનો ગુનેગાર- પીએમ મોદી
પીએમ મોદીએ સભા સંબોધન દરમિયાન આરજેડી પર નિશાનો સાધ્યો હતો. તેમણે કહ્યું કે આઝાદી પછી યુવાઓનું બિહારમાંથી પલાયન થવુ તે મોટી સમસ્યા રહી છે. બિહારમાં જંગલ રાજ આવ્યું ત્યારે આ સ્થળાંતર વધી ગયું. જંગલરાજ લાવનારા લોકોએ માત્ર પોતાના પરિવારની જ ચિંતા કરી અને બિહારના લાખો બાળકોનું ભવિષ્ય દાવ પર લગાવ્યું. અહીંના યુવાનો રોજીરોટી માટે બીજા રાજ્યો અને શહેરોમાં જતા રહ્યા અને અહીં એક જ પરિવારનો વિકાસ થતો રહ્યો. લાલુ યાદવ પર નિશાન સાધતા કહ્યું કે નોકરીના બદલામાં જમીનો કબજે કરવામાં આવી હતી. આ રીતે લૂંટ કરનારાઓને કોઈ માફ કરી શકે નહીં. પીએમએ કહ્યું કે આ પરિવાર બિહારના લોકોનો સૌથી મોટો ગુનેગાર છે. તેઓએ યુવાનો પાસેથી તેમની સંપત્તિ છીનવી લીધી. NDA સરકાર બિહારને જંગલરાજથી બચાવીને અત્યાર સુધી લાવી છે.
દેશ વિકસિત બનાવવા બિહારનો વિકાસ જરૂરી- પીએમ મોદી
પીએમ મોદીએ બેતિયામાં સંબોધન કરતા કહ્યું કે દેશને વિકસિત બનાવવા માટે બિહારનો વિકાસ જરૂરી છે. આજે 12800 કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપવામાં આવી છે. વિકસિત બિહાર માટે આ ગતિ જાળવી રાખવી પડશે. ડબલ એન્જિન સરકાર આ દિશામાં કામ કરી રહી છે.
મોડા આવવા બદલ ક્ષમા માંગી
પીએમ મોદીએ સભા સંબોધન કરતા પહેલા જનતાની માફી માંગી અને કહ્યું કે મોડુ થવા બદલ ક્ષમા માંગુ છું. તેમણે કહ્યું કે હું પશ્ચિમ બંગાળ ગયો હતો. ત્યાં માહોલ કંઇક અલગ જ હતો. ત્યાં 12 કિમી લાંબો રોડ શો કર્યો હતો એટલે અહીં આવતા મોડુ થઇ ગયું.
બે નવી ટ્રેનોને લીલી ઝંડી બતાવી
PM નરેન્દ્ર મોદીએ ફ્લેગ ઓફ કરીને બે નવી ટ્રેનોનું ઉદ્ઘાટન કર્યું. તેમાં નરકટિયાગંજ-ગોનાહા અને રક્સૌલ-જોગબાની ટ્રેન સેવાઓનો સમાવેશ થાય છે.
12800 કરોડની યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું
PM નરેન્દ્ર મોદીએ બેતિયામાં 12800 કરોડ રૂપિયાના ખર્ચની અનેક યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું. જેમાં બેતિયા રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસનો શિલાન્યાસ, ગોરખપુર કેન્ટ-વાલ્મિકીનગર રેલ્વે સેક્શનનું ડબલીંગ અને ઇલેક્ટ્રિફિકેશન, નરકટિયાગંજ-ગોહના રેલ્વે સેક્શનનું ઉદ્ઘાટન, બેતિયા ફ્લાયઓવરના એક ભાગનું ઉદ્ઘાટન અને અન્ય પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. તેમણે પેટ્રોલિયમ ક્ષેત્રના ઈન્ડિયન ઓઈલ પાઈપલાઈન અને એલપીજી પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા.


