- MSP સહિતની માંગણીઓને લઈને ખેડૂતો ફરી આંદોલને બેઠા
- વાતચીત દ્વારા કોઈપણ મુદ્દાનો ઉકેલ લાવી શકાય: કૃષિ મંત્રી
- શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતનું હાર્ટએટેકથી થયું મોત
મિનિમમ સપોર્ટ પ્રાઇઝ – લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની કાયદેસર ગેરંટી સહિત જુદી જુદી માંગણીઓ પર ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે ગુરુવારે ત્રીજા રાઉન્ડની બેઠક યોજાઈ. પાંચ કલાક સુધી ચાલેલી આ ચર્ચાનું કોઈ જ પરિણામ ન આવ્યું. હવે આગામી રાઉન્ડની બેઠક રવિવારે 18 ફેબ્રુઆરીના રોજ યોજાશે. આ દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ ખેડૂતોના આંદોલનને લઈને કહ્યું કે વાતચીત દ્વારા કોઈપણ મુદ્દાનો ઉકેલ લાવી શકાય છે.
શું બોલ્યા કૃષિ મંત્રી અર્જુન મુંડા?
કૃષિ મંત્રી અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે, “દેશના ખેડૂતો અમારો પરિવાર છે અને અમે તેમના માટે જે કંઈ કરી શકીએ તે કરી રહ્યા છીએ. જ્યાં સુધી કોઈ ઉકેલ ન આવે ત્યાં સુધી અમે વાતચીતનો દૌર ચાલુ રાખીશું.” કૃષિ મંત્રીએ વધુમાં કહ્યું કે, “ત્રીજા તબક્કાની ચર્ચા થઈ, અમે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી અને ખેડૂતોની માંગણીઓ સાંભળી. અમે ખેડૂત સંગઠન સાથે વાતચીત કરી રહ્યા છીએ. તેને રાજકીય દ્રષ્ટિથી ન જુઓ. જો કોંગ્રેસ તેને રાજકીય દૃષ્ટિકોણથી જોઈ રહી હોય, તો તેમણે તેમનો સમય પણ યાદ રાખવો જોઈએ જ્યારે તેની સરકાર સત્તામાં હતી અને તે સમયે તેમણે શું કર્યું હતું.”
અત્યાર સુધી તમામ બેઠકો રહી નિષ્ફળ
આ દરમિયાન ખેડૂતોએ પંજાબ અને હરિયાણાની સરહદો પર અડગ રહેવાનો નિર્ણય કર્યો છે. ખેડૂત નેતાઓ અને ત્રણ કેન્દ્રીય પ્રધાનો વચ્ચે ગુરુવારે રાત્રે લગભગ 8:45 વાગ્યે બેઠક શરૂ થઈ હતી અને પાંચ કલાક સુધી ચાલી હતી. અગાઉ, 8 ફેબ્રુઆરી અને 12 ફેબ્રુઆરીએ પણ ખેડૂતો અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચેની વાતચીત અનિર્ણિત રહી હતી. ગુરુવારે મોડી રાત સુધી ચાલેલી બેઠક બાદ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું હતું કે, સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં બેઠક યોજાઈ હતી.
એક ખેડૂતનું થયું મોત
ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે આરોપ લગાવ્યો કે સરકાર બેઠકો કરીને એ દર્શાવવા માંગે છે કે માત્ર પંજાબના ખેડૂતો જ વિરોધ કરી રહ્યા છે. તેમણે કહ્યું, “ગઈકાલે ચંદીગઢમાં ત્રીજા રાઉન્ડની બેઠક અનિર્ણિત રહી. અમારી વિરુદ્ધ બળપ્રયોગ કરવામાં આવી રહ્યો છે.” તો, શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોમાંથી 63 વર્ષીય ખેડૂત જ્ઞાન સિંહનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. તેમણે સવારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ, તેમને પંજાબના રાજપુરાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાંથી તેમને પટિયાલાની રાજેન્દ્ર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.


